Only Gujarat

National

એક સમયે ઓરડીમાં રહેતા યુવાન આજે 60થી વધુ પિઝા રેસ્ટોરન્ટનો માલિક

જો વ્યક્તિ ધગશથી અથાક મહેનત કરે તો, તેને સફળતા ચોક્કસ મળે જ છે. આ વાતનું જીવંત ઉદાહરણ છે લક્ષ્મણસિંહ ચૌહાણ. એક સમયે હોટેલમાં એંઠી ડિશો ઉપાડતાં લક્ષ્મણસિંહે આજે તેમની મહેનતના જોરે રિઅલ પેપ્રિકાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે. લક્ષ્મણસિંહે તેમનીની સંઘર્ષથી સફળતા સુધીની કહાની વાગોળી હતી. જે અમે અહીં તેમના શબ્દશઃ રજૂ કરી રહ્યા છીએ.

નવમાં ધોરણમાં નાપાસ થતાં રાજસ્થાનથી અમદાવાદ આવી ગયો.
લક્ષ્મણસિંહે તેમના સંઘર્ષ અંગે વાત કરતાં જણાવ્યું કે, ” હું મૂળ રાજસ્થાનના ઉદયપુરના ભબરાના ગામનો છું. નવમાં ધોરણમાં નાપાસ થયા પછી અમદાવાદ કામની શોધમાં આવી ગયો હતો. અમદાવાદમાં અમારા ગામના કેટલાક છોકરાઓ ગોપી ડાઈનિંગ હોલમાં કામ કરતાં હતાં. તેમની ભલામણથી મને ગોપી ડાઇનિંગ હોલમાં લોકો જમી લે પછી તેમની એંઠી ડિશો ઉપાડીને ચોકડીમાં મૂકવાની અને ટેબલ ખુરશી સાફ કરવાની નોકરી મળી હતી. આ કામ મેં ત્રણ કલાક કર્યું અને બપોરે 4 વાગ્યે ત્યાંથી જમીને બેગ પેક કરીને જતો રહ્યો હતો. ગોપી ડાઇનિંગ હોલમાંથી ભાગી જવાનું કારણ એવું હતું કે, તે સમયે ત્યાંની થાળી ખૂબ જ મોટી અને વજનદાર હતી. જે હું માંડ-માંડ ઉપાડી શકતો હતો, એટલે મને થયું કે, આવું કામ આપણાંથી થશે નહીં એટલે ત્યાંથી જતો રહ્યો હતો.”

ઓનેસ્ટ હોટેલમાં એક વર્ષ કામ કર્યું
લક્ષ્મણસિંહે જણાવ્યું કે, ” ગોપી ડાઇનિંગ હોલમાં નોકરી છોડ્યા પછી થોડાક સમય બાદ એક વ્યક્તિએ મને સમજાવ્યો કે, કાં તો તારે ભણવું પડશે કાં તો કામ કરવું પડશે. જે બાદ લૉ ગાર્ડન પાસે આવેલી ઓનેસ્ટ હોટેલમાં એક વર્ષ કામ કર્યું. આ પછી મેં એક વર્ષ ગેસ્ટ હાઉસમાં પણ કામ કર્યું હતું.”

નોકરી છોડીને રિઅલ પેપ્રિકા શરૂ કર્યું
લક્ષ્મણસિંહે આ અંગે વાત કરતાં કહ્યું કે, ” મેં વર્ષ 1997માં એક કંપનીમાં નોકરી શરૂ કરી હતી. જેમાં મેં વર્ષ 2010 સુધી અલગ-અલગ પોઝીસન પર કામ કર્યું હતું. નોકરી શરૂ કર્યાના થોડાક વર્ષ પછી મેં પાર્ટ ટાઇમમાં એક કેન્ટિન શરૂ કરી હતી. જેમાં મારા ભાઈ અને બનેવીનો સારો સપોર્ટ રહ્યો હતો. કેન્ટિનમાં સારી કમાણી થતાં મને થયું કે, મારે હવે બિઝનેસ જ કરવો છે. એટલે મેં વર્ષ 2010માં નોકરી છોડી દીધી હતી અને બિઝનેસ કરવા માટે રૂપિયા ખૂટતાં હતાં એટલે મેં કેન્ટિનની દુકાન પણ વેંચી દીધી હતી અને મેં બચાવેલાં થોડાક રૂપિયાથી બિઝનેસ શરૂ કર્યો હતો. નોકરી છોડ્યા પછી એક-બે મહિના દુકાન શોધવા માટે હું અને મારા મિત્ર તખતસિંહ સાથે ફરતાં હતાં. અંતે અમે ભાગીદારીમાં શ્યામલ ક્રોસ રોડ પર રિઅલ પેપ્રિકા શરૂ કર્યું હતું. ”

