ACC અને અંબુજા કંપનીના માલિક નથી ગૌતમ અદાણી! થયો સૌથી મોટો ખુલાસો

ગુરૂવારે અદાણી ગ્રુપે એક મોટો ખુલાસો કર્યો છે. એ પ્રમાણે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી ગ્રૂપની વિવિધ લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સ ગ્રૂપનો હિસ્સો છે. પ્રથમ વખત આ માહિતી ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવી છે. અદાણી જૂથે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ગૌતમ અદાણી અને રાજેશ અદાણી જૂથની વિવિધ લિસ્ટેડ કંપનીઓના વ્યક્તિગત પ્રમોટર્સ છે. આ સિવાય વિનોદ અદાણી વ્યક્તિગત પ્રમોટરોના નજીકના સંબંધી છે. જૂથે જણાવ્યું હતું કે, વિનોદ અદાણી ભારતીય નિયમો અનુસાર અદાણી જૂથની વિવિધ લિસ્ટેડ કંપનીઓમાં ‘પ્રમોટર્સ ગ્રૂપ’નો ભાગ છે.

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે, અદાણી ગ્રુપે વિનોદ અદાણી સાથેના તેના સંબંધો છુપાવ્યા છે. અહેવાલને નકારી કાઢતાં અદાણી ગ્રૂપે કહ્યું હતું કે વિનોદ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓમાં કોઈ હોદ્દો ધરાવતા નથી. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે કંપનીઓના કામકાજમાં તેમની કોઈ દખલગીરી નથી. હિંડનબર્ગ રિસર્ચે અહેવાલમાં જણાવ્યું હતું કે ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી અદાણી જૂથમાં છેતરપિંડી માટે ઓફશોર કંપનીઓના નેટવર્કનું સંચાલન કરતા હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં, મોર્નિંગ કોન્ટેક્સની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિનોદ અદાણી અંબુજા સિમેન્ટ્સ અને ACCની માલિકી ધરાવતી કંપનીઓને નિયંત્રિત કરે છે.

ગત વર્ષે સપ્ટેમ્બરમાં અદાણી જૂથે અંબુજા અને ACCને સ્વિસ સિમેન્ટ કંપની હોલ્સિમ પાસેથી 10.5 બિલિયન ડોલરમાં હસ્તગત કરી હતી. આ પછી અદાણી ગ્રૂપ આદિત્ય બિરલા ગ્રૂપની અલ્ટ્રાટેક સિમેન્ટ પછી દેશનું બીજું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક બન્યું. અદાણી ગ્રૂપે આ એક્વિઝિશન માટે ટ્રાન્ઝેક્શન એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા કર્યું હતું. જો કે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ યુનિટ મોરિશિયસમાં સ્થિત છે અને તેની માલિકી વિનોદ અદાણીની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આનો અર્થ એ છે કે ભારતમાં અદાણી એન્ટરપ્રાઈઝ કે અદાણી ગ્રૂપની અન્ય લિસ્ટેડ કંપનીઓએ અંબુજા સિમેન્ટ્સ અને ACCને હસ્તગત કર્યા નથી.

અદાણી જૂથે ગુરુવારે તેના નિવેદનમાં કહ્યું- ‘હકીકત એ છે કે એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ (વિનોદ અદાણી દ્વારા નિયંત્રિત એકમ), ACC લિમિટેડ અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અદાણી જૂથની છે. આ સંબંધમાં માહિતી 19 ઓગસ્ટ, 2022ના જાહેર ઓફર દસ્તાવેજના પેજ નંબર 22 પર આપવામાં આવી છે, જે અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

વિનોદ અદાણી ગૌતમ અદાણીના મોટા ભાઈ છે અને તેમણે એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. વિનોદ અદાણીએ મુંબઈ સ્થિત વીઆર ટેક્સટાઈલ નામની પાવર લૂમ્સ કંપનીમાં ખૂબ જ નાની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું અને તે પછી તરત જ તેઓ ખાંડ, તેલ જેવી કોમોડિટીના વેપારના વ્યવસાયમાં પ્રવેશ્યા. ત્યારબાદ તેમણે સિંગાપોર અને મધ્ય પૂર્વમાં પોતાનો વ્યવસાય સ્થાપ્યો. તેઓ 1994થી દુબઈમાં રહે છે અને ત્યાં તેમજ સિંગાપોર અને જકાર્તામાં વેપાર વ્યવસાયનું સંચાલન કરે છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં વિનોદ અદાણી પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

About Vaibhav Balar

Vaibhav Balar has been part of the industry when digital media was referred to as "online" media.

View all posts by Vaibhav Balar →