Only Gujarat

Gujarat

રડાવી દેતી લવસ્ટોરી, અમે પતિ-પત્ની નહીં પણ બેસ્ટફ્રેન્ડથી પણ વિશેષ હતા

‘તમારી પત્ની મોનિકાને બચાવી શકાય તેમ નથી, પણ તમે કહો તો બાળકીના શ્વાસ ચાલે છે, તેને કદાચ અમે બચાવી શકીએ. મેં મન પર ભાર મૂકી સંમતિ આપી. સિઝેરિયનથી દીકરીનો જન્મ થયો પણ ભગવાનને આ પણ મંજૂર નહોતું. થોડી જ મિનિટમાં મારી લાડલીએ પણ તેની મમ્મીની જેમ અંતિમ શ્વાસ લઈ દુનિયામાંથી વિદાય લીધી,’ આટલું બોલતા જ શ્રીનાથભાઈ સોલંકીના ગળે ડૂમો ભરાઈ આવ્યો.

આ હૃદયદ્રાવક બનાવ જૂનાગઢનો છે. ગઈ 21મી જુલાઈના રોજ ફોટોગ્રાફર મયૂરભાઈ સોલંકીના પુત્ર શ્રીનાથભાઈ સોલંકીની ગર્ભવતી પત્નીનું એકાએક બ્રેન હેમરેજથી મૃત્યુ થયું હતું. જોકે ગર્ભમાં રહેલું બાળક જીવંત હતું. ડૉક્ટરે તેને બચાવવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ લાડલીએ આંખો જ ન ખોલી. અચાનક બે-બે સભ્યોના નિધનથી સોલંકી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સંકટના સમયમાં પણ પરિવારે મૃત્યુને મહોત્સવ બનાવ્યો. પરિવારે મૃતક મોનિકાબેનનું ચક્ષુદાન કરીને અન્ય વ્યક્તિના જીવનમાં ઉજાસ પાથર્યો હતો. એટલું જ નહીં બેસણામાં રક્તદાનનું આયોજન કરી સમાજને નવી રાહ બતાવી હતી.

એવા કોઈ કોમ્પ્લિકેશન નહોતા
શ્રીનાથભાઈએ વાત કરતાં જણાવ્યું, ‘મારી પત્ની મોનિકા ડિલિવરી કરવા માટે વેરાવળ એના પિયર ગઈ હતી. ગયા મહિને 9 તારીખે સીમંત પતાવીને એ એના મમ્મી-પપ્પા જોડે વેરાવળ ગઈ. એના નવ મહિનાની પ્રેગનન્સીને કારણે જે કોમ્પ્લિકેશન થતાં હોય એ હતા, બાકી બધા રિપોર્ટ્સ નોર્મલ હતા. 21મી જુલાઈના રોજ સવારે મોનિકાને માથું દુખવાનું શરૂ થયું. થોડીવારમાં એને તાવ આવ્યો અને પછી તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં સુધી બધું જ હેલ્થી હતું. પછી પરિસ્થિતિ થોડી વધારે બગડી. ગંભીરતા જોઈ ડૉક્ટરે સમય બાગાડ્યા વગર મોનિકાને ઓપરેશન થિયેટર સુધી લઈ જવાને બદલે OPDમાં જ સારવાર શરૂ કરી. એ દરમિયાન એનું બ્લડ પ્રેશર એકદમ હાઇ થઈ ગયું, એટલે બ્રેન સ્ટ્રોક આવ્યો. એ વખતે ડૉક્ટરે કહ્યું કે મોનિકાને બચાવી શકાય તેમ નથી, પરંતુ તમે કહો તો બાળકીના શ્વાસ ચાલે છે. તેને આપણે બચાવી શકીએ. અમે સંમતિ આપ્યા બાદ સિઝેરિયનથી બાળકીને જન્મ આપ્યો. પરંતુ થોડી જ મિનિટમાં એણે પણ અંતિમ શ્વાસ લઈ લીધા.’

