Only Gujarat

Gujarat TOP STORIES

વડોદરા સેન્ટ્રલ જેલમાં બે ગેંગસ્ટર વચ્ચે વર્ચસ્વ જમાવવા થઈ લડાઈ, ચોંકાવનારું આવ્યું પરીણામ

પ્રશાંત દયાળ, વડોદરા: વડોદરા સેન્ટ્રલ જેલમાં મંગળવારની રાત્રે બે ગેંગસ્ટર વચ્ચે જેલની અંદર વર્ચસ્વ જમાવવાની થયેલી લડાઈ બાદ સાહીલ પરમાર નામના કેદીએ વડોદરાના કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાંણિયાના ગળાના ભાગે પતરું મારી દેતા વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા અજ્જુ કાંણિયાને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

વડોદરાના પાણીગેટ અને ચાર દરવાજા વિસ્તારમાં ખંડણી અને ધમકીઓ આપી લોકો પાસેથી પૈસા પડાવતા ગેંગસ્ટર અજ્જુ કાંણિયા સામે મિલકત પચાવી પાડવાની અને ખંડણી માગવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પાણીગેટ પોલીસે તેની ધરપકડ કરી કોરોના ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જતાં ત્યાંથી તે ફરાર થઈ ગયો હતો. જે મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ શામેલ થઈ અને અજ્જુને તેમણે મહેસાણાથી ઝડપી પાડ્યો હતો.

જેલમાં અજ્જુ કાંણિયા અને હત્યા કેસનો આરોપી સાહીલ પરમાર વચ્ચે ટકરાવની શરૂઆત થઈ હતી. આ મામલે મંગળવારે પહેલા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. મંગળવારે સાંજે બંદી થઈ ગયા બાદ મોડી રાત્રે સાહીલે છતમાં રહેલું લોખંડનું પતરું તોડી અજ્જુ કાંણિયાના ગળા ઉપર મારી દીધું હતું. જેમાં તે ગંભીર રીતે ઘવાયો હતો. આ બનાવ બાદ વડોદરા જેલના અધિકારીઓ તુરંત ત્યાં દોડી આવ્યા હતા અને તેમણે ઈજાગ્રસ્ત અજ્જુને સારવાર માટે એસએસજી (સર સયાજીરાવ) હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહીં ફરજ પરના તબીબોએ તપાસતાં અજ્જુ મૃત હોવાનું જાહેર કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની જેલમાં હત્યાનો આ બીજો બનાવ છે. દોઢ દાયકા અગાઉ અમદાવાદની સાબરમતી જેલમાં ગોવા રબારીએ તેના સાગરિતો મારફતે કેદી હત્યા કેસનો કેદી ચેતન બેટરીની હત્યા કરાવી હતી. દોઢ દાયકા પછી જેલમાં હત્યા થઈ હોય તેવો આ બીજો બનાવ છે.

You cannot copy content of this page