Only Gujarat

Gujarat

જીવની પણ પરવાહ કર્યા વગર યુવતીને બચાવી, બદલામાં ઈનામ લેવાની ના પાડી ખાનદાનીનો પરીચય આપ્યો

અંદાજે બે વર્ષ પહેલાનો આ બનાવ છે. જેમાં ગુજરાતના એક પરિવારે તેની ખાનદાનીનો પરીચય આપ્યો હતો.  મહેસાણાના કડીના કરણનગર ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં પાંચ યુવક-યુવતી સાથેની કાર કેનાલમાં ખાબકી હતી. જેમાં ત્રણના મોત થયા. તે સમયે ત્યાંથી પસાર થતા ખેડૂત અને તેની પત્ની ડૂબી રહેલી એક યુવતીને બચાવવામાં સફળ થયા. ખેડૂતની દિલદારી એ છે કે યુવતીના પિતાએ તેમને ઇનામ રૂપે 11 હજાર રૂપિયા આપ્યા હતા. પરંતુ તેમણે ઇનામનો અસ્વીકાર કરીને પોતાની ખાનદાનીનો પરિચય આપ્યો. આ આખીય ઘટના કોઈ ફિલ્મી દ્રશ્યોથી ઓછી નહોતી.

આ દિલધડક ઘટનાની વિગત એવી છે કે,  બે વર્ષ પહેલાં કડી તાલુકાના કરણનગર નજીક નર્મદા કેનાલના વાય જંકશનના વળાંકમાં ખૂબ ઝડપી સ્પીડે જતી કારના ચાલકે કાબૂ ગુમાવતાં એક ફૂટની આરસીસી દીવાલ અને લોખંડની રેલિંગ તોડી ફંગોળાઇને કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર પાંચ કિશોર-કિશોરીઓ પૈકી એક કિશોરીનો બચાવ થયો હતો. જ્યારે એક કિશોરી અને બે કિશોર સહિત ત્રણની લાશ મળી આવી હતી.

આ ઘટના જ્યારે બની ત્યારે સૌથી પહેલાં કરણનગરનું ખેડૂત દંપતી પહોંચ્યું હતું અને સાડી નાખી એક યુવતીને બચાવી હતી. કરણનગર ગામના સરદારજી છનાજી ઠાકોરે ઘટના અંગે જણાવ્યું કે, વહેલી સવારે અમારા ગામની સીમમાં બહચારી પામાં આવેલા ખેતરમાં મારી પત્ની મધુબેન સાથે ટ્રેક્ટર લઈને ગયો હતો. પોણા અગિયાર વાગ્યાના સુમારે અમે ટ્રેક્ટર લઈને ઘરે પરત આવતાં સૌરાષ્ટ્ર તરફની નર્મદા કેનાલના બ્રિજ પરથી પસાર થતા હતા, તે સમયે મારું ધ્યાન ટ્રેક્ટર ચલાવવામાં હતું.

મારી પત્નીએ થોડે દૂર વળાંકમાંથી પૂરઝડપે આવતી કાર એકાએક ધૂળની ડમરીઓ ઉડાડતી કૂદીને કેનાલમાં પડી હોવાની જોયું. તેણે મને કહ્યું જ્લ્દી કરો, કેનાલમાં કોઈ પડ્યું છે. હું ટ્રેક્ટરના એક્સીલેટર ઉપર ચઢીને ઉભો થઈ ગયો અને પૂરઝડપે ઘટના સ્થળે પહોંચી ટ્રેક્ટર પરથી નીચે ઉતરી જોયું તો કારનો ઉપરનો ભાગ દેખાતો હતો. એક કિશોરી મોઢુ પાણી ઉપર રાખી તરફડિયા મારી રહી હતી અને બીજીનો ખાલી હાથ દેખાતો હતો.

આજુબાજુ જોયું બચાવવા માટે કેનાલમાં નાખે તેવું કંઈ દેખાયું નહીં, એટલે મેં મારી પત્નીએ પહેરેલી સાડી લઇ એક છેડો પકડી તેનો દડો બનાવી એક-બે વખત સાડી નાખી પણ પનો ટૂંકો પડ્યો. ત્રીજા પ્રયત્ને સાડીનો છેડો ડૂબતી કિશોરીના હાથમાં આવી ગયો અને તેને અમે બંનેએ ખેંચીને બહાર કાઢી કેનાલની પાળ ઉપર બેસાડી. ધ્રુજી રહેલી અને રડતી યુવતીને ખેડૂતની પત્નીએ હૂંફ આપીને શાંત કરી.

ખેડૂત દંપતીએ બચાવેલી અરબીના નામની યુવતી કડી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખની પૌત્રી અને અહેમદહુસેન મીરસાબ મીયા સૈયદની દીકરી છે. જે યુવતીને બચાવી લેવાઈ તેના પિતાએ આ ખેડૂતને ઇનામ રૂપે 11 હજાર રૂપિયા આપ્યા હતા. પરંતુ ખેડૂતે તે લેવાનો ઇનકાર કરીને પરોપકાર અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહર પુરું પાડ્યું છે.

 

You cannot copy content of this page