‘બોલિવૂડ છે ડ્રગ્સના ભરડામાં, પાર્ટીઓમાં ખુલ્લેઆમ ફૂંકાય છે ગાંજો ને પીવાય છે દારૂ’

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતથી શરૂ થયેલો ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનો મુદ્દો જ્યાં સંસદમાં ગૂંજી રહ્યો છે ત્યારે જ હવે સુશાંતના દોસ્ત યુવરાજે અનેક મોટા ખુલાસા કર્યા છે. યુવરાજ એક પ્રોડ્યૂસર છે અને અનેક મોટી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. સુશાંત અને યુવરાજની મિત્રતા સંઘર્ષના દિવસોમાં ઑડિશન્સ દરમિયાન થઈ હતી.

સુશાંતના મિત્ર યુવરાજે ડ્રગ્સ વિશે વાત કરતા કહ્યું કે, “મને આ વિશે કોઈ જાણકારી નથી કે સુશાંત ડ્રગ્સ લેતા હતા કે નહીં. હું તો સુશાંતને માત્ર પ્રોફેશનલી જ જાણું છું. લગભગ 3 વર્ષ અમે સાથે ઑડિશન્સ આપ્યા. ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષના દિવસોમાં અમે એકબીજાને ઓળખતા હતા. ધીમે-ધીમે મળ્યા તો મિત્રતા થઈ. મને કોઈ એવી ઘટના યાદ નથી કે સુશાંત ડ્રગ્સ લેતા હોય. હું જે સુશાંતને જાણું છું, એ ખૂબ જ મહેનતી હતા. મારું માનવું છે કે સુશાંત માટે આવી વાતો કરવી યોગ્ય નથી. પરંતુ જે લોકો કદાચ તેમની વધુ નજીક હતા, તેઓ કદાચ તેને વધુ સારી રીતે જાણતા હશે.”

યુવરાજે જણાવ્યું કે, “વર્ષ 2006-07માં કરિયરની શરૂઆતમાં અમે ઑડિશન્સમાં મળતા હતાં. જે બાદમાં 2010માં હું દિલ્લી મારા પરિવાર પાસે આવી ગયો હતો. ફિલ્મ ‘છિછોરે’ બાદ મારી સુશાંત સાથે વાત થઈ હતી.”

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સને લઈને યુવરાજનું કહેવું છે, “ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટી માત્રામાં ડ્રગ્સનું ચલણ છે. મોટા સિતારાઓની પાર્ટીમાં ખૂબ જ ડ્રગ્સનું સેવન કરવામાં આવે છે. જો મોટા ફિલ્મી લોકો સાથે ડ્રગ્સ ન લેવામાં આવે તો તેઓ તમને કામ નથી આપતા અને તમને ફિલ્મોમાં નથી લેતા. જો તમે તેમના સર્કલમાં નહીં ફરો તો, તેઓ તમને આઉટકાસ્ટ કરી દેશે. તમને નીચા બતાવશે. આ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છે. સુશાંત પણ તેનો જ સામનો કરી રહ્યો હતો અને હું પણ એ જ સહન કરી રહ્યો છું. મારા હાથમાંથી 3-4 ફિલ્મો જતી રહી છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બાળકોને મળી છે.”