Only Gujarat

National TOP STORIES

આર્થિક સ્થિતિ ખરાબ, ઘરમાં નથી ફોન, લાડલીએ પિતાનું માથું કર્યું ગર્વથી ઊંચું

દેહરાદૂનઃ મિત્રો કહેવાય છે કે, લગન અને ધગશથી કામ કરીએ તો સફળતા જરૂર મળે છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ ઉત્તરાખંડના નાનકડા ગામ રામપુરમાં રહેતી પ્રિયંકા દિવાન છે. પ્રિયંકા ચમોલી જિલ્લામાં આવેલા દેવલ બ્લોકના એક નાનકડા ગામ રામપુરમાં રહે છે, જેણે UPSCની પરીક્ષામાં 297મો ક્રમ હાંસલ કરીને ના માત્ર પોતાના ગામનું પણ આખા દેશનું નામ ગર્વથી ઊંચું કરી દીધું છે. પ્રિયંકા દિવાનના પિતા રામ દિવાન ખેડૂત છે અને માતા વિમલા દેવી ગૃહિણી છે.


અભાવ વચ્ચે અડગ ઇરાદાએ અપાવી જીત પ્રિયંકા માટે રાહ સરળ ન હતી. પ્રિયંકાના પરિવારજનોની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે. તેણે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ પૂર્ણ કર્યું. તેની ઈચ્છા સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરવાની હતી. જો કે ઘરની આર્થિક સ્થિતિના કારણે તે શક્ય ન બન્યું. તે સ્કૂલમાં અભ્યાસ બાદ ખેતરમાં જઈને પિતાને ખેતી કામમાં પણ મદદ કરતી હતી. પ્રિયંકાનું ગામ રામપુર છેવાડાનું અવિકસિત ગામ છે. ત્યાં ન તો સારા રસ્તા છે, ન તો યોગ્ય લાઈટની વ્યવસ્થા છે. મોબાઈલ નેટવર્કમાં પણ સારી સ્પીડ નથી મળતી.

પ્રિયંકાએ જ્યારે રામપુરમાં ભણીને સારા ટકાએ ધોરણ દસની પરીક્ષા પાસ કરી તો ગ્રામજનો તેનામાં રહેલી પ્રતિભાને ઓળખી ગયા. લોકોએ પ્રિયંકાના પિતાને પ્રિયંકાને આગળ ભણવાની સલાહ આપી. પિતાએ પોતાની દીકરીના ઉજ્વળ ભવિષ્ય માટે તેનું એડમિશન ગોપેશ્વર ડિગ્રી કૉલેજમાં કરાવી આપ્યું. પોતાના અભ્યાસનો ખર્ચો ઉઠાવવા તેને ટ્યૂશન ભણાવવાનું પણ શરૂ કરી દીધું હતું.

ક્લેક્ટર મુરૂગેશન બન્યા પ્રિયંકાના પ્રેરણા સ્ત્રોતઃ કૉલેજમાં જ્યારે પ્રિયંકાએ ચમોલી જિલ્લાના DM મુરૂગેશનને જોયા તો તેમની કાર્યશૈલી અને વ્યક્તિત્વથી તે ખૂબ પ્રભાવિત થઈ ગઇ હતી. તેમણે જોયું કે ક્લેક્ટર મુરૂગેશનના સ્વાગત માટે કોલેજમાં તડામાર તૈયારીઓ થઇ રહી હતી. તેમના આગમન પહેલા આખી કૉલેજને સુંદર રીતે સજાવાઇ હતી.

કૉલેજમાં જ ક્લેક્ટર મરૂગેશન સાથે વાતચીત કરી હતી. આ સમયે તે તેમનાથી ખૂબ જ પ્રભાવિત થઇ હતી અને તેમની સાથેની મુલાકાત બાદ તેમણે સંક્લ્પ લીધો હતો કે, કંઇ પણ થઇ જાય, ગમે તેટલી મુશ્કેલી આવે પરંતુ હું યૂપીએસસીની પરીક્ષા ચોક્કસ ક્રેક કરીશ. ત્યાર બાદ પોતાનું લક્ષ્ય હાંસિલ કરવા માટે પ્રિયંકાએ દિવસ રાત એક કરી દીધા.

મહેનત અને ઇચ્છાશક્તિના બળે મેળવી સફળતાઃ એકાગ્રતાથી કરેલી મહેનત આખરે રંગ લાવી અને તેમણે સફળતા પ્રાપ્ત કરી. જો કે પ્રિયંકાને અભ્યાસ માટે બહુ સમય ન હતો મળતો. પરંતુ જ્યારે પણ તે અભ્યાસ કરતી, એકાગ્ર ચિતે કરતી હતી.. પરિણામે તેને પહેલા જ પ્રયત્નમાં UPSCની પરીક્ષા પાસ કરી લીધી. પ્રિયંકાની આ સિદ્ધિથી તેમનું આખું ગામ ખૂબ ખુશ છે. કોઈ કારણથી તે પોતાના પરિણામના સમાચાર બે દિવસ બાદ ઘરે આપી શકી હતી. પિતાએ જ્યારે પોતાની પુત્રીના પરિણામના સમાચાર મળ્યાં તો પોતાની આંખોમાંથી આવતા હરખના આંસુ રોકી ના શક્યા. હાલ પ્રિયંકા દિવાન દેહરાદૂન માં આવેલી DLV PG કૉલેજ માં LKBનો અભ્યાસ કરે છે.

You cannot copy content of this page