Only Gujarat

FEATURED National

PM માટે સૌથી વધુ લોકપ્રિય નેતા કોણ? સામે આવ્યો ચોંકાવનારો સર્વે

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી ભલે ચીન સાથે સરહદ વિવાદ અને કોરોનાને લઈને સતત પ્રહારો કરવામાં આવતા હોય, પરંતુ એક ન્યૂઝ ચેનલ આજ તક દ્વારા કરવામાં આવેલા મૂડ ઓફ નેશન (MOTN) સર્વે અનુસાર, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત છે અને ભારતના આગામી વડા પ્રધાન તરીકે હજી પણ સૌથી લોકપ્રિય વિકલ્પ બનેલાં છે.

હાલમાં જ કરાવેલાં મૂડ ઓફ નેશન (MOTN)સર્વેમાં 66 ટકા લોકોનું માનવું છે કે નરેન્દ્ર મોદી ભારતના આગામી વડા પ્રધાન હોવા જોઈએ. મોદી પછી રાહુલ ગાંધી બીજા સ્થાને છે પરંતુ તેઓ પણ 10ના આંકડાને સ્પર્શ કરી શક્યા નથી. જોકે, 8 ટકા મતો સાથે તેઓ ચોક્કસપણે બીજી પસંદગી છે.

ચોથા ક્રમે છે અમિત શાહ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને વડા પ્રધાન પદ માટે ત્રીજા સૌથી પસંદગીના નેતા માનવામાં આવ્યાં અને તેમને 5 ટકા મતો મળ્યાં હતાં. ગૃહમંત્રી અમિત શાહ આ યાદીમાં ચોથા નંબર પર છે અને તેમને 4 ટકા મતો મળ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અરવિંદ કેજરીવાલ પણ આ સૂચિમાં છે અને બંનેને 3-3 ટકા મત મળ્યા છે. આ સૂચિમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ છે અને તેમને 2-2 ટકા મત મળ્યા છે.

કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી અને રાજનાથ સિંહ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, બહુજન સમાજ પાર્ટી (બસપા) ના વડા માયાવતી અને સમાજવાદી પાર્ટી (સપા) ના વડા અખિલેશ યાદવ એવા થોડા નેતાઓમાં શામેલ છે કે જેમણે લોકોએ આગામી વડા પ્રધાન તરીકે જોવાની વાત કહેવામાં આવી છે.

રાહુલ ગાંધીની લોકપ્રિયતા ઘટી
જાન્યુઆરી 2020ના સર્વેમાં વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તત્કાલીન વડા પ્રધાન પદ માટે કરવામાં આવેલા સર્વેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે 40 ટકાનો તફાવત હતો. 53 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને આગામી વડા પ્રધાન તરીકે પસંદ કર્યા હતા, જ્યારે માત્ર 13 ટકા લોકોએ કહ્યું હતું કે રાહુલ ગાંધી દેશના આગામી વડા પ્રધાન હોવા જોઈએ. જોકે, જાન્યુઆરી 2019માં વડા પ્રધાનપદના દાવેદાર માટે કરવામાં આવેલા સર્વેમાં રાહુલ ગાંધીને સૌથી વધુ 52 ટકા મતો મળ્યા હતા.

દિલ્હી સ્થિત બજાર સંશોધન એજન્સી કાર્વી ઇનસાઇટ્સ લિમિટેડ દ્વારા મૂડ ઓફ ધ નેશન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 12,021 લોકો સાથે વાત કરવામાં આવી હતી. આ 12,021 લોકોમાંથી 67 ટકા લોકો ગ્રામીણ હતા જ્યારે બાકીના 33 ટકા લોકો શહેરી લોકો હતા. સર્વેમાં 19 રાજ્યોની કુલ 97 લોકસભા અને 194 વિધાનસભા બેઠકોના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

19 રાજ્યોમાં સર્વે કરાયો
દેશનાં જે રાજ્યોમાં આ સર્વે કરાયો તેમાં આસામ, આંધ્રપ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ, ઝારખંડ, ગુજરાત, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ સર્વે 15 જુલાઈથી 27 જુલાઇની વચ્ચે કરવામાં આવ્યા હતા. આ સર્વેમાં 52 ટકા પુરુષો, 48 ટકા મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જો ધર્મના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સર્વેમાં હિન્દુઓના 86 ટકા, મુસ્લિમોના 9 ટકા અને અન્ય ધર્મોના 5 ટકા લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. સર્વેક્ષણમાં 30 ટકા ઉચ્ચ જાતિ, 25 ટકા એસસી-એસટી અને 44 ટકા અન્ય પછાત વર્ગનો સમાવેશ થાય છે.

જોકે અત્યાર સુધી આ સર્વે પરંપરાગત રૂપે સામ-સામે મુલાકાતની પદ્ધતિથી કરવામાં આવતો હતો, પરંતુ આ વખતે કોરોના રોગચાળાને કારણે સર્વેક્ષણ કરનારા લોકોનો અભિપ્રાય ફોન દ્વારા જાણવામાં આવ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page