વૈજ્ઞાનિકોનો દાવો, કોરોનાની વેક્સીન કંઈ જાદુની છડી નથી કે રોગચાળો એક જ મિનિટમાં થઈ જશે દૂર

નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના યુરોપ ક્ષેત્રના વડા ડો. હંસ ક્લૂગે કહ્યું છે કે કોરોના વાયરસને હરાવવામાં હેન્ડ વૉશ અને સોશિયલ ડિસ્ટન્સિંગની એટલી જ ભૂમિકા હોઈ શકે છે જેટલી કે વેક્સિનની. ડેઇલી મેઇલ સાથેના એકઈન્ટરવ્યૂમાં હંસ ક્લુગે કહ્યું હતું કે તેમને નથી લાગતું કે રસી આવ્યા પછી રોગચાળો આપમેળે સમાપ્ત થઈ જશે.

રશિયા, તુર્કી, બ્રિટન સહિત WHOના યુરોપ ક્ષેત્રમાં આવતા 53 દેશોના મુખ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંભવ છે કે, રસી એક વર્ષમાં મળી જાય, પરંતુ રસી જાદુઈ રીતે કોરોનાને દૂર કરશે નહીં. તેમણે કહ્યું કે, તેની કોઈ ગેરેંટી નથી કે આ રસી તમામ ઉંમરના લોકો માટે અસરકારક છે.

ડૉ. હંસ ક્લુગે એવી પણ ચિંતા વ્યક્ત કરી કે એકવાર રસી તૈયાર થઈ જાય પછી, બધા દેશોને રસીના ઉત્પાદન અને વિતરણ માટે સમાન તક નહીં મળે. તેથી, તેમણે કહ્યું કે જ્યાં સુધી રોગચાળો છે અથવા રોગપ્રતિકારક શક્તિનો વિકાસ ન થાય ત્યાં સુધી હાથ ધોવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી અસરકારક શસ્ત્રો બની શકે છે.

જ્યારે ક્લૂગને પૂછવામાં આવ્યું કે શું રસી બધું બદલી નાંખશે? તેમણે કહ્યું, ના દરેક વ્યક્તિને લાગે છે કે રસી એ બધી સમસ્યાઓ માટેની દવા હશે. પરંતુ આપણે જાણતા નથી કે આ રસી તમામ ઉંમરના લોકોમાં કામ કરશે.

હંસ ક્લુગે એમ પણ કહ્યું- ‘રસી ક્યારે આવશે તે કોઈને ખબર નથી. મને લાગે છે કે એક વર્ષની અંદર. પરંતુ તે પણ ખૂબ જ સંભવ છે કે રસી એક વર્ષમાં ન આવે. તેમણે કહ્યું કે તે સપનું જોવા માગશે કે કોરોના વાયરસમાં એટલું પરિવર્તન આવે કે તે આપમેળે ઓછા જીવલેણ વાયરસમાં ફેરવાઈ જાય.