મારા ભાઈઓ અને મિત્રોએ બિઝનેસમાં ઘણો સપોર્ટ કર્યો.
લક્ષ્મણસિંહે જણાવ્યું કે, ” મેં અનલિમિટેડ પિઝાનો બિઝનેસ શરૂ કર્યો હતો. જેમાં મારા વડીલ મિત્ર હરિકાકાએ તે સમયે મને રૂપિયા વગર વ્યાજે આપીને સહાય કરી હતી. આ ઉપરાંત મારા નાના ભાઈ અન્ય મિત્રોએ પણ ખૂબ જ સપોર્ટ કર્યો. મારા મિત્રોએ મને પિઝામાં વપરાતી વસ્તુઓ ક્રેડિટ પર આપી હતી. ”

અમે 10X10ની 200 રૂપિયાના ભાડાંવાળી રૂમમાં 5 લોકો રહેતાં હતાં.
લક્ષ્મણસિંહે આ અંગે જણાવ્યું કે, ” હું ઓનેસ્ટ હોટેલ અને એક ગેસ્ટ હાઉસમાં નોકરી કરતો હતો ત્યારે મારા રહેવાની અને સૂવાની વ્યવસ્થા હતી. આ પછી 1997માં મેં એક કંપનીમાં નોકરી શરૂ કરી હતી જેમાં મારી પાસે રહેવાની વ્યવસ્થા નહોતી એટલે હું વસ્ત્રાપુરમાં મારા મામાને ત્યાં એક 10×10ની 200 રૂપિયાવાલી ભાડાંની રૂમમાં રહેતો હતો. તે રૂમમાં હું, મારી વાઇફ, મારો નાનો ભાઈ અને મારા મામા એમ કુલ અમે 5 લોકો રહેતાં હતાં. થોડાક સમય પછી મારી દીકરીનો જન્મ થયો અને મેં વર્ષ 2004માં મેમનગરમાં એક 1BHKનો ફ્લેટ ખરીદ્યો હતો. આ પછી અમે તે ફ્લેટમાં રહ્યા અને હવે સાયન્સ સિટી ખાતેના બંગલામાં અમે રહીએ છીએ. ”

આજે 60થી વધુ રિઅલ પેપ્રિકાના આઉટલેટ છે.
લક્ષ્મણભાઈએ કહ્યું કે, ” અત્યારે અમારા કુલ 60થી વધુ રિઅલ પેપ્રિકાના આઉટલેટ છે, જેમાં અત્યારે 12-15 આઉટલેટમાં ઇન્ટેરિઅરનું કામ ચાલી રહ્યું છે. આજે મારું વાર્ષિક ટર્ન ઓવર 70 રૂપિયા 70 કરોડથી વધુનું છે. હવે આગામી 1 જાન્યુઆરી, 2022થી અમે મલ્ટીક્યુઝન અનલિમિટેડ શરૂ કરી રહ્યા છીએ. જેમાં પંજાબી, ચાઈનિઝ અને ગુજરાતી મિઠાઈ અનલિમિટેડ આપીશું. આ સિવાય હવે અમારી ફેક્ટરીથી તમામ આઉટલેટ પર એક જ ક્વોલિટીવાળી વાનગીનું સપ્લાય પણ શરૂ કરીશું જેથી દરેક જગ્યાએ એકધાર્યો સ્વાદ મળે. આ ઉપરાંત અમે હવે ફ્રોઝન પ્રોડક્ટ પણ રાખીશું અને તેને બહારના દેશમાં એક્સપોર્ટ પણ કરીશું.”

You cannot copy content of this page