Only Gujarat

Gujarat

નવવધૂના સપનાં થયા ચકનાચૂર, થયો પસ્તાવો, કહ્યું- હવે પરિવાર કહેશે ત્યાં જ લગ્ન કરીશ

સોશિયલ મીડિયાની મદદથી છેતરપિંડીના ‘રંગબેરંગી’ કિમીયાઓ બહાર આવી રહ્યાં છે. આવો જ એક કિસ્સો સુરતમાં નોંધાયો છે. જેમાં ટિકટોક એપ પર પરિચય કેળવી રાજકોટના યુવકે સુરતની યુવતીને ફસાવી. યુવકે યુવતીને કહ્યું કે મારી પાસે 50 લાખનો બંગલો-કાર છે. આમ યુવકે પોતાની મોટીમોટી વાતોથી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને ભગાડી લગ્ન પણ કરી લીધા. અનેક સપનાઓ સાથે નવવધૂ જ્યારે ઘરે આવી તો ભાડાનું મકાન નીકળ્યું. ઘરમાં પાણીની લાઈન પણ નહોતી. સોશિયલ મીડિયાથી પરિચિત થઇને જીવનસાથી બનાવવાનો નિર્ણય કરતા યુવક-યુવતીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.

ગાડી, બંગલો, મોટો પગાર…સોશિયલ મીડિયામાં આવી વાત કરીને કેટલાક ભેજાબાજ અને ઠગ યુવકો યુવતીઓને પોતાનો શિકાર બનાવતા હોય છે. આજના સભ્ય સમાજ માટે ચેતવણીરૂપ આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઓલપાડ વિસ્તારમાં રહેતી રવિના નામની યુવતીને એક વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી રાજકોટના અમરીશ સાથે પરિચય થયો હતો. અમરીશે રવિનાને કહ્યું હતું કે, પોતે નોકરી કરે છે, માસિક રૂપિયા 20 હજારનો પગાર છે. એટલું જ નહીં, રાજકોટમાં 50 લાખનો બંગલો અને કાર પણ છે. સારી સારી વાતોથી ભોળવાઈ ગયેલી રવિના અમરીશને ચાહવા લાગી.

અમરીશ પણ રવિનાને પ્રેમ કરતો હતો. થોડા દિવસ પહેલા અમરીશે રવિનાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. તા.8 ઓક્ટોબરે અમરીશ કાર લઇને સુરત આવ્યો હતો અને રવિના ઘર છોડીને તેની સાથે ચાલી નીકળી હતી. તા.9 ઓક્ટોબરે રોજ બંનેએ લગ્ન કરી લીધા હતા. 9મીએ જ તેઓ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવ્યા હતા. પણ જે સ્થળે અમરીશ રવિનાને લઈને ગયો તે જોઈને નવવઘૂના તમામ સપના ચકનાંચૂર થઈ ગયા. અમરીશ રવિનાને બંગલાને બદલે ભાડાના બે રૂમ વાળા મકાનમાં લઇને આવ્યો હતો. ઘરમાં પાણીની લાઇન પણ નહોતી, અમરીશ તેના મામાની સાથે રહેતો હતો.

અમરીશ કરેલા આડંબરને સાચો માની પરિવારજનોની જાણ બહાર રવિનાએ ભાગીને લગ્ન તો કરી લીધા. પણ અઠવાડિયામાં તેને સાચી હકીકત અને વાસ્તવિક્તાનું ભાન થઈ ગયું. પોલીસની મદદથી તેણે અમરીશ સાથે છેડો ફાડી નાખ્યો. એટલું જ નહીં તેણે નક્કી કર્યું કે હવે પરિવારજનો જ્ઞાતિના યુવક સાથે જ્યાં લગ્ન કરાવશે ત્યાં લગ્ન કરી પોતાની જિંદગી સુખથી જીવીશે. રવિનાએ કહ્યું કે, નાની ઉંમરે ઉતાવળથી ભરાતા પગલાંથી જિંદગી કેવી કપરી બને છે તેનો મને અનુભવ થયો છે, અન્ય લોકો ફસાય નહીં તે માટે હું સાવધાન કરવા માગું છું.

મહત્વનું છે કે આજકાલની યુવા પેઢી સોશિયલ મીડિયા ઉપર વધારે સમય પસાર કરે છે, બીજી બાજુ આપણો સભ્ય સમાજ યુવતીઓને લગ્ન માટે ગાડી, બંગલો, મોટો પગાર જોઈને પરણાવવાનું નક્કી કરે છે.

સામેવાળો છોકરો શું કરે છે અને શું નહીં, તેની કોઈ પણ વાતને જાણ્યા વગર સંબંધો સાધતા હોય છે. જેના કારણે ઘણી વખત પાછળથી પસ્તાવાનો અને વેઠવાનો વારો આવે છે.

You cannot copy content of this page