એ કહેતી, ‘મરી જાઉં તો બેન્ડ બાજા સાથે મને લઈ જજો’
શ્રીનાથભાઈએ કહ્યું, ‘મારા લવ મેરેજ હતા. અમારા બે વચ્ચેનું બોન્ડિંગ બહુ જ સારું હતું. અમે હસબન્ડ-વાઈફ ક્યારેય હતા જ નહીં. અમે બેસ્ટ ફ્રેન્ડથી વિશેષ હતા. ક્યારેક રમૂજમાં કે મજાકમાં એવું બોલાઈ જતું ત્યારે તકલીફ પડતી. હું જઉ ત્યારે તું જોજે તને ખૂબ જ તકલીફ પડશે. ત્યારે એ સહજતાથી કહેતી કે તમારા પહેલા તો હું જઈશ. ત્યારે તમે બેન્ડ બાજા સાથે મને લઈ જજો. એવી વાત થઈ એટલે અમે બે હસવા લાગ્યા. એ વાત મને ત્યારે યાદ આવી અને સમાજમાં પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે અંતિમ યાત્રામાં શોરબકોર કે રોકકળ ને બદલે બેન્ડ બાજા વગાડતા વગાડતા કાઢી’

આ રીતે મોનિકા સાથે થઈ પહેલી મુલાકાત…
તેમણે આગળ કહ્યું, ‘હું ફોટોગ્રાફર છું. વર્ષ 2013મા એક મેરેજ કવર કરવા ગયો હતો. મોનિકાના કાકાના છોકરાના મેરેજ હતા એટલે એ ત્યાં આવેલી. એ દૂરના રિલેટિવ પણ થાય પણ અમે ક્યારેય એકબીજાને ઓળખતા જ નહોતા. મારી ઉમર 19 વર્ષની હતી એની ઉંમર 20 વર્ષની હતી. એ વખતે એણે મને ફર્સ્ટ ટાઈમ જોયો અને એને મારી પર ક્રશ થયો હતો. નાની ઉમરમાં લાંબી મેચ્યોરિટી હોય નહીં એટલે ખાલી નંબર શૅર કર્યા. ત્યારે વ્હોટ્સઅપનો જમાનો નહોતો. અમે એકબીજાને મેસેજ કરતાં અને એ દરમિયાન 15-20 દિવસમાં જ એણે મને પ્રપોઝ કર્યું. હું અને એ બંને એગ્રી હતા અને અમારી લવ સ્ટોરી ચાલુ થઈ. એ નાના ટાઉનમાંથી આવે છે. એનો પરિવાર તથા એ પોતે એજ્યુકેટેડ હતા. અમારામાં છોકરી 19-20 વર્ષની થાય એટલે એની માટે જોવાનું ચાલુ કરી દે, જેથી મોનિકા મને પ્રેશર કરતી કે જલ્દી કંઈક કર. એની માટે જેટલા માગા આવતાં એ ના પડતી. જોગાનુજોગ એક દિવસ મારા માટે માગું આવ્યું. મારી ઉમર એ વખતે 19 વરસ જ હતી. મારો મોટો ભાઈ બાકી હતો.’

પિતાના પણ લવ મેરેજ હતા
શ્રીનાથભાઈએ ઉમેર્યું, ‘દરમિયાન પપ્પાએ વિચાર્યું કે સમાજની પરવા કરશું તો સારી છોકરી જતી રહેશે. પછી મેં પણ પપ્પાને કહ્યું કે પપ્પા અમારે ઓલરેડી આ રીતનું છે. અમારા બંનેના ફેમિલી મેમ્બર્સ પણ એગ્રી થઈ ગયા. એમના સમયમાં મારા પપ્પાએ પણ લવ મેરેજ કર્યા હતા. એ વખતે તેમના લવ મેરેજ ઇન્ટર કાસ્ટ હોવાથી ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. છતાંયે તે ખૂબ ફોરવર્ડ હતા. ઇન્ટરકાસ્ટ મેરેજ મોટી ઘટના કહેવાતી એ વખતે પણ તેમણે કોઇની પરવા નહોતી કરી. સારું શું છે એ વસ્તુને એ મહત્ત્વ આપે છે. અમારી પણ ઈચ્છા હતી એટલે એમણે અમારી સગાઈ કરી.’

