રક્ષાબંધનના દિવસે 558 વર્ષ પછી શ્રાવણની પૂનમે ગુરુ-શનિ તેમની રાશિમાં થશે વક્રી

મુંબઈઃ સોમવાર, 3 ઓગસ્ટે શ્રાવણ મહિનાની પૂનમ તિથિએ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા નક્ષત્ર રહેશે. ભદ્રા નક્ષત્ર પત્યા પછી દરેક બહેન તેમના ભાઈને ‘રક્ષાસૂત્ર’ એટલે કે, ‘રાખડી’ બાંધી શકશે. 3 તારીખે સવારે 7.30 વાગ્યા પછી આખો દિવસ શ્રાવણ નક્ષત્ર રહેશે. પૂનમે પૂજા પછી પોતાના ગુરુના આશીર્વાદ જરૂર લેવા.

રક્ષાબંધને ગુરુ પોતાની રાશિ ધનમાં અને શનિ પોતાની રાશિ મકરમાં વક્રી થશે. આ દિવસે ચંદ્ર પણ શનિ સાથે મકરમાં રહેશે. આવો યોગ 558 વર્ષ પહેલાં 1462માં થયો હતો. તે વર્ષે 22 જુલાઇએ રક્ષાબંધ ઉજવવામાં આવી હતી. આ વખતે રક્ષાબંધન પર રાહુ મિથુન રાશિમાં, કેતુ ધન રાશિમાં છે. 1462માં રાહુ-કેતુની આ સ્થિતી હતી.

મેષ, વૃષભ, કન્યા, વૉશ્ચિક, ધન, મકર, મીન રાશિના જાતકો માટે ગ્રહોના યોગ શુભ છે. આ રાશિના જાતકોને મહેનતનું ફળ મળી શકે છે. સ્વાસ્થ્યમાં પણ લાભ થશે. નોકરીમાં પણ સફળતા મળવાના યોગ છે. કર્ક રાશિના જાતકો માટે સમય સામાન્ય રહેશે. મિથુન, સિંહ, તુલા. કુંભ રાશિના જાતકોએ સંભાળીને રહેવું પડશે. આ રાશિના જાતકોને સમયનો સાથ મળશે નહીં. કાર્યની અધિકતા રહેશે.

રક્ષાબંધનના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કર્યાં પછી દેવી-દેવતાની પૂજા કરવી. પિતૃ માટે ધૂપ-ધ્યાન પણ કરવું. આ શુભ કામ કર્યા પછી પીળા રંગના રેશમી વસ્ત્રમાં સરસિયું, કેસર, ચંદન, ચોખા, દૂર્વા અને પોતાની યથાશક્તિ સોનુ અથવા ચાંદી લઈ અને દોરો બાંધી ‘રક્ષાસૂત્ર’ બનાવવું. આ પછી ઘરના મંદિરમાં એક કળશની સ્થાપના કરવી. તેમાં રક્ષાસૂત્ર રાખવું, વિધિવત પૂજા કરવી. પૂજામાં ફૂલ-હાર ચઢાવવા. વસ્ત્ર અર્પણ કરી, ભોગ લગાવવો, દીવો પ્રગટાવી આરતી કરવી. પૂજા કર્યા પછી ‘રક્ષાસૂત્ર’ને ભાઈના જમણા હાથ પર બાંધવું.

રક્ષાબંધનની પૌરાણિક કથા
પૌરાણિક સમયમાં દેવતા અને અસુરો વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું. આ યુદ્ધમાં દેવતાઓ પરાજિત થયાં હતાં. અસુરોએ સ્વર્ગ પર અધિકાર કરી લીધો હતો. દેવરાજ ઇન્દ્ર અને દરેક દેવતા આ સમસ્યાને દૂર કરવા માટે દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા હતા. ઇન્દ્રદેવે દેવગુરુને કહ્યું કે, ‘હું સ્વર્ગ છોડીને જઈ શકીશ નહીં, અસુરોએ અમને પરાસ્ત કર્યા છે, અમારે ફરી યુદ્ધ કરવું પડશે.’

ઇન્દ્રની આ વાત ઇન્દ્રાણીએ પણ સાંભળી, ત્યારે તેમને કહ્યું કે, ‘કાલે શ્રાવણ મહિનાની પૂનમ છે. હું તમારા માટે વિધિ-વિધાનથી ‘રક્ષાસૂત્ર’ તૈયાર કરીશ, તેને બાંધી તમે યુદ્ધ માટે પ્રસ્થાન કરજો, તમારી જીત થશે.’ તે પછીના દિવસે દેવરાજ ઇન્દ્ર ‘રક્ષાસૂત્ર’ બાંધી અસુરો સાથે યુદ્ધ કરવા ગયા અને તેમણે તેમના અસુરોને પરાજિત કરી દીધા હતાં. ત્યારથી રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવી રહ્યું હોવાની માન્યતા છે.

મહાભારતમાં પણ રક્ષાબંધનની શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની એક કથા મળે છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો ત્યારે તેમની તર્જનીમાં ઈજા પહોંચી હતી.

ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીમાંથી છેડો ફાડી ભગવાન શ્રીકૃષ્ણની આંગળી પર પટ્ટી બાંધી હતી અને તે દિવસે પણ શ્રાવણ મહિનાની પૂનમ હતી. શ્રીકૃષ્ણએ પછી દ્રૌપદીના ચીર હરણ વખતે ભાઈ બની રક્ષા કરી હતી. આ ઉપરાંત માતા કુન્તીએ પણ અભિમન્યુને રાખડી બાંધી હતી.