Only Gujarat

FEATURED Health

નવો ધડાકો: ડાયપરના કેમિકલ ચામડી વાટે શોષાઈને ઉતરે છે બાળકના શરીરમાં, બની શકે છે ગંભીર રોગનો ભોગ

આજકાલની મોટાભાગની માતાઓ સમય બચાવવા માટે પોતાના બાળકોને ડિસ્પોઝેબલ ડાયપરમાં રાખતી હોય છે. પરંતુ તમને જાણીને આંચકો લાગશે કે, આ ડાયપર બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ડિસ્પોઝેબલ ડાયપરમાં રહેલાં રસાયણોથી બાળકોને ડાયાબિટીસ, મેદસ્વીતા, હાઇપરટેન્શન સહિતના રોગ થવાનું જોખમ રહેલું હોય છે. આ દાવો કર્યો છે દિલ્હીની એક સંસ્થાએ.

આ સંસ્થાના સંશોધન મુજબ ડિસ્પોઝેબલ ડાયપરમાં હાનિકારક રસાયણો હોય છે અને તેનાથી બાળક લાંબા ગાળે બીમારીનો ભોગ બની શકે છે. તેથી આવા ડાયપર તમારા માસૂમને પહેરાવશો નહીં, નહીં તો પસ્તાવાનો વારો આવશે.

દિલ્હીની એક સંસ્થાએ જે સંશોધન કર્યું છે તે મુજબ ‘ભારતીય બજારમાં મળતાં ડિસ્પોઝેબલ બેબી નેપ્પીઝમાં રહેલા ફેટેલેટ્સથી બાળકોને પ્રજનન વિકાર, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, મેદસ્વીતા જેવી અનેક બીમારી થઈ શકે છે. ડાયપરમાં રહેલા ફેટેલેટ્સ એટલે કે રસાયણો ચામડી વાટે શોષાઈને શરીરમાં ઉતરતા હોય છે. આ ઉપરાંત આ હાનિકારક રસાયણ ઘરમાંથી નીકળતા કચરા સાથે મળીને બહારના વાતાવરણમાં ભળી જાય છે અને પર્યાવરણને પણ ગંભીર નુકસાન કરી શકે છે. આ સંશોધનમાં ભારતીય માતા-પિતાને આવા ડાયપરનો ઉપયોગ નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.

ફેટેલેટ્સ એ આંત્રસ્ત્રાવોમાં વિક્ષેપ પાડતા રસાયણો છે જે ટૂંકમાં EDC તરીકે ઓળખાય છે અને તેના સંપર્કમાં આવવાથી શરીરમાં આરોગ્યની સમસ્યા ઉભી થાય છે. આ રિસર્ચ માટે સ્થાનિક બજારો અને કેમિસ્ટની દુકાનોમાંથી 15થી વધુ ડાયપરના નમૂના લેવામાં આવ્યા હતા. કેટલાક ડાયપરના નમૂના ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદવામાં આવ્યા હતા. આ બધા નમૂનાની તપાસ પ્રયોગશાળામાં કરવામાં આવી હતી. જેમાં આ તમામ ચોંકાવનારા ખુલાસા થયા છે.

સામાન્ય રીતે ફેટેલેટ્સ એ ડાયપરમાં વપરાતા પોલિમર સાથે બંધાયેલા હોય છે. ડાયપર ઘણા મહિનાઓ કે વર્ષો સુધી શિશુઓના બાહ્ય જનનાંગો સાથે સીધા સંપર્કમાં રહે છે, તેથી સંભાવના છે કે ફેટેલેટ્સ ત્વચા મારફતે બાળકોના શરીરમાં પ્રવેશી શકે છે.

જો આમ થાય તો બાળકોના આરોગ્ય પર વિપરિત અસર પેદા કરી શકે. એટલું જ નહીં માસૂમ ડાયાબિટીસ, હાયપરટેન્શન, મેદસ્વીતા અને પ્રજનન વિકાર જેવી અનેક બીમારીઓનો શિકાર પણ બની શકે છે. ડાયપરથી નુકસાનને પુષ્ટિ કરતા વૈજ્ઞાનિક અભ્યાસો પણ સામે આવ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે ભારતમાં બેબી ડાયપર માટે કોઈ નિયમન નથી. વિશ્વના કેટલાક દેશોએ બેબી ડાયપરમાં ફટેલેટ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. પરીક્ષણ કરેલા નમૂનાઓના ઉત્પાદકોમાંથી કોઈએ પણ ડાયપર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘટકો અને રસાયણોની યાદી લેબલ પર મૂકી નથી.

તેમણે ફેટેલેટ્સને કારણે સ્વાસ્થ્ય પર થતી અસરો તેમજ પર્યાવરણીય ચિંતાઓને ધ્યાનમાં રાખીને ડાયપરમાં ફેટેલેટ્સ ઉમેરવાનું ટાળવું જોઈએ. તેથી હવે જો તમે તમારા લાડકા કે લાડકી માટે ડાયપર ખરીદવા જતા હોવ તો આ વાત યાદ રાખજો.

You cannot copy content of this page