Only Gujarat

Gujarat

સુરતમાં થાઇલેન્ડની યુવતીના મોત પાછળ ઘેરાતા અનેક રહસ્યો, પીએમ રિપોર્ટ શું કહે છે?

સુરતમાં થાઇલેન્ડની યુવતીના રહસ્યમય મોત અંગે મોટો ખુલાસો થયો છે. યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અકસ્માતે મૃત્યુ થયાનું સામે આવ્યું છે. જો કે હજુ પણ કેટલાક સવાલો એવા છે કે જેને લઈને આ રિપોર્ટ પણ શંકાના દાયરામાં આવી ગયો છે.

વાત એમ છે કે સુરતમાં એક સ્પા સેન્ટરમાં કામ કરતી અને મગદલ્લા વિસ્તારની ભૈયા સ્ટ્રીટના એક મકાનના પહેલા માળે ભાડે રહેતી થાઈલેન્ડની યુવતી વનિતાની બંધ રૂમમાંથી સળગેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં હત્યા, આત્મહત્યા કે અકસ્માતને લઈને રહસ્ય સર્જાયું હતું. કારણ કે મૃતદેહ એટલો સળગી ગયો હતો કે તેને ઉપાડી શકાય તેવી હાલતમાં પણ ન હતો. જો કે હવે યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અકસ્માતે મૃત્યુ થયાનું સામે આવ્યું છે.

જો કે, સ્થાનિકોનું માનવું છે કે આ હત્યાનો મામલો હોઈ શકે છે. કેટલીક બાબતો આ અંગે ઈશરો પણ કરે છે. એટલું જ નહીં યુવતીના શંકાસ્પદ મોતને લઈને ઘણા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. જેમાં મુખ્ય પ્રશ્ન એ છે કે, થાઈ યુવતી વનિતા બંધ રૂમમાં જ્યાં સળગી મરી તેની બાજુનું ગાદલું સળગ્યું નથી. જ્યારે થાઈ યુવતીનો બોયફ્રેન્ડ પણ શંકાના ઘેરામાં હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

ફોરેન્સિક વિભાગનો દાવો છે કે, યુવતીનો મૃતદેહ સંપૂર્ણ બળી ગયો છે. જેથી બહારથી ઈજાના નિશાન ખ્યાલ આવે તેમ નથી. કેરોસીન કે પેટ્રોલનો ઉપયોગ થયો છે કે કેમ તે માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. યુવતી પર બળાત્કાર થયો છે કે નહીં તે માટે પણ જરૂરી તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે હાથ ધરેલી તપાસમાં વનિતાએ છેલ્લે વીડિયો કોલથી તેના મિત્ર સાથે વાત કરી હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે વનિતાના મોબાઇલની કોલ ડિટેઇલ મંગાવી તેના આધારે પણ તપાસ હાથ ધરી છે. જો કે શંકા ઉપજાવનારી વાત એ છે કે વનિતા જે રૂમમાં સળગી હતી તેને બહારથી તાળુ મારેલું હતું. એટલું જ નહીં, તે જે મકાનમાં રહેતી હતી તેના ભાડુઆત તરીકે કોઈ અન્યનું નામ બોલે છે અને તે વ્યક્તિ ગાયબ છે.

મૃત્યુના થોડા સમય પહેલા વનિતાના ઘરે તેના ત્રણ મિત્રો આવ્યા હોવાની વાત સામે આવી છે. તો આ ત્રણ મિત્રો કોણ છે તેનું રહસ્ય પણ ખુલ્યું નથી. વનિતા પોતાની પાસે ત્રણ મોબાઇલ ફોન રાખતી હતી. જેમાં બે મોબાઇલ આગમાં તેની સાથે જ બળી ગયા છે. પણ તેનો એક મોબાઇલ ફોન પોલીસને નથી મળ્યો.

You cannot copy content of this page