‘મારે તારી પત્ની સાથે પ્રેમ સંબંધ છે, અમારી બંનેની વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશ’

વડોદરામાં ચાર સંતાનની માતાને પડોશી સાથે પ્રેમ થઈ ગયો. જે અંગે મહિલાના પતિને જાણ થઈ જતા પ્રેમીએ પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ફરિયાદના આધારે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી ચાર સંતાનની માતાને પડોશી સાથે આંખો મળી જતાં પ્રેમ થઇ ગયો. બંને અવારનવાર છૂપાઈને મળતા હતા. પરંતું મોડે મોડે પણ પતિને તેમના પ્રેમ સંબંધની જાણ થતાં પ્રેમીએ મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વડોદારા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા રમેશ કુમારે(નામ બદલ્યુ છે) પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 21 વર્ષ અગાઉ તેમના લગ્ન બિહારમાં રહેતા કમલા દેવી(નામ બદલ્યુ છે) સાથે સમાજના રીતિ રિવાજ મુજબ થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને ચાર સંતાન થયા છે. પતિને તેની પત્ની પર ખૂબ વિશ્વાસ હતો. પરંતુ આ વિશ્વવાસનો અંત ત્યારે આવ્યો જ્યારે તેને જાણ થઈ કે તેની પત્ની તો પાડોશીના પ્રેમમાં છે. પડોશી પ્રેમ પ્રકાશ રામ અને કમલા દેવી વચ્ચે ચક્કર લાંબા સમયથી ચાલી રહ્યું હતું. પરંતુ પતિને જાણ નહોતી. જ્યારે તેમને જાણ થઈ ત્યારે રમેશ કુમારે કમલા દેવી અને પ્રેમ પ્રકાશ રામને એક સાથે બેસાડીને સમજાવ્યા હતા. પરંતુ, સમજાવટની કોઈ અસર થઈ નહોતી અને તેમની વચ્ચે સંબંધ ચાલુ રહ્યો હતો.

બે દિવસ અગાઉ રમેશ કુમાર નોકરી પર હતા, તે દરમિયાન પ્રેમ પ્રકાશે ફોન કરી જણાવ્યું હતું કે, મારે તારી પત્ની સાથે પ્રેમ સંબંધ છે અને જો તું અમારી બંનેની વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશ. આ ધમકી આપવાની સાથે પ્રેમ પ્રેમ પ્રકાશે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. રમેશ કુમારની ફરિયાદના આધારે માંજલપુર પોલીસે પ્રેમ પ્રકાશ વિરૂદ્ધ ધાક-ધમકી સહિતની કલમો મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.