લગ્ન પહેલાં એક ગંભીર બનાવ બન્યો
શ્રીનાથભાઈ આગળ વાત કરે છે, ‘મારો બિઝનેસ એ પ્રકારનો છે કે મુહૂર્તમાં અમને સમય જ ના મળે. એટલે અમારી સગાઈ 3 થી 4 વર્ષ સુધી રહી. અમે લોકોએ તારીખ યાદગાર રહી જાય એવી શોધી અને અમારા લગ્ન બે વર્ષ સુધી ચાલે. અમે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી પસંદ કરી હતી.. આ દરમિયાન એક ગંભીર બનાવ બન્યો. અમારા બંનેનું બોંડિંગ ઘણું સારું. લગ્નના 3 દિવસ અગાઉ મારા કાકાનો છોકરો ગંભીર થઈ ગયો. એનું લીવર ફેલ થઈ ગયું. જેને લીધે અમે સાદગીથી લગ્ન કર્યા અને લગ્નના 10 દિવસ પછી એ ભાઈ મૃત્યુ પામ્યો. એ વખતે ઓલરેડી નોટબંધી ચાલતી હતી. 31 ડિસેમ્બર નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ હતી. ત્યારે ખર્ચો 20-21 લાખ રૂપિયા થતો હતો. ભાઇનું લીવર ટ્રાન્સ પ્લાન્ટ કરવાનું હતું. એ વખતે રૂપિયા નોહતા અને ઓર્ગન ડોનેટ કરનાર પણ કોઈ નહોતું. રૂપિયાનું તો કોઈપણ રીતે મેનેજ થઈ ગયું, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે લીવર કોણ આપશે? લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય, એમાં જેને વધુ જરૂરિયાત હોય એનો ચાંસ પ્રાયોરિટીમાં પહેલા આવે. એ ઓર્ગન પણ પાછું મેચ થવું જોઈએ.

એ વખતે મારા ભાઈની ઉંમર માત્ર 32 વર્ષની હતી અને તેમનું મૃત્યુ થઈ ગયું. એને 3 વર્ષની એક દીકરી પણ હતી. ત્યારે અમે બે વસ્તુ નક્કી કરી. એક તો એ કે ઓર્ગન ડોનેટ કરીને તો કોકનો જીવ બચાવવો. બીજું એ કે મારા ભાભીની મનોદશા ખરાબ થઈ હતી. મારા મોટા બાપુ એમનું ઘણું જ ધ્યાન રાખે પણ ઘરનું પાત્ર જતું રહે તો એ લાચાર તો 100 ટકા થઈ જ જાય. કોઇની પાસે પૈસા માગતા પણ શરમ આવે. તો એવી પરિસ્થિતિ મોનિકાની ના થાય એ વિચારીને મેં મોનીને એમ કહ્યું કે જો આમ તો આપણાં ઘરમાં પૈસાની કોઈ ઘટ નથી પણ તું હવે તારા પગ ઉપર ઊભી થા.’

10 વર્ષ સુધીની બાળકીઓના રૂપિયા લેતી નહોતી
મોનિકાને પાર્લરનો શોખ હતો. ટ્રેનિંગ અપાવીને એણે પોતાનું સલોન સ્ટાર્ટ કર્યું. એને દીકરીની બહુ ઈચ્છા હતી. એટલે તે નવી નવી છોકરીઓને મદદ કરતી. હેરકટ માટે આવે ત્યારે દસ વરસ સુધીની છોકરી હોય તો કંઈ પણ કરાવે એ એક રૂપિયો લેતી નહોતી. મુખ્ય વસ્તુ એ હતી કે એ પોતાના પગભર થઈ શકે. પછી અમે એવું કર્યું કે હું ફોટોગ્રાફી માટે સાઇન કરું તો એમાં સલોન અને અન્ય સર્વિસ કમ્પલસરી અમારી પાસેથી જ લેવાની. એમાં પણ અમણે રિસ્પોન્સ મળ્યો. એ પછી અમારા બેયની જર્ની શરૂ થઈ. અમે ખૂબ રખડ્યા, હર્યા-ફર્યા. ખૂબ કમાયા અને ખૂબ મસ્તી કરી. એવી બધી યાદો છે કે ભૂલાવી જ ન શકાય. બધા કપલ માટે મેમરી બેસ્ટ અને સ્પેશિયલ હોય છે. એવી જ રીતે હું વિચારું છું કે બધા કરતાં મારુ સ્પેશિયલ હતું.કોવિડમાં પણ અમને સાથે રહેવા વધારે મળ્યું. ત્યારે એટલા બધા વેડિંગ નહોતા થતાં. એટલે ઘરે રહીને દોઢ વર્ષ અમે જે મજા કરી. એ બધુ ભૂલી જ ના શકાય.

