સેજલ શર્માના નજીકના દોસ્તની હિન્ટ પરથી પોલીસ તપાસમાં મળ્યો નવો એંગલ

મુંબઈ: ટીવી અભિનેત્રી સેજલ શર્માએ 24 જાન્યુઆરીએ પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. સેજલના આ પગલાંએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. સેજલની આત્મહત્યાને લઈને એવું કહેવામાં આવતું હતું કે અભિનેત્રી ડિપ્રેશનમાં હતી. જેના કારણે તેણે પોતાના જીવનો અંત આણ્યો હતો. સેજલના મોતની કડી ઉકેલવામાં પોલીસ પ્રયત્ન કરી રહી છે. દરમિયાન આ પ્રકરણમાં નવી જાણકારી સામે આવી છે.

એક એન્ટરટેઈન્મેન્ટ વેબસાઈટના રિપોર્ટ મુજબ પોલીસ આ પ્રકરણમાં સેજલના બોયફ્રેન્ડની શોધ કરી રહી છે. રિપોર્ટ મુજબ આ આખા મામલામાં લવ ટ્રાયેંગલ શોધી રહી છે. પોલીસને સેજલના નજીકના દોસ્તે એક હિન્ટ આપી હોવાથી પોલીસે આ દિશામાં તપાસ આદરી છે. સાથે એવું પણ કહ્યુ હતું કે બંને પોતાના રિલેશનશિપને લઈને મોટું પગલું ભરવાના હતા.

આ સાથે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અભિનેત્રીની આત્મહત્યાનું કારણ પર્સનલ લાઈફમાં હલચલ હોઈ શકે છે. હાલમાં એવા પણ અહેવાલ આવ્યા હતા કે સેજલ શર્માએ આત્મહત્યા કર્યાના બે દિવસ પહેલાં એક રોલ માટે ઓડિશન આપ્યું હતું અને તેમાં તે સિલેક્ટ પણ થઈ ગઈ હતી. આ વાતનો ખુલાસો અભિનેત્રી ડોનલ બિષ્ટે હાલમાં એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

નોંધનીય છે કે ટીવી અભિનેત્રી સેજલ શર્માની ડેથબૉડી મુંબઈના મીરા રોડ સ્થિત ફ્લેટમાં પંખા સાથે લટકતી જોવા મળી હતી. સેજલ શર્માના શનિવારે વતન ઉદયપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અભિનેત્રી ડોનલ બિસ્ટે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘‘સેજલના આત્મહત્યાના સમાચાર સાંભળ્યા પછી મેં મારા દોસ્તો સાથે વાત કરી હતી.ત્યાર પછી ખબર પડી કે તે મુંબઈમાં બે વર્ષથી રહેતી હતી. મને એ પણ ખબર પડી કે મોતના બે દિવસ પહેલાં તેણે એક રોલ માટે ઓડિશન આપ્યું હતું, જેમાં તે સિલેક્ટ થઈ ગઈ હતી. ટૂંક સમયમાં તે શૂટિંગ પણ શરૂ કરવાની હતી. તેનો ફેંસલો ખૂબ જ દુ:ખદ છે. જો તેણે કરિયરના કારણે આ પગલું ભર્યું હોય તો તેણે રાહ જોવાની જરૂર હતી.’’

ઉદયપુરમાં રહેતા સેજલની માતાએ પણ દીકરીની આત્મહત્યા અંગે પ્રતિક્રિયા આપી હતી. સેજલની મમ્મીએ ડિપ્રેશનની વાતનો ઈનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે સેજલે તેમને કહ્યું હતું કે તેને સાઈડ રોલ તો ઘણા મળી રહ્યા છે, પણ તેની ઈચ્છા લીડ રોલ કરવાની છે. સેજલની માતાએ કહ્યું કે સેજલને લીડ રોલ પણ મળી ગયો હતો. પછી એવું શું થઈ ગયું કે તેણે આ પગલું ભર્યું.

સેજલનો પરિવાર ઉદયપુરમાં આઝાદનગરમાં રહે છે. સેજલે ઉદયપુરમાંની પીઆઈબીએસ કોલેજમાંથી બીબીએમ કર્યું છે. તેના પિતા કૃષ્ણાકાંત શર્મા સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. તેની એક બહેન અમદાવાદમાં રહે છે, જ્યારે નાનો ભાઈ ઉદયપુરમાં રહે છે.

સેજલ શર્માએ આમિર ખાન, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા સાથે એડમાં કામ કર્યું છે. તે ‘આઝાદ પરિંદે’ નામથી વેબ સીરિઝમાં પણ જોવા મળી હતી. ટીવીની દુનિયામાં તેને પહેલો બ્રેક ‘દિલ તો હેપ્પી હૈ’થી મળ્યો હતો. આ સીરિયલમાં તેને સિમ્મી ખોસલાનો રોલ કર્યો હતો.