Only Gujarat

Gujarat

ઓડીથી લઈને જીપની નંબર પ્લેટ MUKHI, ગોરાઓ પણ મોઢામાં નાંખી જાય છે આંગળા

દેશ હોય કે પરદેશ, ગુજરાતીઓ તેના શોખ માટે જાણીતા છે. ગુજરાતીઓને કોઈ વસ્તુ પસંદ આવી જાય પછી તે એના માટે ગમે તેટલા પૈસા ખર્ચવા પણ તૈયાર જાય છે. એમાં પણ ગાડીના નંબરની વાત આવે એટલે ગુજરાતીઓ લાખો ખર્ચવા પણ તૈયાર થઈ જાય છે. આવો જ એક યુવાન એટલે મંથન રાદડિયા. મૂળ અમરેલી જિલ્લાના પટેલનો દીકરો ઓસ્ટ્રેલિયામાં MUKHI (મુખી) નંબર પ્લેટની લક્ઝુરિયર્સ કારમાં ફરે છે. મંથન રાદડિયાએ અત્યાર સુધીમાં કુલ 5 કાર્સ ફેરવી છે, જે તમામની નંબર પ્લેટ MUKHI (મુખી) નામથી હતી. આ અંગે દિવ્ય ભાસ્કર સાથે મંથન રાદડિયાએ તેના શોખ અંગે વિગતવાર વાત કરી હતી.

કોણ છે મંથન?
છેલ્લાં ચાર વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતો મંથન મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ધજડી ગામનો વતની છે. મંથનના માતા-પિતા હાલ અમદાવાદના નિકોલમાં રહે છે. વર્ષ 2017માં ધોરણ-12 પૂરું કર્યા બાદ વધુ અભ્યાસ માટે મંથને ઓસ્ટ્રેલિયાના મેલબોર્વાનની વાટ પકડી હતી. જ્યાં તેણે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ અને ત્યાર બાદ ડિપ્લોમાં ઈન હોસ્પિટાલિટીનો કોર્સ કર્યો હતો. જોકે મંથનને ગ્રોસરીના બિઝનેસમાં રસ જાગતા તેણે આમાં ઝંપલાવ્યું હતું. હાલ તે પર્થ સિટિમાં ઈન્ડિયાથી ગ્રોસરી ઈમ્પોર્ટ કરીને હોલસેલ વેચે છે. આ માટે તેણે એક વેરહાઉસ પણ લીધું છે.

મંથને ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ મેલબોર્નમાં પહેલી કાર ખરીદી તો એક હજાર ડોલર ખર્ચીને MUKHI નંબર પ્લેટ લઈ લીધી હતી. ત્યાર બાદ પર્થમાં પણ આજ નંબર પ્લેટથી એક કાર લીધી હતી. ઓસ્ટ્રેલિયામાં ચાર વર્ષમાં પાંચ કાર બદલી છે, જેમાં જીપથી લઈને ઓડી કાર સામેલ છે. આ તમામ કારનો નંબર MUKHI હતો. મંથન હવે બે હજાર ઓસ્ટ્રેલીયન ડોલર (1.11 લાખ) ખર્ચીને વધુ એક MUKHI નામ વાળી નંબર પ્લેટ લેવાનો છે.

દાદા સાથેના લગાવના કારણે લે છે MUKHI નંબર પ્લેટ
કાર માટે MUKHI નંબર પ્લેટ જ કેમ? એ અંગે પૂછતાં મંથને રસપ્રદ કારણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું, ‘મારા દાદાજી લાલજીભાઈ રાદડિયા એમના સમયમાં ગામના મુખી (ગામના વડા) હતાં. સરપંચનો હોદ્દો પછી આવ્યો. ગામના લોકોને કોઈ કામ હોય તો સૌ પહેલાં ગામના મુખીને મળતા. ગામમાં એમની ખૂબ માન-મર્યાદા હતી. એ વખતે મારા દાદા ઘોડો લઈને નીકળતા ત્યારે ઘોડાના ડાબલાના અવાજથી રાહદારીઓને જાણ થઈ જતી કે મુખી આવ્યા એટલે બધા ઊભા રહી જતાં. મારા દાદા જીવ્યા ત્યાં સુધી ગામના મુખી રહ્યા હતા. આ બધું મેં મારા પિતા, મોટાબાપુજી અને ફોઈ પાસેથી સાંભળ્યું છે.’ આ વાત કરતાં સમયે મંથન એકદમ ભાવુક થઈ ગયો હતો.

