Only Gujarat

Gujarat

મહિલાએ 10થી વધુ ગાડીઓને નિશાન બનાવી પથ્થર માર્યા, ઘણાને નાની-મોટી ઈજા

વડોદરા શહેરના ચકલી સર્કલ પર એક માનસિક વિકલાંગ મહિલાએ આખો રોડ એવો માથે લીધો કે બધા દોડતા થઈ ગયા. વાત એમ છે કે ચકલી સર્કલ પર રાબેતા મુજબ ટ્રાફિક પસાર થઈ રહ્યો હતો. તે સમયે લોકોના વાહનો પર પથ્થરોમારો શરૂ થયો. તેને લઈને વાહનો થોડી વાર માટે થંભી ગયા.

બીજી તરફ ટ્રાફિક પોલીસ પણ પથ્થરમારાને જોઈ ચોંકી ઉઠી. પોલીસે જોયું તો એક મહિલા પથ્થરોનો વરસાદ વરસાવી રહી હતી. આ મહિલાને રોકવા માટે પોલીસ તેની તરફ દોડી ગઈ. પોલીસ આ મહિલાને કઈ સમજાવે તે પહેલા તો મહિલાએ ટ્રાફિકની મહિલાકર્મીને માથાના ભાગ પર પથ્થર મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત મહિલાકર્મીને સારવાર માટે 108 એમ્બ્યૂલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, મહિલાને આખરે પકડીને બાજુમાં બેસાડી દેવામાં આવી હતી. તે માનસિક રીતે બીમાર હોવાનું બહાર આવ્યું છે. આ મહિલા અચાનક ક્યાંથી આવી તે વિશે કોઈને જાણ નથી. જેથી તેને તે સ્થળે બેસાડીને કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. એક વાહનચાલકે જણાવ્યું હતું કે, મહિલાએ માનસિક સંતુલન ગુમાવ્યું હોવાથી તે વાહનો અને લોકોને પથ્થર મારી રહ્યા હતા. જેથી તેમને લોકોએ પકડી અટકાવ્યા હતા. પરંતુ ટ્રાફિક પોલીસના મહિલા કર્મચારીને પથ્થર મારી દેતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિકોનું માનીએ તો મહિલાએ આશરે 10 ગાડીઓને નિશાન બનાવી પથ્થર માર્યા હતા. કોઇ કારણ વગર આવતા જતા લોકોને પથ્થર મારતા હતા. જેમાં અમુક લોકો નાની ઈજાનો ભોગ પણ બન્યા છે. આ મહિલાના પરિવારજનોને શોધવા માટે સ્થાનિક પોલીસે તજવીજ હાથ ધરી છે.

You cannot copy content of this page