Only Gujarat

Gujarat

સાવકી માતાએ અઢી વર્ષની ફુલ જેવી માસૂમ દીકરી સાથે એવું કર્યું કે જાણીને તમે થથરી ઉઠશો

ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો વાત્સલ્યની મૂર્તિ એટલે મા. પરંતુ માતા જ પોતાના સંતાનની દુશ્મન બને અને તેનો જીવ લઈ લે તો આને ખરેખર ઘોર કળિયુગ જ કહેવાય. આવી જ એક ઘટના બની છે પાટણમાં. જ્યાં અઢી વર્ષની બાળકીને સાવકી માતાએ વેલણ અને ચંપલથી માર માર્યો. એટલું જ નહીં, પેટ પર જોરથી લાત મારતાં માસૂમ દીવાલ સાથે અથડાઈ અને મોતને ભેટી. પીએમ અને એફએસએલ રિપોર્ટના આધારે બાળકીના મોતના 6 મહિના પછી સાવકી માતા અને પિતા વિરુદ્ધ બાળકીની હત્યાનો ગુનો પોલીસે નોંધ્યો છે. (તસવીરમાં હેનીલ તેની અસલી માતા જયાબેન પરમાર સાથે)

કાળજુ કંપાની મુકે તેવી આ ઘટનાની વિગત એવી છે કે, વડગામના મગરવાડાના વતની અને હાલ હારીજની અંબેશ્વર સોસાયટીમાં રહેતા મહેશભાઈ ચેહરાભાઈ સોલંકીના લગ્ન 12 વર્ષ પહેલાં પાલનપુરના જયાબેન સાથે સમાજના રીતિરિવાજ મુજબ થયા હતા. જેમને 3 દીકરીઓ પણ છે, પરંતુ મહેશભાઈને કૌશરબેન અબ્બાસભાઇ સાથે પ્રેમસંબંધો બંધાયા હતા. જેને લઈ બન્ને ભાગી ગયાં હતાં અને છ મહિના બાદ બન્ને મળી આવ્યા હતા. તે સમયે પ્રેમમાં અંધ મહેશભાઈએ પત્ની જયાબેનનો અસ્વીકાર કર્યો હતો. જો કે ત્રણે પુત્રીઓના પાલનની જવાબદારી પિતાને સોંપવામાં આવી હતી. (હેનીલની ફાઈલ તસવીર)

દરમિયાન ગત 18 ફેબ્રુઆરીના રોજ સૌથી નાની અઢી વર્ષની દીકરી હેનીલે ઘોડિયામાં શૌચ કરી હતી. જેને લઈ સાવકી માતા કૌશરબેને મોટી બંને દીકરી પાસે સફાઇ કરાવી હતી. કૌશરબેન આટલેથી ન અટક્યા. તેમણે એક રૂમમાં પૂરીને નાની દીકરી હેનીલને વેલણ અને ચંપલથી માર માર્યો હતો તેમજ તેના પેટ પર જોરથી લાત મારતાં તે દીવાલ સાથે અથડાઈ હતી અને માથામાં ગંભીર ઈજાઓ થતાં મોત તેનું નીપજ્યું હતું. (હેનીલની તેની અસલી માતા જયાબેન પરમાર સાથેની ફાઇલ તસવીર.)

હારીજ પોલીસે આ અંગે આકસ્મિક મોતની નોંધ કરી હતી તેમજ પુત્રીની જન્મદાતા માતા પાલનપુર રહેતી હોવાથી ત્યાં મૃતક દીકરીને લઇ જઈને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની ચોકાવનારી વાત એ છે કે, આજદિન સુધી ફરિયાદ નોંધવામાં આવી ન હતી. છ માસના બનાવ બાદ હારીજ પોલીસે પીએમ રિપોર્ટ આધારે બાળકીની સાવકી માતા અને પિતા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આખરે આ મામલે હત્યાનો ગુનો નોંધાતા બાળકીની જન્મદાતા જયાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું કે, ઘટના બન્યા પછી વારંવાર હારીજ પોલીસ મથકે તપાસ કરવા છતાં ન્યાય મળતો નહોતો. છેલ્લે પીએમ રિપોર્ટ નીલ આવ્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેમણે બંને પુત્રીને આરોપીઓ પાસેથી પાછી લઈ પોતાની પાસે રાખી લીધી હતી. દરમિયાન પાટણ જિલ્લાના પોલીસ વડાને રજૂઆત કરતાં તેમણે પીએમ રિપોર્ટ સહિતના કાગળો મગાવી તપાસ કરાવતાં રિપોર્ટમાં આંતરડાંમાં ઇજા હોવાનું સામે આવતાં બંને આરોપીઓ સામે ગુનો નોંધી મને ન્યાય અપાવ્યો છે.

You cannot copy content of this page