મંથનના દાદા હતા ગામના મુખી
મંથને વાત આગળ વધારતા કહ્યું હતું, ‘મારા દાદા લાલજીભાઈ રાદડિયા વર્ષ 1942થી 1977 સુધી ગામના મુખી રહ્યા હતા. એમના પાંચ દીકરા હતાં, એમાં મારા ફાધર સૌથી નાના. બાદમાં પપ્પા ધંધા માટે ઢસા ગયા, જ્યાં તેમણે હીરાનું કામ શરૂ કર્યું હતું. ત્યાં સુધીમાં તેમની છાપ પણ મુખી તરીકેની પડી ગઈ હતી. એટલે સુધી કે કોઈ એમને નામથી ઓળખતા જ નહોતાં. જેમ પપ્પાની છાપ મુખીની પડી એવું મારી સાથે પણ થયું. હું મોટો દીકરો છું. અહીંયા ઓસ્ટ્રેલિયામાં બધા મને મુખીથી જ ઓળખે છે. મારું સાચું નામ ઘણાં ઓછા લોકો જાણતા હશે. દાદાના કારણે મને મુખી નામ સાથે ખૂબ લગાવ છે. એટલે જ હું મારી કારની નંબર પ્લેટ આ જ નામથી લઉં છું.’

ગોરાઓ પણ જોતા જ રહી જાય છે
MUKHI નામ જોઈને ઓસ્ટ્રેલિયામાં રહેતા ઘણાં ભારતીયો ઉપરાંત સ્થાનિક રહેવાસીઓ પણ નંબર પ્લેટ અંગે સવાલ પૂછતા રહે છે. આ બધાને મંથન પોતાના દાદા અને તેમના પ્રત્યેની લાગણીની વાત કહે છે. મંથન બે વર્ષ અગાઉ અમદાવાદ આવ્યો ત્યારે પિતાને એક કાર ગિફ્ટ કરી હતી. આ કારની પાછળ તેણે MUKHI લખાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટમાં એક રિકવેસ્ટ મોકલવાની હોય છે. એ પછી તમે મોકલેલા નંબરનો કોઈ ખોટો અર્થ થાય છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. જો તેમને નંબર જેન્યુઇન લાગે તો જ એ નંબરની રિકવેસ્ટ અપ્રૂવ કરે છે. અમુક સ્થાનિક લોકો એવા નંબરની રિકવેસ્ટ કરતાં હોય છે, જેના ખરાબ કે ઉલ્ટા અર્થ થતા હોય છે. આ લોકોની રિક્વેસ્ટ અપ્રૂવ નથી થતી. સિડનીમાં એક સ્થાનિક વ્યક્તિએ એક નંબર લીધો હતો, જેનો અશ્લીલ અર્થ થતો હતો. લોકોના વિરોધ બાદ એ નંબર પ્લેટ પાછી ખેંચાઈ હતી.

માતા-પિતા અમદાવાદમાં રહે છે
મંથનનો પરિવાર હાલ અમદાવાદના નિકોલમાં ગોપાલ ચોક પાસે એક ટેનામેન્ટમાં રહે છે. તેના પિતા અનિલભાઈ બહુ પહેલાં હીરા ઘસવાનું કામ કરતા હતા. ત્યાર બાદ યાર્નનો બિઝનેસ કરતાં હતા, પરંતુ તેમાં મંદી આવતા હવે ઘીનો વેપાર કરે છે. માતા કૈલાશબેન ગૃહિણી છે. જ્યારે નાનાભાઈ અભિષેકનું ભણવાનું પૂરું થઈ જતાં એ પણ હવે ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરે છે.

You cannot copy content of this page