જૂનાગઢનો કોઈ ખૂણો નહીં હોય જ્યાં અમે સાથે ગયા નહીં હોઈએ
તમે મોનિકાની કઈ વાત મિસ કરો છો, એના જવાબમાં શ્રીનાથભાઈએ કહ્યું, ‘એમની કંઈ વાત મિસ નથી કરતો એમ તમે પૂછો. કોઈ એક સેકન્ડ કોઈ મિનિટ, ઘરનું ફળિયું, જુનાગઢ સિટી, કોઈ દુકાનનો નાસ્તો કે ખૂણો બાકી નથી રાખ્યો કે જ્યાં અમે એવી કોઈ પળો નથી માણી. એને આઇસક્રીમનો બહુ શોખ હતો. કોઈ આઇસક્રીમ કે ફાસ્ટ ફૂડની દુકાન બાકી નથી રાખી. ઇવન ત્યાં સુધી કે અમે જીવનમાં એક વખત કોઈ પાણીપુરી વાળાને ત્યાં ગયા હોઈશું, જેને રસ્તામાં જોઈને ઊભા રહી ગયા હોય, એ લોકો પણ મોનિકાને પર્સનલી ઓળખાતા હોય, કારણ કે એ હતી જ એટલી મળતાવડી સ્વભાવની. કેમ છો કેમ નહીં કરતી. એ લોકો પણ પ્રાર્થના સભામાં કોઈ સંબંધ વગર આવ્યા હતાં. એમની આંખમાં પણ આંસુ હતાં. એના પરથી સમજી શકાય કે જો એ લોકો મિસ કરતાં હોય તો મારા માટે તો કયા લેવલની વાત થઈ?’

મોનિકા માટે આખું થિયેટર બુક કરાવ્યું હતું
પત્ની મોનિકા સાથે છેલ્લે શું વાત થઈ? તે અંગે શ્રીનાથભાઈએ કહ્યું, ગઈ 19-20 તારીખે બે દિવસ મને વાઇરલ હતું. ગયા શનિવારે એની બહુ ઈચ્છા હતી કે હું વેરાવળ જાઉ. એણે મને કહ્યું તું આવ તો આપણે અહીંયા ભેગા રહીએ. એ બહુ જ ખુશ હતી. એણે ખબર હતી કે મારી પાસે કોઈ માગણી કરે તો હું એ પૂરી કરું જ છું. અમારા બંનેનું બોન્ડિંગ જ એવું હતું. મને સૌથી વધુ નફરત હોય તો સિનેમાથી, કારણ કે એ બધું અવાસ્તવિક બતાવે અને એમાં શું ખોટો સમય બગાડવો. જ્યારે એને ફિલ્મો જોવી ખૂબ ગમતી. ત્યારે એણે મને કહ્યું કે ફિલ્મ જોવા જવું છે. એ વખતે મારા મનમાં ચાલતું હતું કે ઇમરજન્સીમાં કઈ થાય તો શું કરવું? અને બીજો વિચાર આવ્યો કે ડિલિવરી થશે, પછી અમને એકબીજાને ટાઇમ પણ નહીં મળે. એ તારીખો છેલ્લી જ હતી. ગમે ત્યારે કંઈ પણ થઈ શકે એમ હતું. એટલે આપણે એન્જોય કરી લઈએ. એટલે મેં તો આખું થિએટર બુક કરાવ્યું. અમે ચાર જ લોકો હતા. હું, મોનિકા, મારો સાળો અને એની પત્ની. એ એટલા માટે કે ઇમરજન્સી થાય તો બીજા લોકોને બગડે, પરંતુ ઇમરજન્સી જેવુ કંઈ થયું નહોતું. અમે બહુ એટલે બહુ જ મજા કરી. થોડું ખાધું હર્યા-ફર્યા પણ બે દિવસમાં વરસાદી માહોલ હોવાથી મને શરદી થઈ ગઈ હતી. કામના ઉજાગરાને કારણે તાવ હતો. એ એકદમ હેલ્થી હતી. બે દિવસ હું દવા પર રહ્યો હતો.

