Only Gujarat

National

દીકરાના મોત બાદ વિધવા વહુને ભણાવીને લાખોની નોકરી અપાવી, કન્યાદાન કરી ફરી લગ્ન કરાવ્યા

મનને પ્રફુલ્લિત કરી દેતો સુંદર કિસ્સો સામે આવ્યો છે. એક સરકારી ટીચરે પોતાની વિધવા વહુના બીજા લગ્ન કરાવી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લગ્નના છ મહિના બાદ દીકરાનું મોત થતાં ટીચરના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જોકે સાસુએ દીકરો ગુમાવવાનો આઘાત સહન કરીને વહુને ધ્યાન રાખ્યું હતું. સાસુએ વહુને ખૂબ ભણાવી ગણાવીને ગ્રેડ ફર્સ્ટની લેક્ચરર બનાવી હતી. એટલું જ નહીં વહુના વાજતે ગાજતે ફરી લગ્ન કરાવીને તેને સાસરે વળાવી હતી.

આ કિસ્સો રાજસ્થાનનો છે. સીકર જિલ્લાના ઢાંઢણ ગામમાં રહેતા ટીચર કમલા દેવીના નાના દીકરા શુભમના લગ્ન સુનીતા નામની યુવતી સાથે 25 મે 2016ના રોજ થયા હતા. લગ્ન બાદ દીકરો શુભમ એમબીબીએસનો અભ્યાસ કરવા માટે વિદેશ કિર્ગીસ્તાન ચાલ્યો ગયો હતો. જ્યાં નવેમ્બર 2016માં બ્રેન સ્ટ્રોકના કારણે તેનું મોત થયું હતું. જુવાનજોધ દીકરાનું મોત થતાં પરિવાર ભાંગી પડ્યો હતો. જોકે સાસુએ પોતાની જાતને સંભાળવાની સાથે વહુને સધિયારો આપ્યો હતો.

દીકરાના મોત બાદ વહુ સુનીતાને તેના પિતાના ઘરે મોકલી દેવાના બદલે દીકરીની જેમ પ્રેમ આપ્યો હતો. સાસુએ વિધવા વહુ સુનીતાનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. તેની તમામ જરૂરિયાત પુરી કરી હતી. તેને આગળ ભણવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

સુનિતાને એમએ બીએડ કરાવ્યું. પછી જોધપુરથી સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરાવડાવી. સુનિતાની મહેનત રંગ લાવી અને તેની કોલેજમાં લેક્ચરર તરીકે પંસદગી થઈ. હાલ સુનિયા સરદારશહેરમાં ઈતિહાસની લેક્ચરર પદે નિયુક્ત છે.

સુનીતાને નોકરી મળ્યા બાદ કમલાદેવીને તેના લગ્નની ચિંતા થવા લાગી. આથી તેમણે સુનીતાને ફરી સાસરે વળાવવાનો નિર્ણય કર્યો. જોકે આ દરમિયાન તેને ઘણા લોકોએ ખરુખોટું પણ સંભળાવ્યું હતું, છતા કમલાદેવી પોતાના નિર્ણય પર અડગ રહ્યા. શનિવારે કમલાદેવીએ પોતાની વહુ સુનિતાના ધામધૂમથી સીકર નિવાસી મુકેશ માવલિયા સાથે લગ્ન કરાવ્યા હતા.

આ અંગે કમલાદેવીએ જણાવ્યું હતું કે રૂઢીવાદીતાને જો નહીં તોડીએ તો તો એ વ્યક્તિને તોડી નાખશે. સુનિતાનો પતિ મુકેશ માવલિયા હાલ ભોપાલમાં કેગમાં ઓડિટરના પદે કાર્યરત છએ. કમલાદેવીના આ નિર્ણયની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે.

You cannot copy content of this page