Only Gujarat

National

માઈનસ 60 ડિગ્રીમાં યુવકે વિમાનમાં લટકીને 6500 કિલોમીટરનું કાપ્યું હતું અંતર

અફઘાનિસ્તાનની કટોકટી દરમિયાન વિદેશી નાગરિકો વિમાનમાં લટકાઈને આવવા મજબૂર બન્યા હતા. એમાં ઘણાં લોકોનાં મોત થયાં હતાં. એવો જ એક કિસ્સો પચ્ચીસેક વર્ષ પહેલાં બન્યો હતો. એક ભારતીય યુવકના કારસ્તાનથી દુનિયા ચોંકી ઉઠી હતી.

પંજાબમાં રહેતા બે ભાઈઓ – પ્રદીપ સૈની અને વિજય સૈનીએ બ્રિટનમાં ગેરકાયદે ઘૂસવા માટે વિમાનના લેન્ડિંગ ગિયરમાં લટકીને જવાનું પસંદ કર્યું હતું. પ્રદીપ સૈનીની વય એ વખતે 23 વર્ષ હતી અને વિજય સૈની 19 વર્ષનો હતો. બંને ભાઈઓ 1996માં દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં જેમતેમ કરીને ઘૂસી ગયા હતા.

લંડન જતાં વિમાનના પૈડા પાસે લેન્ડિંગ ગિયર નજીક બંને ભાઈઓ ઘૂસી ગયા હતા. દિલ્હીથી લંડનનું અંતર 6500 કિલોમીટરનું છે. વિમાનને લગભગ 10 કલાકનો સમય લાગવાનો હતો. એટલે કે 10 કલાક સુધી આ ભાઈઓએ લેન્ડિંગ ગિયર પાસે લટકી રહેવાનું હતું. વિમાન ઊંચાઈ પર પહોંચ્યું ત્યારે તાપમાનનો પારો માઈનસ 60 ડિગ્રીએ પહોંચી જતો હતો. વિમાનની બહાર આટલા તાપમાનમાં જીવતા રહેવું અશક્ય છે.

વિજય સૈની રસ્તામાં જ વિમાનમાંથી પડી ગયો અને મૃત્યુ પામ્યો. પ્રદીપ સૈની લંડનના એરપોર્ટે પહોંચ્યો ત્યારે બેભાન હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો. તેનો ચમત્કારિક બચાવ થયો, પરંતુ ગેરકાયદે ઘૂસણખોરી મુદ્દે તેના પર કેસ ચાલ્યો અને તેને આજીવન કારાવાસની સજા થઈ.

હવે એ આજીવન કારાવાસની સજા ભોગવીને મુક્ત થયો છે. લાંબો સમય જેલમાં વીતાવ્યા પછી હવે તેને બ્રિટનમાં રહેવાનો પરવાનો મળ્યો છે. બ્રિટિશ નાગરિક બનેલો પ્રદીપ જેલમાંથી છૂટયા બાદ એરપોર્ટમાં ડ્રાઈવરની નોકરીમાં જોડાયો છે.

સૈની ભાઈઓનું આ કારસ્તાન જ્યારે સામે આવ્યું ત્યારે દુનિયાને આશ્વર્ય થયું હતું. એવિએશન એક્સપર્ટ્સ માને છે કે પ્રદીપ સૈની બચી ગયો એ ખરેખર એક ચમત્કાર હતો. 6500 કિલોમીટરનું અંતર કાપવા દરમિયાન માઈનસ 60 ડિગ્રી તાપમાનમાં વિમાનના પૈડા પાસે લટકી રહેવું તે લગભગ અશક્ય છે.

You cannot copy content of this page