ન્યૂઝ એન્કરે ફાંસો લગાવી કરી આત્મહત્યા, થોડાં દિવસો પહેલાં FB પર શેર કર્યો અંતિમ વીડિયો

ગુરગાંવ (હરિયાણા): લૉકડાઉનમાં છેલ્લા અમુક દિવસોમાં આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યાં છે. આવી જ એક ઘટના દિલ્હીમાં બની. જ્યાં એક ન્યૂઝ એન્કર મહિલા પત્રકારે પોતાના ઘરમાં ફાંસો લગાવી આત્મહત્યા કરી. પોલીસે મૃતકાની ઓળખ પ્રિયંકા જુનેજા તરીકે કરી હતી.

ના મળી સુસાઈડ નોટ
આ સંપૂર્ણ ઘટના પૂર્વીય દિલ્હીના વેલકમ વિસ્તારમાં શુક્રવારે ઘટી. જ્યાં એન્કર પ્રિયંકાએ પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો. જોકે પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઈટ નોટ મળી નથી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને આપી દીધો.

ઘણી ન્યૂઝ ચેનલમાં કામ કર્યું હતું
અંતે પ્રિયંકા કયા કારણોસર આવું પગલું ભરવા મજબૂર થઈ, તેનો ખુલાસો હજુ થયો નથી. તેણે ઘણી ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કર્યું હતું. હાલમાં તે હરિયાણાની એક યુટ્યૂબ ચેનલમાં એન્કરિંગ કરી રહી હતી.

દોઢ મહિના અગાઉ શેર કર્યો હતો અંતિમ વીડિયો
પોલીસે જણાવ્યું કે, પ્રિયંકાએ 13 જૂન 2020ના ફેસબુક પર પોતાનો અંતિમ બુલેટિન વીડિયો શેર કર્યો હતો. પોલીસે પ્રિયંકાના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી મોતનું કારણ જાણવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી.

જોકે પ્રિયંકાના નિધનના કારણે તેના મિત્રો અને માતા-પિતા હાલ આઘાતમાં છે. તેમને એ નથી સમજાતું કે, પ્રિયંકાને એવી કઈ સમસ્યા હતી કે તેણે આટલો મોટો નિર્ણય લેવો પડ્યો. તેમણે એવી કલ્પના પણ નહીં કરી હોય.