Only Gujarat

Business TOP STORIES

કેરીનું અથાણું થયું દુનિયાભરમાં લોકપ્રિય, ‘અમ્મા કી થાલી’એ આ રીતે બનાવી અલગ ઓળખ

ભારતમાં લગભગ દરેક ઘર-પરિવારમાં એક મહિલા એવી હોય છે, જેના હાથનો સ્વાદ વખણાતો હોય છે. આ મહિલાને તમે કોઈપણ વ્યંજન બનાવવા માટે કહો, ઝડપથી બનાવી તમને પીરસી દે છે. ઉત્તર પ્રદેશના જોનપુરમાં રહેતાં શશિકલા ચોરસીયાની ગણતરી પણ પાકકલામાં પારંગત મહિલાઓમાં થાય છે. પાંચમું ધોરણ પાસ શશિકલાના હાથમાં અનોખો જાદુ છે. હંમેશા ઘરની ચાર દીવાલોમાં ઘર-પરિવારને સંભાળતા શશિકલાએ ગત ચાર-પાંચ વર્ષ પહેલા એવું વિચાર્યું હતું કે તેમને દેશ-વિદેશના લોકો પણ ઓળખશે. આજે હજારોની સંખ્યામાં લોકો તેમની પાકકલા વિશે જાણીને તેમાંથી શીખી રહ્યા છે. આ કમાલ યૂટ્યુબ અને સોશિયલ મીડિયા દ્વારા થયો છે.

શશિકલા ચોરસિયા યૂટ્યુબ અને સોશિયલ મીડિયા પર પોતાની કુકિંગ ચેનલ ‘અમ્મા કી થાલી’ માટે ફેમસ છે. તેમની ચેનલને ભારતીયો જ નહીં પણ અન્ય દેશના લોકો પણ ફોલો કરી રહ્યા છે.

શશિકલાએ કહ્યું કે, ” હું ઉત્તર પ્રદેશના એક નાના ગામ રાખવાથી છું. મારા લગ્ન ખૂબ જ નાની ઉંમરમાં થઈ ગયા હતા. અમારા સમયમાં છોકરીઓને ભણવા-ગણવા કરતા ઘરના કામકાજ શીખવા પર વધારે ભાર આપવામાં આવતો હતો. લગ્ન પછી સાસરીમાં આવ્યા બાદ મેં રસોઈની જવાબદારી સંભાળી લીધી હતી. હું મારી માતા પાસેથી ઘણી બધી રીતના અથાણા બનાવવાનું શીખી હતી. આ પછી મારા સાસુએ મને અલગ અલગ રીતના વ્યંજન બનાવતા શીખવાડ્યું હતું. રસોઈ બનાવવાનો શોખ પહેલેથી હતો. હું અલગ અલગ વસ્તુમાંથી કંઈ પણ નવું બનાવી શકું છું, પણ બહારની દુનિયા સાથે મારે કોઈ લેવાદેવા નથી. ”

દીકરાના આઈડિયાએ માને આપી ઓળખ
ચોરસિયા પરિવારની તેમના શહેરમાં ખૂબ જ જૂની મીઠાઈની દુકાન છે. પણ રસોઈ બનાવવામાં પારંગત હોવા છતાં એવું ક્યારેય ન થયું કે શશિકલાએ દુકાનમાં દખલ દીધી હોય. કેમ કે તેમના સમાજમાં મોટાભાગની મહિલાઓ ઘરની જવાબદારી સંભાળતી હોય છે. એટલા માટે શશિકલાની પાકકલા તેમના ઘર સુધી જ સીમિત હતી. તેમનું સંપૂર્ણ ધ્યાન તેમના બાળકોના ભરણ પોષણમાં જ હતું. તેમને ત્રણ દીકરા અને એક દીકરી છે. તેમનો સૌથી મોટો દીકરો ચંદન ચોરસિયા બીટેક ગ્રેજ્યુએટ છે.

