Only Gujarat

Gujarat

યુવતીએ સરાજાહેર દેખાડ્યો ‘નારી શક્તિ’નો પરચો, યુવક બચવા માટે આજીજી કરતો રહ્યો

રાજકોટ: સખત કાયદા છતાં પુરુષો દ્વારા મહિલાની છેડતીના કિસ્સાઓ અટકતા નથી. જોકે હવે યુવતીઓ પણ ધીમે-ધીમે ‘મર્દાની’ બની રહી છે. યુવતીઓ દ્વારા રોમિયોની જાહેરમાં ધોલાઈના બનાવો પણ હવે સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં ભરરસ્તે એક યુવતીએ એક યુવકની કોલર પકડીને તેમજ હાથ મરડીને ધોલાઈ કરી હતી. આ અંગેનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કોટેચા સર્કલ પાસે ફોર વ્હીલરમાં નીકળેલા મોરબીના ત્રણ યુવકોએ એક્ટિવા પર જતી એક યુવતીની છેડતી કરી હતી. જેથી ઉશ્કેરાયેલી યુવતીએ કાર આગળ એક્ટિવા ઉભું રાખી ‘નારી શક્તિ’નો પરચો દેખાડ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ યુવકોએ ‘તમારા એક્ટિવાનું ટાયર ગોળ ગોળ ફરી રહ્યું છે’ એમ કહી યુવતીની મજાઉ ઉડાવી છેડતી કરી હતી. આથી યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણે ચાલુ કારની આગળ પોતાનું એક્ટિવા ઉભું રાખી દીધું હતું.

બાદમાં કારમાં બેઠેલાં જે યુવકે યુવતીની છેડતી કરી હતી તેને કારમાંથી નીચે ઉતાર્યો હતો. જેવો યુવક કારમાંથી નીચે ઉતર્યો યુવતીએ તેનો કોલર પકડીને માથાની પાછળ એક-બે લાફા ઝીંકી દીધા હતા.

યુવકે જેમ જેમ યુવતીની ચુંગલમાંથી છટકવા જતો હતો તેમ તેમ યુવતીએ ફરી યુવકનો હાથ પકડીને ધોલાઈ કરી હતી. યુવક બચવા માટે યુવતી સમક્ષ આજીજી કરતો રહ્યો હતો.

આ અંગે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશમાં કાર્યરત દુર્ગા શક્તિ ટીમને જાણ કરવામાં આવતા તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાં બેઠેલાં ત્રણેય નબીરાઓને પકડી લીધા હતા.

યુવતી સરાજાહેર જ્યારે યુવકની ધોલાઈ કરી રહી હતી ત્યારે ઘટનાસ્થળે હાજર ભીડમાંથી કોઈએ આ ઘટનાક્રમ મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જે બાદમાં સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો હતો.

You cannot copy content of this page