Only Gujarat

National

શિવમંદિરમાં નંદીને દૂધ પીવડાવવા જામી ભીડ, શું ખરેખર નંદી દૂધ પીવે છે? વાંચીને વિશ્વાસ નહીં આવે

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં શનિવારે એકાએક જ શિવાલયોમાં ભીડ જામવા લાગી હતી. શિવમંદિરમાં નંદી પાણી અને દૂધ પીતા હોવાની વાત ફેલાતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં અનેક ગામ- શહેરોમાં લોકો મોટી સંખ્યામાં દૂધ અને પાણી લઈને શિવમંદિરમાં પહોંચ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક ભાગોમાં પણ લોકોએ મોટી સંખ્યામાં શિવમંદિરમાં એકઠા થયા હતા.

શનિવારે એકાએક વાત ફેલાઈ અને…
પ્રાપ્ત વિગત મુજબ શનિવારે એકાએક જ એવી ચર્ચા શરૂ થઇ ગઇ હતી કે શિવાલયોમાં પ્રસ્થાપિત નંદીની પ્રતિમા પાણી અને દૂધ પીવે છે. જેથી ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક શિવાલયોમાં ભાવિકો પાણી અને દૂધ લઇને દોડ્યા હતા અને નંદીની પ્રતિમાને ચમચી વડે પાણી અને દૂધ પીવડાવવા લાગ્યા હતા. ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારો સહિત દાહોદ, ઝાલોદ જેવા શહેરી વિસ્તારોના શિવાલયોમાં પણ ભાવિકોના ટોળા એકઠાં થઇ ગયા હતા.

સોશિયલ મીડિયા વાત વાઈરલ થઈ
આ વાત વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવાલયોમાં દોડી ગયા હતા. ગામડે ગામડે આ વાત વહેતી થઇ અને સોશિયલ મીડિયાને કારણે ગામડે ગામડે અને ઘરે ઘરે સુધી વાત પ્રસરી જતાં નાના મોટા મંદિરોમાં ભારે ભીડ જામી રહી છે.

શ્રદ્ધાળુઓ થઈ ગયા અચંબિત
ભક્તોનું કહેવું છે કે તેઓ નંદી ભગવાનની પ્રતિમા સામે જળ અને દૂધ ચમચીથી ધરી રહ્યા છે, જે થોડીવારમાં ગાયબ થઈ જાય છે. શ્રદ્ધાળુઓની આસ્થા છે કે નંદી ભગવાન જળ-દૂધ પી રહ્યા છે. ચમચીથી દૂધ નંદીની મૂર્તિ આગળ રાખવામાં આવે તો ધીમે ધીમે ગાયબ થઈ જાય છે. દૂધ પીવડાવનારા ભક્ત પોતાને ભાગ્યશાળી સમજી રહ્યા છે અને ખુશ છે પરંતુ વૈજ્ઞાનિકોનું માનીએ તો તે માત્ર એક અંધવિશ્વાસ છે.

શુ કહે જાણકારો?
જાણકારોનું કહેવું છે કે મૂર્તિનું દૂધ-પાણી પીવું સંભવ નથી. આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. આ માટે બાઈનર થ્યોરમ લાગુ પડે છે. પુષ્ઠતનાવના કારણે આરસ કે પથ્થરની મૂર્તિમાં જીણી તિરાડ પડી જાય છે. જેના કારણે મૂર્તિ પાસે પાણી કે દૂધ રાખવામાં આવે તો ક્યારેક ક્યારેક દૂઘ કે પાણી અંદર ચાલ્યું જાય છે. મૂર્તિ દૂધ કે પાણી પીતી નથી. અંદર ગયેલું દૂધ કે પાણી જગ્યા મળતાં મૂર્તિના કોઈને કોઈ હિસ્સામાંથી બહાર આવે છે.

ખરેખર મૂર્તિ દૂઘ પીવે છે?
લખનઉ યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર ડો. એનકે પાંડેય મુજબ મૂર્તિ દૂધ પીવ એ સાચું નથી. મૂર્તિઓના દૂધ પીવાનું કારણ સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠ તણાવ છે. પથ્થરની મૂર્તિમાં તમામ છિદ્ર હોય છે, જે લિક્વિડને અંદરની તરફ ખેંચે છે. મૂર્તિઓના દૂધ પીવાની પાછળ અને કોઈ કારણ નથી. તેને ભ્રમ તરીકે ફેલાવવામાં આવે છે. મૂર્તિ એક લિમિટ સુધી લિક્વિડ એબ્જોર્બ કરે છે. તેઓએ જણાવ્યું કે તમે ઘરમાં પણ કોઈ ડ્રાઈ મૂર્તિને દૂધ પીવડાવશો તો તે પણ પીશે.

28 વર્ષ પહેલા ગણેશજી દૂધ પીતા હોવાની વાત ફેલાઈ હતી
નોંધનીય છે કે, વર્ષ 1995માં 21 સપ્ટેમ્બરે પણ દેશભરમાં અફવા ફેલાઈ હતી કે ભગવાન ગણેશની મૂર્તિઓ દૂધ પી રહી છે. ગુરુવારે તે દિવસે ગણેશ મંદિરો પર ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. દરેક મંદિર ખાતે આગામી બે દિવસ સુધી આ ચમત્કારની અફવાના કારણે ભક્તોની ભીડ એકત્ર થઈ હતી. બાદમાં જાણવા મળ્યું કે તાંત્રિક ચંદ્રાસ્વામીના આશ્રમથી આ અફવા ઉડાવવામાં આવી હતી.

અનેક વાર અફવા ફેલાઈ
ત્યારબાદ પણ વર્ષ 2012માં રાજસ્થાનના અનેક મંદિરોમાં ભગવાન ગણેશની મૂર્તિના દૂધ પીવાની અફવા ફેલાયા બાદ ત્યાં પણ મંદિરોમાં ભક્તોની ભીડ એકત્ર થવાનું શરૂ થઈ ગયું હતું. વર્ષ 2015માં પ્રયાગરાજમાં પણ અફવા ફેલાઈ હતી કે નંદીની મૂર્તિ દૂધ ગ્રહણ કરી રહી છે. ત્યારબાદ મંદિરોમાં ભક્તોની ભીડ ઉભટી પડી હતી.

You cannot copy content of this page