ચંદન એ જણાવ્યું કે, ” સ્ટડી અને નોકરી માટે હું ઘરની બહાર રહ્યો હતો. એટલે ઘણી વસ્તુ વિશે વધુ સમજણ મળી હતી. દેશમાં જિયો લોન્ચ થતાં સસ્તુ ઇન્ટરનેટ મળવા લાગ્યું હતું. આ પછી ગ્રામીણ વિસ્તારના લોકો પણ સોશિયલ મીડિયા અને યુટ્યુબ વિશે માહિતગાર થવા લાગ્યા હતા. અમે પણ ઘણી વાર જોયું કે આજકાલના લોકો પોતાની આવડત દ્વારા યુટ્યુબ પર ચેનલ બનાવી નામ અને પ્રશંસા મેળવી રહ્યા છે. આ પછી અમને વિચાર આવ્યો કે અમારી અમ્મા ખૂબ જ સરસ રસોઈ બનાવે છે. ઘરના સભ્યો તેમના રસોઈના વખાણ કરતા થાકતા નથી. તો કેમ અમ્માની કલાને યુટ્યુબ પર લાવી શકાય?

શશિકલાને તેમના દીકરાએ જ્યારે આ આઈડિયા જણાવ્યો તો પહેલાં તે ખૂબ જ વિચારમાં પડી ગયા હતાં. કેમ કે, તે કેમેરા સામે સહજ નહોતા થઈ શકતાં હતાં. એવામાં કેમેરા સામે બોલવું અને લોકોને જણાવવું તે ખૂબ જ મુશ્કેલ હતું. તેમને અચકાતા જોઈ ચંદને નક્કી કર્યું કે તે માત્ર રેસિપી જ બનાવશે. વીડિયોમાં તેમનો ચહેરો દેખાશે નહીં. તેમણે પોતાના ઘરના સભ્યો સાથે આ વાત કરી અને બધાએ વિચાર્યું કે એકવાર ટ્રાય કરવામાં આવે. ચેનલના નામ વિશે ચંદને જણાવ્યું કે, ” એક દિવસ અમ્માએ મને થાળી તૈયાર કરીને આપી ત્યારે અચાનક મારા મગજમાં ચૅનલનું નામ આવ્યું અને પછી અમે ચૅનલનું નામ અમ્મા કી થાલી રાખી દીધું હતું. ”

તેમણે વધુમાં જણાવ્યું કે, ” 8 નવેમ્બર 2017માં તેમણે ચૅનલ પર પહેલો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં શશિકલાએ બૂંદીની ખીર બનાવી હતી. જોકે, તેમના પહેલાં વીડિયોને વધારે પ્રતિક્રિયા મળી નહોતી. શરૂઆતમાં ચંદન અને તેમના ભાઈ એમઆઈ નોટ 4 મોબાઇલથી વીડિયો બનાવી જૂના લેપટોપમાં થોડું ઘણું એડિટ કરતાં હતાં. લગભગ પાંચ-છ મહિના સુધી આવું ચાલતું રહ્યું. ચંદન વીડિયો રેકોર્ડ કરતો અને તેનો ભાઈ એડિટિંગ કરતો હતો અને સૌથી નાનો ભાઈ, પંકજ પોતાની મમ્મી સાથે મળીને રેસિપી તૈયાર કરવામાં મદદ કરતો હતો. ”

કેરીના અથાણાનો વીડિયો થયો ફૅમસ
લગભગ 6 મહિના સુધી તેમને લોકોની ખાસ પ્રતિક્રિયા મળી નહોતી. ચંદનની સ્ટડી ચાલુ હતી એટલે વીડિયો બનાવવાનું કામ તેણે પોતાના ભાઈ પંકજને સોંપી દીધું હતું. આ દરમિયાન કેરીના અથાણા બનાવવાની સિઝન આવી ત્યારે શશિકલાએ તૈયારી શરૂ કરી દીધી હતી. શશિકલાને તૈયારી કરતાં જોઈ પંકજે વીડિયો શૂટ કરવાનું શરૂ કરી દીધું હતું. લગભગ 15 દિવસની મહેનતે તેમણે આ વીડિયો શૂટ કર્યો હતો.

