લગ્નની જીદ કરતી હતી તો ચાકુના 35 ઘા ઝિંકી પ્રેમીએ જ પ્રેમિકાને રહેંસી નાખી

મુંબઇ : દિલ્હીમાં શ્રદ્ધા વાલકર હત્યાકાંડના પ્રકરણે સંપૂર્ણ દેશને ચોંકાવી દીધો હતો. લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી શ્રદ્ધાએ લગ્ન માટે દબાણ કરતા પ્રેમી આફતાબે તેની હત્યા કરી લાશના ૩૫ ટુકડા કર્યા હતા. આ પ્રકારની ઘટના ટિટવાલામાં બની છે. વિવાહિત પ્રેમિકાએ લગ્નની માગણી કરતા વિફરેલા પ્રેમીએ મિત્ર સાથે મળીને ચાકૂના ૩૫ ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરી હતી પછી જંગલ પરિસરમાં લાશ ફેંકીને પુરાવાનો નાશ કર્યો હતો.

ટિટવાલામાં ગોવેલીમાં ગત 12 ડિસેમ્બરના એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હતી. પોલીસની તપાસ દરમિયાન મૃતક પાસે આધારકાર્ડ મળી આવ્યું હતું. જેના આધારે મૃતકનું નામ રુપાંજલી હોવાનું માલૂમ પડયું હતું. તે પુણેની રહેવાસી હતી. 

પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. આધાર કાર્ડના આધારે મૃતકની ઓળખ થઇ હતી. પોલીસે ઝીણવટભરી તપાસ હાથધરી બંને આરોપીને ઝડપી લીધા હતા. તેમની પૂછપરછમાં સમગ્ર ઘટનાની વિગતો મળી હતી. 

મૃતક રૂપાંજલિ પરિણીત હતી અને તેને ત્રણ બાળક હતા. પુણેમાં રહેતા જયરાજ સાથે બે વર્ષથી તેનો પ્રેમસંબંધ હતો બીજી તરફ રૂપાંજલી તેની સાથે લગ્ન કરવા માગતી હતી તે લગ્ન માટે જયરાજને બ્લેકમેલ કરતી હતી. જેના લીધે તે ગુસ્સામાં હતો. છેવટે તેણે મિત્ર સૂરજ સાથે મળીને પ્રેમિકાની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.

જંગલમાં સોનાના સિક્કા મળ્યા હોવાનું જણાવીને તેઓ રૂપાંજલિને ગોવેલી લાવ્યા હોવાનું કહેવાય છે. હત્યા માટે આરોપીએ ઉલ્હાસનગરની બે ચાકૂ ખરીદી કર્યા હતા. બાદમાં બંનેએ ચાકૂના ઉપરાઉપરી અંદાજે ત્રણ ડઝન વાર કરી રૂપાંજલીને મારી નાખી હતી.