Only Gujarat

Gujarat

સ્વરૂપવાન સ્ત્રીઓએ લલચાવી ખેડૂતને બનાવ્યો હનીટ્રેપનો શિકાર, ચોંકાવનારો કિસ્સો

બનાસકાંઠાના દુધવા ગામે એક ખેડૂત સાથે થયેલી હનીટ્રેપના આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. સુઇગામના મમાણાથી એક ખેડૂત ભેંસ ખરીદવા માટે થરાદ આવ્યા હતા. તે સમયે વાવના ભડવેલના એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણ શખ્સોએ તેમને થરાદના દુધવા ગામની સીમમાં હનીટ્રેપમાં ફસાવ્યા હતા. એટલું જ નહીં તે સમયે તેમની પાસેથી રૂપિયા 50 હજાર પડાવી લીધા હતા. થરાદ પોલીસે આ કેસનો ભેદ ઉકેલી બે મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, સુઇગામના મમાણાના દેવજીભાઇ રગાનાથભાઇ કુંભાર ગત ૩ સપ્ટેમ્બરે સવારે ભેંસ ખરીદવા રૂપિયા 50 હજાર લઈને થરાદ આવ્યા હતા. તેઓ ડીસા ચાર રસ્તા પર ચાની હોટલ પાસે ઊભા હતા. તે સમયે ત્યાં આવેલા વાવના ભડવેલ ગામના વિષ્ણુભાઈ બાવાભાઈ ઠાકોરને તેમણે ભેંસ ખરીદવા અંગે વાત કરી હતી. ઓછા પૈસામાં સારી ભેંસ મળે તો ખરીદવાની ઈચ્છા આ ખેડૂતે વ્યક્ત કરી હતી.

તેથી વિષ્ણુએ આ ખેડૂતને કહ્યું હતું કે ભેંસ ક્યાં સારી મળે છે તે અંગે હું તપાસ કરાવું છું, તમે અહીં બેસો. આમ કહીને ગયા પછી વિષ્ણુ થોડીવારમાં રિક્ષામાં આવ્યો હતો. રિક્ષામાં તેની સાથે બે સ્ત્રી પણ હતી. ભેંસ જોવાના બહાને તેમણે તે રિક્ષામાં મહિલાઓની બાજુમાં ખેડૂતને બેસાડ્યા હતા. રિક્ષા દુધવા ગામની સીમમાં તલાવડી પાસે બાવળની ઝાડીમાં જઈને અટકી હતી. ત્યારબાદ ત્રણેય સાથે મળીને ખેડૂતને ગડદાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, એક સ્ત્રી સાથે ઉભા રખાવી તેમના અશ્લીલ ફોટા પાડી લીધા હતા.

આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ખેડૂત પાસેથી ભેંસની ખરીદી માટે રાખેલા રૂપિયા 50 હજાર પણ પડાવી લીધા હતા. દેવજીભાઇ કુંભારે આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. તેના પગલે એક્શનમાં આવેલા મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવની સુચનાથી પીઆઈ જે.બી. ચૌધરીએ હનીટ્રેપની તપાસ શરૂ કરી હતી. ખાનગી બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસની ટીમે વાવ તાલુકાના ભડવેલના વિષ્ણુભાઇ બાવાભાઇ ઠાકોર તથા બે મહિલાઓને ઝડપી લીધા હતા.

આ ઉપરાંત તેમની પાસેથી મુદ્દામાલના રૂપિયા 50,000 જપ્ત કરી ત્રણેયની સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સામાન્ય રીતે હનીટ્રેપની ઘટનાઓ મોટા શહેરોમાં જોવા મળતી હોય છે. પરંતુ બનાસકાંઠા જેવા સરહદી જિલ્લામાં પણ હનીટ્રેપના બનાવો બની રહ્યા છે. પૈસા પડાવવા માટે ગઠિયાઓ હવે ખેડૂતોને પણ શિકાર બનાવી રહ્યા છે. જેને લઈ પોલીસ સામે પડકાર વધ્યો છે.

 

You cannot copy content of this page