પાકિસ્તાની યુવકના પ્રેમમાં પાગલ પરિણીત યુવતીએ 2 વર્ષના દીકરાને તરછોડ્યો
પાકિસ્તાની યુવકના પ્રેમમાં પાગલ પરિણીત મહિલા પાકિસ્તાન જવા તૈયાર થઈ ગઈ હતી. મહિલા ઘરેથી ભાગીને અમૃતસર આવી હતી. અહીંયા પોલીસે તેને પકડી પાડી હતી. પોલીસની સામે પણ મહિલાએ પ્રેમીને મળવાની ભીખ માગી હતી. કડકાઈથી પૂછપરછ કરતાં મહિલાએ કહ્યું હતું કે તે પરિણીત છે અને રાજસ્થાનના ધૌલપુરથી આવી હતી. પોલીસે સાસરીયાને આ ઘટના અંગે માહિતી આપી હતી. સાસરીયા તાત્કાલિક અમૃતસર આવ્યા હતા અને વહુને લઈ ગયા હતા.
ધૌલપુરના સૈપઉંની પોલીસે કહ્યું હતું કે મહિલા તેમના વિસ્તારમાં રહે છે. તે બે દિવસ પહેલાં બે વર્ષના બાળકને તરછોડીને ઘરેથી ભાગી ગઈ હતી. સાસરીયાએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ અત્તોપત્તો મળ્યો નહીં. આ દરમિયાન અમૃતસર પોલીસે મહિલા અંગે વાત કરી હતી. પરિવારના સભ્યો તેને લેવા અમૃતસર ગયા હતા.
છ મહિના પહેલાં ફ્રેન્ડશિપ થઈઃ મહિલાએ કહ્યું હતું કે છ મહિના પહેલાં ઓનલાઇન લૂડો રમતાં સમયે પાકિસ્તાનમા રહેતા યુવક અલી સાથે મિત્રતા થઈ હતી. વ્હોટ્સએપ પર વાતો થતી હતી. યુવકે મળવા માટે પાકિસ્તાન બોલાવી હતી. યુવકે કહ્યુ હતું કે તે ગમે તે કરીને અટારી બોર્ડર સુધી આવી જાય, પછી તેનો મિત્રો પાકિસ્તાન લઈને આવશે.
પરિણીત મહિલા બે વર્ષના દીકરા તથા પરિવારને છોડીને પ્રેમીને મળવા પાકિસ્તાન ગઈ હતી. તે પહેલાં અમૃતસર આવી હતી. અહીંયા આવીને તે અટારી જવા માટે ટેમ્પો શોધતી હતી. આ દરમિયાન પોલીસે પકડી પાડી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ તમામ વાત કહી હતી. પોલીસ સામે પણ મહિલાએ યુવકને મળવાની ઈચ્છા પ્રગટ કરી હતી. પોલીસે પતિનો નંબર લઈને ફોન કર્યો હતો. હાલમાં સાસરીયાએ કોઈ કેસ કર્યો નથી.