લાડલીના બર્થ-ડે પર રિવાબાએ 101 દીકરીઓને શાનદાર પાર્ટી આપી, બધાએ મોજ કરી

ઘર-પરિવારના સભ્યોના જન્મદિવસ તેમજ લગ્ન વર્ષગાંઠની સામાજિક સેવા કરી ઉજવણી કરતા રિવાબા અને રવીન્દ્ર જાડેજાએ પોતાની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે. તેમના આ સેવાકાર્યના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે.

દીકરી નિધ્યાનાબાના 5મા જન્મદિવસે સમાજની 101 દીકરીનાં પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતાં ખોલાવ્યાં છે અને ખાતાદીઠ રૂપિયા 11 હજારની ડિપોઝિટ કરી છે. આ સિવાય જે દીકરીના નામે ખાતાં ખોલાવ્યાં છે એમનાં અને તેનાં માતા-પિતા માટે ફનફેરનું આયોજન પણ કર્યું હતું. આ પાર્ટીમાં રિવાબા અને દીકરીઓ અને તેમના માતા-પિતા મનમૂકીને નાચ્યા હતા.

101 દીકરીઓ તથા તેમના માતા-પિતા માટેસાંજે એક ભવ્ય કાર્નિવલ પાર્ટી તથા ભોજન સમારોહની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમા ખાસ બાળકોને ધ્યાનમા રાખીને બધી વ્યવસ્થા ગોઠવાઈ હતી.

આ પાર્ટીમાં ચગડોળ, ટ્રેન, કાર્ટૂન કેરેકટર, વિવિધ જાતના ફાસ્ટ ફૂડ અને ચોકલેટ,જેવી વિવિધ પ્રકારની વસ્તુઓ દ્વારા બધી દીકરીઓ અને તેમના માતા પિતાએ ખૂબ આનંદ માણી તેનો લાભ લીધો હતો.

આ તકે નાની દીકરોની સાથે રિવાબા પણ ખૂબ મસ્તી કરી હતી. તેમણે મનમૂકીને ડાન્સ કર્યો હતો. તેમજ દીકરીઓ સાથે કેક કાપી આ ખાસ દિવસની ઉજવણી કરી હતી.

આ અંગે વધુ માહિતી આપતા રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તેમણે દરેક સમાજની 101 દીકરીના નામે ખાતાં ખોલાવ્યાં છે. દીકરીનો જન્મદિવસ યાદગાર બની રહે એ માટે આ પ્રકારે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે રૂપિયા 11 હજારની રકમ સાથે 101 દીકરીનાં ખાતાં ખૂલ્યાં હોય. ગત વર્ષે પણ નિધ્યાનાબાના જન્મદિવસ નિમિત્તે 11 હજારની ડિપોઝિટ દીકરીઓના નામે મૂકી હતી.

જ્યારે આ વખતે લાંબા સમય સુધી દીકરી અને તેના પરિવારને યોજનાનો લાભ મળી રહે એ માટે પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતાં ખોલાવ્યાં હતાં.

રિવાબાએ દીકરીઓને કેક ખવડાવી વ્હાલ કર્યું હતું.

રિવાબા સામાજિક સેવા સાથે સંકળાયેલાં હોવાથી તેઓ પોતાના પરિવારના દરેક પ્રસંગની ઉજવણી સામાજિક કાર્ય-સેવા કરીને ઉજવે છે.

નોંધનીય છે કે આ પહેલાં પણ રિવાબાએ દીકરીઓને સોનાના ખડગ બનાવી ભેટમાં આપ્યાં હતાં.