તે કંઈક કહેવા માગતી હતી, પરંતુ મારી ભૂલ કે…
​​​​​​શ્રીનાથભાઈએ કહ્યું, ’21 તારીખે એને સવારે ફોન કરીને ખાલી એટલું જ પૂછ્યું કે સારું છે હવે? તો મેં હા પાડી કે દવા લીધી છે છે તો ઠીક છે. એ મને કંઈક વધુ કહેવા માગતી હતી, પરંતુ મારી ભૂલ કે મેં ફોન ડિસ્કનેક્ટ કરીને કહ્યું કે પછી ફોન કરું તને. એ પછી મેં એનો અવાજ જ નથી સાંભળ્યો. અડધો કલાક બાદ ઓફિસ જઈને મેં ફોન કર્યો, પરંતુ એણે રિસીવ ના કર્યો. પછી ફરી ફોન કર્યો તો બીજા કોઈએ ઉપાડીને એમ કહ્યું કે એ ન્હાવા ગઈ છે. પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. સવા બારે મારા સસરાનો ફોન આવ્યો કે મોની તો સિરિયસ છે અને એને કંઈક થઈ ગયું છે. બાકીનું તો ભૂતકાળ થઈ ગયું.’

પપ્પાના મિત્રે ચક્ષુદાનનો આઇડિયા આપ્યો
તેમણે આગળ કહ્યું, ‘અમારા બંનેની ઈચ્છા હતી કે અમારે એક નાની દીકરી આવે, પરંતુ કમનસીબે એ પણ ના રહી. લોકો સ્મશાને જવા માટે સહેજ પણ વાર કરતાં નથી. અમને ઘણુ દુઃખ તો હતું જ, પરંતુ એની અંતિમ ઈચ્છાને માન આપીને અને એક રૂઢીચુસ્તતામાંથી બહાર આવવા માટે અમે બેન્ડ બાજા મગાવ્યા કે તમામને સારો સંદેશ મળે. એ દિવસે અમને અગિયાર વાગ્યે જાણ થઈ ગઈ હતી એટલે અમે અહીથી રવાના થયા. ત્યાંની પ્રોસેસ પતાવીને અમે એને જુનાગઢ લાવ્યા. અમે અહીંયા લાવ્યા ત્યારે કંઈ સૂઝ નહતી પડતી. રાતના સવા આઠ વાગ્યા હતા. બાદમાં એક પછી એક બધાને જાણ થઈ તો ફોન આવવા લાગ્યા. એમ પપ્પાના રાજકોટના એક મિત્ર હતા, જે જનસેવા સાર્વજનિક ટ્રસ્ટ સાથે કામ કરે છે, એમનો પણ ફોન આવ્યો કે ઘણી દુઃખદ ઘટના બની છે. પછી અચાનક એમણે કહ્યું કે તમને વાંધો ના હોય તો આપણે ચક્ષુદાન કરી તો?” એ વિચાર ઘણો ઉમદા હતો અને એની માટે વધારે કંઈ વિચારવાનો મતલબ જ નહતો. મોની (મોનિકા)નો પણ પરોપકારી જીવ હતો. એ ઘટનાને આઠ કલાક જેવુ થઈ ગયું હતું. આવામાં ડૉક્ટર તરત હાથ ન નાખે, કારણ કે બૉડી ચાર કલાક જૂની થાય તો એમની માટે પણ ટફ કામ થઈ જાય. તેમ છતાંય અમે વાત કરી તો ડૉક્ટર તૈયાર થઈ ગયા અને તાત્કાલિક એમની ટીમ લઈને ઘરે જ આવી ગયા અને બધી પ્રોસેસ ઘરે જ કરી. એ પછી તુરંત એ આંખો એમણે રાજકોટ મોકલી આપી.’

પ્રાર્થના સભામાં બ્લડ ડોનેટ કેમ્પ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
શ્રીનાથભાઈએ આગળ કહ્યું, ‘અમે અંતિમ યાત્રા પૂરી કરીને આવ્યા ત્યારે મયૂરભાઈનો ફરીથી ફોન આવ્યો કે આપણે ચક્ષુ દાન કર્યું એ ઘણું જ સારું છે પણ હવે પ્રાર્થના સભા કરવાની છે. ત્યાં પ્રાર્થનાની સાથે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ તો? પરંતુ ચક્ષુ દાન કરવું અને બ્લડ ડોનેટ કરવું એ બંને વચ્ચે મોટો તફાવત છે, કેમ કે બ્લડ ડોનેશન બીજા લોકો પાસેથી લેવાનું હોય છે. પ્રાર્થના સભામાં લોકો એ સહભાગી થવા આવે છે, ના કે કોઈ બીજા પરોપકારના કામ કરવા. તો કોમ્પલિકેટેડ હતું તો મેં વાત કરી કે તમને રિસ્પોન્સ ના મળ્યો તો? એમણે કહ્યું કે અમને એક બોટલ મળશે તો પણ ચાલશે પણ એક સંદેશો લઈને જઈશું. એટલે અમે તૈયાર થયાં.’

