Only Gujarat

National TOP STORIES

ગુજરાતના અભણ ખેડૂતના ભેજાની કમાલ, દવા છાંટવાનું એવું મશીન બનાવ્યું કે લોકો જોતા રહી ગયા

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે ખેડૂતે ભણ્યા છે ઓછું, પણ કોઠાસૂઝથી ખેતરમાં દવા છાંટવા માટે લારીમાંથી મશીન બનાવ્યું છે. દવાના છંટકાવ કરવાના મશીન બનાવવાને લીધે રાજ્ય સરકારે તેમને સરદાર પટેલ અવોર્ડથી સન્માનિત કર્યા છે. ખેડૂતે હાથલારીની મદદથી એમાં દવાનો છંટકાવ કરતા બે પંપ ગોઠવ્યા છે, જેમાં આસાનીથી કપાસ, મગફળી અને અન્ય પાકમાં દવાનો છંટકાવ કરી શકાય છે. આ માટે એને મામૂલી રકમનો ખર્ચ કરવો પડ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ મશીન બનાવવા માટે 2થી 7 હજારનો ખર્ચ થાય છે. આ મશીનમાં કોઇપણ પ્રકારના ઇંધણની જરૂરિયાત રહેતી નથી.

સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા ખેડૂત સન્માનનિધિ કાર્યક્રમ અંતર્ગત ધરતી પુત્રની અલગ-અલગ કામયાબી બદલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી પાનેલીના વતની ખેડૂત જસુભા (જસવંતસિંહ) ઉદુભા વાળાનું પણ સરદાર પટેલ અવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. જસુભા વાળાએ પોતાની ઓગણીસ વીઘા જમીનમાં ખેતી માટે એક અલગ જ અને સાવ મફત ચાલતું યંત્ર એટલે કે ખેતરના કોઈ પણ પાકમાં દવા છાંટવા માટે હાથલારીમાં બે પંપ ફિટ કરી મશીન બનાવ્યું છે.

ખેડૂતની આવી બુદ્ધિ અને કામગીરીને ધ્યાને લઈને ગુજરાત રાજ્ય સરકારે તેની નોંધ લીધી છે. રેંકડીની વિશેષતા અને ઇંધણની બચત સાથે પ્રદૂષણમાં પણ મોટી રાહત આપતી આ લારીથી સરકાર ભારે પ્રભાવિત થઇ છે. જસુભાને ખેડૂત સન્માનનિધિ કાર્યક્રમમાં ખેતરમાં વિશેષ કામયાબી અને નવા સંશોધન બદલ સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરીયા અને પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાએ જસુભાની કામગીરીને બિરદાવી હતી.

આ અંગે જસુભાએ જણાવ્યું હતું કે, કોઈ પણ પાક હોય તે પછી નાનો હોય કે મોટો હોય. મગફળી, કપાસ, એરંડા, તુવેર, કઠોળ, શાકભાજી, તલ વગેરે પાકમાં એકદમ આસાનીથી આ લારી દ્વારા દવાનો છંટકાવ કરી શકાય છે. આ લારી ચલાવવા માટે કોઈ ડીઝલ કે અન્ય ઇંધણની જરૂરિયાત રહેતી નથી. બેટરીની મદદથી આ લારી ચાલે છે એટલે 2થી 7 હજાર જેવી નજીવી રકમમાં મશીન બની ગયું છે. બીજો ફાયદો એ છે કે દરેક પાકમાં એકસરખી દવાનો છટકાંવ થાય છે.

ખેડૂતે બનાવેલા આ મશીનમાં ગમે ત્યારે નોઝલમાં ફેરફાર કરી દવાનું પ્રમાણ ઘટાડી અને વધારી શકાય છે. જેથી દવાનો વધારે ઉપયોગ કે ખોટો વેડફાટ પણ થતો નથી. ધોરીયા સુધીના છોડવામાં પણ દવાનો છંટકાવ કરી શકાય છે. જેમાં એક પણ છોડ ભાંગતો નથી અને આ લારી માત્ર બે હજારથી લઇ સાત હજાર સુધીમાં બની જાય છે. જસુભા ખેતીમાં અલગ-અલગ પ્રયોગ કરી દર વર્ષે ઉત્તમ ઉત્પાદન મેળવે છે.

સાથે જ પોતાના ખેતરમાં ઓર્ગેનિક શાકભાજી અને અલગ-અલગ પ્રકારના ફૂલછોડ, આયુર્વેદિક વનસ્પતિઓ પણ ઉગાડી લોકોને ઉપીયોગી બનવા માટેના પ્રયત્ન પણ કરી રહ્યાં છે. જસુભાની કોઠાસૂઝની નોંધ રાજ્ય સરકારે લેતા સમાજના આગેવાનોએ ગામને ગૌરવ અપાવવા બદલ શુભેચ્છા પાઠવી હતી અને અન્ય ખેડૂતોને પણ પ્રેરણાદાયી બને તેવું કામ કરી રહ્યા છે.

You cannot copy content of this page