બાપ-દીકરાનું સાપના ડંખથી થયું મોત, હકીમ ને તાંત્રિકે પછી શરૂ કર્યો ખેલ..!

ધૌલપુરઃ રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના સદરના દરિયાપુર ગામમાં ગત રવિવાર (13 સપ્ટેમ્બર)એ પિતા- પુત્રનું ઝેરીલા સાપના કરડવાથી મોત થઈ ગયું, પરંતુ પરિવારજનો બંનેને મૃત માનવા તૈયાર ન હતા. તાંત્રિક અને હકીમોની મદદથી ઝાડ-ફૂંકની મદદથી મૃત પિતા-પુત્રને જીવિત કરવાના પ્રયત્નો કરતા રહ્યા.

મૃતકોનો પરિવાર આશા સાથે મૃતદેહોને તાંત્રિક અને હકીમો પાસે લઈ ગયા અને 36 કલાક સુધી મૃતકોને જીવતા કરવાનો અંધવિશ્વાસનો ખેલ ચાલતો રહ્યો. મૃતદેહો પર અલગ અલગ પ્રકારની વિધિ કરવામાં આવતી રહી અને લોકો તમાશો જોતા રહ્યા.

પિતા- પુત્રના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે શ્માશાન ઘાટ લાવવામાં આવ્યા. ગામલોકોએ સાપને પકડીને એક બોટલમાં બંધ કરી દીધો, આ દરમિયાન તાંત્રિક અને હકીમ પણ સ્મશાન પહોંચ્યા અને બંનેને ફરી જીવતા કરવાના દાવા કરવા લાગ્યા. તેમના દાવાને જોઈને પરિવારને આશા જાગી અને અંતિમ સંસ્કાર માટે ચિતા પર પડેલા પિતા-પુત્રનો ઈલાજ કરવાનું શરૂ કર્યુ.

આ દરમિયાન વન વિભાગની ટીમ સાપને લેવા માટે ઘટનાસ્થળ પર પહોંચી, પરંતુ ગામલોકોએ સાપને મારીને ફેંકી દીધો, આ સમગ્ર મામલાની જાણ પોલીસને થઈ અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી. મૃતકોના પરિવારજનોને સમજાવવામાં આવ્યા અને મૃતદેહોને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતાં.

આ મામલામાં એક્શન લેતા પોલીસે લગભગ છ જેટલા તાંત્રિક અને હકીમોની ધરપકડ કરી, હવે તેમના વિરુદ્ધ વિવિધ ધારાઓ હેઠળ કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી.