ગુજરાતમાં પહેલીવાર સુરતમાં અઢી વર્ષના બાળકના અંગોનું કરાયું દાન

ગુજરાતના સુરતમાં અંગદાનની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવેલી છે ત્યારે અંગદાનમાં સૌથી અગ્રેસર રહેલા સુરતમાં વધુ એકવાર અંગદાન કરવામાં આવ્યા છે. સુરત શહેરમાંથી અઢી વર્ષના બાળકના અંગોનું સૌપ્રથવાર દાન કરવામાં આવ્યું છે. અઢી વર્ષના જશ ઓઝા બ્રેઈનડેડ જાહેર થયો હતો ત્યાર બાદ ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુદાન કરવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે, જશ ઓઝા 9 ડીસેમ્બરે પડોશીના ઘરે રમતી વખતે બીજા માળેથી અકસ્માતે નીચે પડી જતાં માથામાં ગંભીર ઈજાઓ થવાથી તે બેભાન થઇ ગયો હતો જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

સૌથી મહત્વની વાત એ છે કે, પત્રકાર પિતા સંજીવભાઈએ સંમતિ આપતાં જ પોતાના પુત્ર જશનું હ્રદય હવે રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ લેશે. કારણ કે રશિયાના 4 વર્ષના બાળકને જશના હ્રદયનું અને યુક્રેનના 4 વર્ષના બાળકને ફેફસાંનું દાન કરી સફળતાપૂર્વક ચેન્નાઈની એમજીએમ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, જશ સંજીવભાઈ ઓઝા 9 ડીસેમ્બરે પડોશીના ઘરે રમતો હતો તે દરમિયાન તે બીજા માળેથી અકસ્માતે નીચે પડી ગયો હતો જેને કારણે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તે ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક ભટારમાં આવેલ અમૃતા હોસ્પિટલમાં સારવાર માટે લઈને દોડી ગયા હતાં. નિદાન માટે સીટી સ્કેન અને MRI કરાવતાં બ્રેઈન હેમરેજ હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.

14 ડિસેમ્બરે જશની સારવાર કરતા પીડીયાટ્રીક ઈન્ટેન્ટસીવીસ્ટ ડો. સ્નેહલ દેસાઈ, ન્યુરોસર્જન ડો. હસમુખ સોજીત્રા, ડો.જયેશ કોઠારી અને ડો. કમલેશ પારેખે જશને તપાસ્યો હતો જેમાં તે બ્રેઈનડેડ હોવાનું જાણાવા મળ્યું હતું. જશના પિતા સંજીવ કે જેઓ એક પત્રકાર તરીકે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃત્તિ વિશે અખબારોમાં લખીને સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવવામાં પોતાનું યોગદાન આપતા હતા.

અઢી વર્ષના પિતાએ હૃદય ઉપર પથ્થર મૂકી કહ્યું કે, નિલેશભાઈ આજે મારો બાબુ ભલે રહ્યો નથી પરંતુ તમે તેના અંગોનું દાન કરાવી અમદાવાદ, મુંબઈ, દિલ્હી,ચેન્નાઈ જેવા શહેરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા તેના જેવા બાળકોને નવજીવન આપવા માટે આગળ વધો. મારા પુત્રના અંગદાનથી મારો પુત્ર અન્ય બાળકોમાં જીવિત રહેશે. ત્યાર બાદ પિતા સંજીવે ડોનેટ લાઈફના નીલેશ માંડલેવાલા અને ડો. સ્નેહલ દેસાઈની સાથે રહી પોતાની પત્નીને પણ જશના અંગદાન કરાવવા માટે રાજી કર્યા હતાં.

સુરતની અમૃતા હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધીનું 265 કિલોમીટર રોડ મારફતે 180 મીનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી 13 વર્ષીય બાળકીમાં અને બીજી કિડની સુરતની રહેવાસી 17 વર્ષીય બાળકીમાં જ્યારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી 2 વર્ષીય બાળકીમાં ડો. પ્રાંજલ મોદી, ડો. જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.