Only Gujarat

Gujarat

દિવ્યાંગ મહિલાના જુસ્સાને સલામ, હીરા ઘસી પરિવારને ટેકો આપ્યો, કાર-ઘર પણ વસાવ્યું

આજની સ્ત્રી કદમથી કદમ મિલાવી પ્રગતિ કૂચ કરી પુરુષ સમોવડી બની ગઈ છે અને આંબી પણ ગઈ છે. એટલું જ નહીં, પુરુષોના આધિપત્યવાળા ઉદ્યોગમાં આત્મનિર્ભર બની રહી છે. પણ આજે અમે એવી મહિલાઓની વાત કરવાના છીએ કે જે દિવ્યાંગ હોવા છતાં હીરા ઉદ્યોગમાં પોતાના કામને લઈને ચમકી રહી છે. જેમણે આત્મનિર્ભર બનીને કાર અને ઘર તો વસાવ્યું જ સાથે પરિવારને મદદ પણ કરી રહી છે.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આત્મનિર્ભર બનવાનો મંત્ર આપ્યો છે. આ મંત્રને સાર્થક કરી રહી છે સુરતની બે દિવ્યાંગ બહેનો. જેઓ સરથાણા-સીમાડા વિસ્તારમાં આવેલી હરિક્રિષ્ના એક્સપોર્ટ હીરા કંપનીમાં કામ કરે છે. દિવ્યાંગ હોવા છતાં શારીરિક નબળાઈને એક બાજુ હડસેલીને પોતાની અંદરની ક્ષમતા અને શક્તિને બહાર લાવીને પુરુષોના આધિપત્યવાળા હીરા ઉદ્યોગમાં પોતાની તાકાત બતાવી છે. જેમાંથી એક છે કાજલબેન સોરઠિયા. જેઓ છેલ્લાં સાત વર્ષથી હીરાનું કામ કરે છે અને હાલ શાઇનર-પ્લાનર તરીકે કામ કરી રહ્યા છે.

તેમણે ધોરણ 12 પછી એનિમેશનનો કોર્સ કર્યો હતો. સુરતમાં અન્ય નોકરીની ઓછી તક હોવાથી તથા પિતાનું અવસાન થયું હોવાથી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે હીરાના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાને તેઓ મળ્યા. તે સમયે સવજીભાઈએ કહ્યું, હીરામાં તમારી ક્રિયેટિવિટીનો ઉપયોગ થઈ શકે તેમ છે. શરૂઆતમાં થોડો ખચકાટ થયો. પરંતુ કાજલબેનના પરિવારમાં નાનો ભાઈ હતો. પરિવારનો સાથ અને સહકાર મળ્યો એટલે હીરાનું એકડે એકથી કામ શીખી લીધું. છેલ્લાં સાતેક વર્ષથી તેઓ હીરાનું કામ કરી રહ્યા છે. મહિને 60થી 70 હજારનું કામ કરીને પરિવારને પણ મદદ કરી રહ્યા છે.

આવા જ બીજા બહેન છે અમિતાબેન બાંભરોલિયા. તેમણે PTC અને BA કરી કોન્ટ્રેક્ટ બેઝ પર સરકારી સ્કૂલમાં કામ પણ કર્યું છે. હાલ તેઓ પણ સવજીભાઈની કંપનીમાં જ કામ કરી રહ્યા છે. સરકારી નોકરી મેળવવામાં તેમને તકલીફ લાગતી હતી. એવામાં હરિક્રિષ્ના કંપનીમાં જગ્યા હોવાનું સામે આવ્યું. અહીં અરજી કર્યા બાદ સિલેક્શન થયું હતું. જેથી તેમણે પહેલા એક વર્ષ સુધી હીરાનું કામ શીખવાની તાલીમ લીધી હતી. તમામ વિભાગમાં કામ કર્યું. બ્લોકિંગ, ટ્રેડિંગ, ત્રિપલ એક્સ જેવા વિભાગમાં તાલીમ મેળવ્યા બાદ હાલ અમિતાબેન ક્યુસી ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે. લગ્ન બાદ પણ ઘરેથી સહકાર મળતા કામ ચાલુ જ રાખ્યું છે.

હરિક્રિષ્ના કંપનીના માલિક સવજીભાઈ ધોળકિયાનું માનવું છે કે ભગવાને દરેકને સરખી જ શક્તિ અને પ્રતિભા આપ્યાં છે. બસ, એનો ઉપયોગ આપણે ત્યાં યોગ્ય રીતે થતો નથી. પુરુષો જ હીરા ઘસી શકે અને મહિલાઓ ન કરી શકે એવું હોતું નથી. ઘણી મહિલાઓ હીરા ઘસવાનું કામ કરે છે. તેમણે વિશ્વાસ મૂક્યો અને બંને બહેનોએ કામ કરીને એને સાચો ઠેરવ્યો છે.

સવજીભાઈ કહે છે કે, અમે તો તેમને કામ આપ્યું છે, પરંતુ તેઓ સારું કામ કરીને અન્ય મહિલાઓ અને લોકો માટે પણ પ્રેરણારૂપ બની ગયાં છે. દિવ્યાંગ બહેનોએ આત્મનિર્ભર બનવામાં સફળતાનાં નવાં શિખરો સર કર્યાં છે, તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

You cannot copy content of this page