પ્રાર્થના સભામાં આવનારા લોકોને બ્લેડ ડોનેશન કેમ્પ અંગે જાણ કરી
જે લોકો પ્રાર્થના સભામાં આવવાના હતા, એમને આ બાબતની અમે જાણ કરી હતી. જે રાતોરાત વાઇરલ થઈ ગઈ. આ વાતની નોંધ મીડિયા, નેતાઓ અને અન્ય લોકોએ પણ મોટાં પ્રમાણમાં લીધી કે આ વસ્તુ કરવા જેવી છે. એ સાથે જ અમને એવું પણ લાગ્યું કે બ્લડ ડોનેશન દ્વારા અહીથી એક ચીલો પાડવાની શરૂઆત થઈ શકે, કેમ કે જે જવાના હતા એ તો જતાં રહ્યા છે પણ સારી સુવાસ ફેલાવતા જાય. જો લોકો ખરેખર એમને યાદ રાખવા માગતા હોય તો કોઈ આવી રીતે યાદ રાખે. એ અમારી ઈચ્છા હતી. એવો કોઈ વિચાર જ નહોતો આવ્યો કે અમે ખુદ બ્લડ ડોનેટ કે આઇ ડોનેટ કરીશું. એ એટલું બધુ સકસેસ થયું કે અમુક લોકોને મેડિકલ કન્ડિશન, હિમોગ્લોબિન, ઓવર એજ કે અન્ય કારણથી ના પાડવી પડી. કુલ 37 બોટલનું રક્તદાન થયું છે. જૂનાગઢમાં સામાન્ય બ્લડ ડોનેટ કેમ્પમાં નથી થતું એટલું બ્લડ એક પ્રાર્થના સભામાંથી એકઠું થયું હતું.

મોનિકાની યાદમાં કંઈક કરવું છે
શ્રીનાથભાઈએ કહ્યું, ‘ મોનિકાની યાદમાં હવે 100 ટકા કંઈક કરીશ. આ વસ્તુની નોંધ ઘણાએ લીધી છે એટલે ફ્યૂચર પ્લાન એવો છે કે બીજાને પણ અમે પ્રેરણા આપીશું. અમે બ્લડ ડોનેશન કર્યું છે, એવું બીજા પણ કરી શકે એવું ગોઠવીશું અને બીજે પણ આવા કાર્યક્રમ થતાં હશે ત્યાં યથાશક્તિ ફાળો આપીશું. અમને બંનેને દીકરીનો બહુ શોખ હતો. બાળકનો અમારો કોઈ પ્લાન હતો જ નહીં. નવેમ્બરમાં પ્લાન કર્યું. ત્યારે પણ એવી જ ઈચ્છા હતી કે આવે તો બેબી આવવી જોઈએ. ભગવાને સાંભળ્યું પણ ખરું પણ ઈચ્છા નહતી કે એ મારી પાસે રહે. તો એની પણ ડેથ થઈ ગઈ તો એની પાછળ પણ ઘણાં કામ કરવા માગું છું. અત્યારે જે સલોન છે, એમાં અત્યાર સુધી દસ વરસ સુધીની બાળકીઓ માટે બધી વસ્તુ ફ્રી હતી. હાલમાં લોકો નવજાત દીમોકરીઓનો ત્યાગ કરે છે. તો એમની માટે કંઈક કરવું છે અને સલોન ચાલુ રાખવું છે. સલોન મોનિકાએ એની મહેનતથી ઊભું કર્યું હતું, એમાંથી જે પણ વકરો થશે એ નાની દીકરીઓ, પ્રેગનન્સીમાં જેમને કોમ્પલિકેશન થાય છે, ક્યાંક પ્રાથમિક સુવિધાઓ નથી એ બધા પાછળ ખર્ચ કરવો છે. અત્યારે ફક્ત પ્લાન જ છે. કઈ રીતે શરૂઆત કરવી તે ખઅયાલ નથી. હવે હિંમત ખૂલી છે કે જે થવાનું હતું એ થઈ ગયું. હવે સારા કામો કરવા છે એને જ લોકો આજીવન યાદ રાખશે. બાકી તો કેટલાય લોકો આવે છે અને કેટલાય લોકો જાય છે.

You cannot copy content of this page