Only Gujarat

Gujarat

રાજકોટમાં આવ્યો ખૂબ ચોંકાવનારો કિસ્સો, ગર્ભાશયની બહાર બે મૃત બાળના ખોપડી અને હાડકાં મળ્યા

તબીબી વિજ્ઞાનમાં ભાગ્યે જ જોવા મળતો કિસ્સો રાજકોટમાં જોવા મળ્યો. એક મહિલાને ગર્ભ રહ્યો. તેની ડિલિવરીનો સમય નજીક આવતો ગયો તેમ ગર્ભનો વિકાસ પણ થયો. પ્રસૂતિની પીડા ઉપડતા તેનું સિઝેરીયન કરવામાં આવ્યું. પરંતુ ઑપરેશન દરમિયાન પેટ ચીરતા જ ડૉક્ટરો દંગ રહી ગયા. કારણ કે મહિલાના ગર્ભાશયની બહારથી મૃત બાળકના હાડકાં અને ખોપડી મળી આવી. એટલુ જ નહીં, પેટના અલગ અલગ ભાગમાંથી અસંખ્ય નાના નાના હાડકાં પણ મળ્યા.

આ ઘટના વિશે ઓપરેશન કરનાર ડો. કવિતા દૂધરેજિયા અને ડો. મનીષા પરમારે જણાવ્યું કે, રાજકોટની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દર્દી દાખલ થયા હતા. તેમને સિઝેરીયન ઑપરેશન કરવાનું હતું. આમ તો આ કેસ સામાન્ય જેવો જ હતો એટલે તબીબોની ટીમે એનેસ્થેસિયા શરૂ કર્યું. પેટમાં કાપો મૂકી ગર્ભાશય સુધી પહોંચીએ તે પહેલા જ પીળુ પ્રવાહી બહાર નીકળું અને તેમાંથી એક માનવ ખોપડી દેખાઈ. ખોપડી બહાર નીકળતા સૌ કોઇ અચંબિત થઈ ઉઠ્યા. કારણ કે તેમણે કારકિર્દીમાં આવું પ્રથમવાર જોયું હતું. તુરંત જ બધું સાફ કરીને ખોપડી અને હાડકાં બહાર કાઢ્યા. પરંતુ લિવર પાસેથી તેમજ આંતરડાઓ પાસે બીજા હાડકાં મળી આવ્યા. તે સમયે માલુમ પડ્યું કે એક નહીં પણ બે મૃત બાળકોના અવશેષો છે.

આ બધા હાડકાઓ તેમજ પ્રવાહી કે જે ફેફસા અને મગજના ઓગળવાથી બન્યું હતું તે સાફ કરવામાં આવ્યું. ત્યારબાદ ગર્ભાશયમાં તપાસ કરી તો અઢી કિલોથી વધુ વજનનું તંદુરસ્ત બાળક પણ હતું. એક એવી ધારણા છે કે ગર્ભ ધારણ થયું ત્યારે બાળક કોઇ રીતે અંડાશય અથવા તો નળીમાંથી પેટમાં પહોંચ્યું હોય અને ત્યાં લોહી મળતા થોડો સમય પોષણ મળ્યું હોય પણ પછી દબાઈ જતા મૃત્યુ થયું હોય.

તબીબોનું માનીએ તો વિશ્વમાં આવા જૂજ કિસ્સાઓ નોંધાયા છે. મહિલાના પેટમાં પડેલા હાડકાઓ ગણતા તેમજ અધ્યયન કરતા સૌથી પહેલા જે બાળક દેખાયું તે 26 સપ્તાહ જ્યારે બીજુ બાળક 16 અઠવાડિયાનું હોય તેમ લાગે છે. આ પ્રકારની ઘટનાઓ તબીબી વિજ્ઞાનમાં 4થી 5 જ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારના કિસ્સા માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે છે.

પેટની અંદર અંડાશય ખુલ્લા પંખા જેવું હોય છે ત્યાંથી સ્ત્રીબીજ છૂટ્ટુ પડી નળીમાં જાય છે અને બીજી તરફથી શુક્રાણુ આવે અને નળીમાં જ ગર્ભધારણ થાય પછી ગર્ભાશયની કોથળીમાં જાય છે. આવા કિસ્સાઓમાં ગર્ભધારણ બાદ ગર્ભ અંડાશય તરફ ગયું હોય અને ત્યાંથી બહાર નીકળી પેટના કોઇ અંગ જેમ કે આંતરડા કે દીવાલમાં ચોંટી જતા ત્યાં લોહી મળી જતા પોષણ મેળવે છે પણ દબાઈ જવાથી અથવા પૂરતું પોષણ ન મળવાથી મૃત બને છે. આ ઉપરાંત ગર્ભપાત થયો હોય અને બગાડ બહાર નીકળવાને બદલે અંદર રહી ગયો હોય ત્યારે પણ આવુ બને છે. બાળક શરીરની અંદર જ મરી જાય અને બહારનું ઈન્ફેક્શન ન લાગે ત્યાં સુધી મહિલાને પણ કોઇ અસર થતી નથી. આવા કિસ્સા ખુબ જ જૂજ હોય છે.

You cannot copy content of this page