Only Gujarat

Bollywood

‘બિગ બોસ’ના ઘરમાં ગુજરાતી એક્ટ્રેસ મોનલ ગજ્જર, જોવા મળશે ગરબા!

હૈદરાબાદઃ સલમાન ખાનનો શો ‘બિગ બોસ 14’ ઓક્ટોબર મહિનામાં શરૂ થશે પરંતુ તેલુગુ ‘બિગ બોસ’ની ચોથી સિઝન આજથી એટલે કે છ સપ્ટેમ્બરના રોજથી શરૂ થઈ ગઈ છે. આ શો સ્ટારમા ચેનલ પર જોવા મળશે. સૌથી નવાઈની વાત એ છે કે આ શોમાં ગુજરાતી એક્ટ્રેસ મોનલ ગજ્જર પણ સ્પર્ધક તરીકે એન્ટર થઈ છે. શોમાં એન્ટર થયા પહેલાં મોનલ ગજ્જર હૈદરાબાદમાં 14 દિવસ સુધી ક્વૉરન્ટીન રહી હતી.

2012થી તેલુગુ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છેઃ મોનલ ગજ્જર તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે નવું નામ નથી. અહીંયા તે ઘણી જ જાણીતી છે. મોનલે વર્ષ 2012માં ફિલ્મ ‘સુડીગાડુ’થી તેલુગુ ડેબ્યૂ કર્યું છે. ‘બિગ બોસ’ના ઘરમાં સૌ પ્રથમ મોનલ જ એન્ટર થઈ હતી. શોના હોસ્ટ નાગાર્જુન સાથેની વાતચીતમાં મોનલે કહ્યું હતું કે તે ઘણી જ ઈમોશનલ વ્યક્તિ છે અને તેને બહુ નાની ઉંમરમાં પિતાને ગુમાવ્યા હતા. ઘરની અંદર જતા જ મોનલને પોતાના પરિવારની યાદ આવવા લાગી હતી. મોનલના પરિવારમાં તેની માતા તથા નાની બહેન છે. આ ઉપરાંત તેનો ડૉગી પણ છે.

આ શોમાં કુલ 16 સ્પર્ધકો જોવા મળશેઃ ‘બિગ બોસ’ તેલુગુમાં કુલ 16 સ્પર્ધકો જોવા મળશે. જોકે, તેલુગુ શોમાં તમામ સ્પર્ધકો સેલિબ્રિટી છે. કોઈ પણ કોમનર્સ નથી. અહીંયા યુ ટ્યૂબ સ્ટારથી લઈ ટીવી એક્ટર, મોડલ, એક્ટ્રેસ, ડિરેક્ટર, કોરિયોગ્રાફર જોવા મળશે.

નાગાર્જુન ડબલ રોલમાં જોવા મળશેઃ શોને નાગાર્જુન હોસ્ટ કરી રહ્યો છે. આ શોમાં તે ડબલ રોલમાં જોવા મળશે. શોમાં નાગાર્જુન પિતા તથા પુત્ર એમ બેવડી ભૂમિકા ભજવતો જોવા મળશે.

100 દિવસ માટે ઘરમાં બંધઃ 16 સ્પર્ધકો 100 દિવસ માટે ઘરમાં બંધ થયા છે. કોવિડ 19ને કારણે શોમાં ઘણી જ સાવચેતી રાખવામાં આવી છે. શોમાં કેટલાક ટ્વિસ્ટ પણ જોવા મળશે. હવે જોવાનું એ છે કે આ રોગચાળામાં શો કેટલો હિટ રહે છે.

મોનલની આ બે ફિલ્મ રિલીઝ અટકીઃ કોવિડ 19ને કારણે મોનલની હિંદી ફિલ્મ ‘કાગઝ’ તથા ગુજરાતી ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ રિલીઝ થઈ શકી નથી. થિયેટર બીજીવાર ખુલે તથા સ્થિતિ સામાન્ય થયા બાદ જ આ બંને ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તે માનવામાં આવે છે. મોનલની છેલ્લે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ફેમિલી સર્કસ’ હતી, જે વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. મોનલની ફિલ્મ ‘રેવા’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં મોનલે સુપ્રિયાનું પાત્ર ભજવ્યું હતું અને ફિલ્મ ધ્રુવ ભટ્ટની નોવેલ ‘તત્વમસી’ પર આધારિત હતી.

You cannot copy content of this page