Only Gujarat

Gujarat

ગળાના ભાગે કુહાડાનો ઘા ઝીંકતા યુવાન ભાગ્યો, કાર સાથે અથડાઈને પટકાયો અને મોત

રાજકોટમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો. 150 ફૂટ રિંગ રોડ પરની આશ્રય ગ્રીનસિટી નજીક એક યુવક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો, તેને ગળાના ભાગે કુહાડાનો ઘા ઝીંકવામાં આવ્યો હતો, યુવાન હોસ્પિટલે પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જે યુવકની હત્યા થઇ હતી તે યુવકે સાંજે 5 વાગ્યે તેના વતન બલરામપુર ઓનલાઇન રૂ.5 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા અને રાત્રે 9 વાગ્યે તેનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. ત્રણ શખ્સ શંકાના દાયરામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ફોર્ચ્યુન હોટેલ પાછળ આશ્રય ગ્રીનસિટી ગેટ-2 પાસે આવેલા ગેરેજ નજીક એક યુવક રાત્રીના 9 વાગ્યે દોડતો દોડતો આવ્યો હતો અને કાર સાથે અથડાઇને ઢળી પડ્યો હતો. રાહદારી મહિલાઓ યુવકની સ્થિતિ જોઇ બૂમાબૂમ કરવા લાગતાં ગેરેજમાં કામ કરી રહેલા સાવન ચૌહાણ બહાર દોડી આવ્યા હતા. અંદાજે 30 વર્ષના યુવકને ગળાના ભાગે ઊંડો ઘા જોવા મળ્યો હતો અને લોહી વહેતું હતું. સાવન ચૌહાણે ફોન કરતાં 108 દોડી આવી હતી અને યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો જોકે સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ધોળા અને ક્રાઇમ બ્રાંચનો કાફલો દોડી ગયો હતો. મૃતકના ખિસ્સામાંથી મવડી વિસ્તારમાં આવેલા શિવમ મોબાઇલ નામની દુકાનનું એક બિલ મળી આવ્યું હતું, પોલીસે આ અંગે તપાસ કરતાં મૃતક યુવકે સાંજે 5 વાગ્યે તેના વતન બલરામપુરમાં તેના પરિવારજનને રૂ.5 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં યુવક જ્યાં ઢળી પડ્યો હતો. તેની આગળની શેરીમાંથી તે દોડતો દોડતો આવ્યો હતો અને તે શેરીમાં ત્રણ શખ્સ દોડીને ભાગતા નજરે પડ્યા હતા યુવકની હત્યામાં તે ત્રણ અજાણ્યા શખ્સની સંડોવણીની શંકા સેવાઇ રહી છે. પરપ્રાંતીય યુવકની ઓળખ મળ્યા બાદ હત્યા સુધી દોરી જતી કોઇ કડી મળવાની પોલીસને આશા છે.

જેની હત્યા થઇ તે યુવક ઉત્તરપ્રદેશના બલરામપુરનો હોવાનું પોલીસનો પ્રાથમિક અંદાજ છે તેમજ હત્યારાઓ પણ પરપ્રાંતીય હોવાની શંકા સેવાઇ રહી છે. યુવકની હત્યા કર્યા બાદ પરપ્રાંતીય આરોપીઓ તેના વતન કે અન્ય કોઇ સ્થળે ભાગી જાય તેવી શંકાએ પોલીસે ઘટનાની જાણ થતાં જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશને ટુકડીઓ દોડાવી હતી તેમજ શહેરને જોડતા હાઇવે પર પણ પરપ્રાંતીયોની તપાસ શરૂ કરવામાં આવી હતી.

You cannot copy content of this page