આ વીડિયો પોસ્ટ કર્યા પછી અમ્મા કી થાલી ચૅનલના ફોલોઅર્સ વધવા લાગ્યા હતાં. આ વીડિયોમાં તેમને ઘણાં લોકોની પ્રતિક્રિયા મળી હતી. આ પછી, એકવાર ફરી ત્રણેય ભાઈઓનો વિશ્વાસ વધ્યો હતો. શશિકલાએ કહ્યું કે, ‘‘ વીડિયો બનાવવાનું કામ હું ખુદથી વધારે પોતાના બાળકોની માટે કરું છું. મારા બાળકો આનાથી ખુશ છે, તે મારા માટે મોટી વાત છે. મારા દીકરા અલગ-અલગ તહેવાર મુજબ વ્યંજનની રેસિપી તૈયાર કરવા માટે કહે છે, જે હું કરું છું. જોકે, મને અલગ અલગ જમવાનું બનાવવાનો શોખ છે. ’’

છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં અમ્મા કી થાલી ચૅનલમાં 15 લાખથી વધુ ફોલોઅર્સ જોડાઈ ગયાં છે. ચંદને કહ્યું કે, ‘‘ જેમ જેમ અમ્માના વીડિયો ફૅમશ થયાં તેમ લોકો કોમેન્ટ્સમાં અમ્માનો ચહેરો બતાવવા માટે કહેવા લાગ્યા હતાં. પણ અમ્મા કોઈ અજાણ્યા સાથે વાત કરવામાં અચકાતા હતાં. એવામાં તેમનું કેમેરાની સામે આવવું ખૂબ જ મુશ્કેલ હતું. પણ જ્યારે ચૅનલ પર 10 લાખથી વધુ સબસ્ક્રાઇબર થઈ ગયા તો અમે ભાઈઓએ ખૂબ જ જિદ કરી અમ્માનો એક ફોટો ક્લિક કર્યો અને ધન્યવાદ કહી પોસ્ટ કર્યો. ’’

વિદેશના લોકો પણ ફોલો કરે છે
શશિકલાએ કહ્યું કે, ‘‘ તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે, ઘરની બહાર તેમની અલગ ઓળખ હશે. પણ દીકરાની મહેનતે બધું કરી દીધું છે. આજે બીજા દેશના ઘણાં લોકો જેમ કે પાકિસ્તાન, દુબઈ, ફિઝી અને યૂએસના લોકો પણ તેમની રેસિપીના વીડિયો જોઈ રહ્યા છે. ઘણાં લોકો તેમને સોશિયલ મીડિયા પર મેસેજ પણ કરે છે અને ખાવા-પીવા અંગે સલાહણ પણ લે છે. ચંદને જણાવ્યું કે, યુટ્યૂબ તરફથી તેમને સિલ્વર બટન અને ગોલ્ડ પ્લે બટન પણ મળ્યું છે. ફેસબુક તરફથી પણ તેમને ઘણાં ઉપહાર મળ્યા છે. સાથે જ, અત્યારે દર મહિને તે 50 હજાર સુધીની કમાણી કરી લે છે. ’’

શશિકલા કહે છે કે, ‘‘ હવે મારા પિયરના ઓળખિતા લોકો પણ ફોન કરીને શુભેચ્છા આપે છે અને કહે છે કે, તમે સારું કરી રહ્યા છો. કેવી રીતે તમે આટલું બધું કરી લો છો? આ સાંભળીને ખૂબ જ ખૂશી થાય છે કે, મારી આવડત લોકો સુધી પહોંચી રહી છે. જે કંઈ પણ મળ્યું છે તે મારા દીકરાને લીધે મળ્યું છે. ’’

ચંદને કહ્યું કે, ‘‘ તેમણે થોડાંક સમય પહેલાં યુટ્યુબ શૉટ્સ વીડિયોની પણ શરૂઆત કરી છે. જેમાં તેમને સારી પ્રતિક્રિયા મળી રહી છે. ઘણાં લોકો તેમને ફેસબુક પર લાઇવ થવાનું પણ કહે છે. પણ ચંદનનું કહેવું છે કે, જ્યાં સુધી તેમની અમ્મા કૅમેરા સામે આવવા માટે સહજ ના થઈ જાય ત્યાં સુધી તે આ રીતે જ વીડિયો બનાવતાં રહેશે. ’’

ચંદને કહ્યું કે, ‘‘ અમે લોકો જે કરી રહ્યા છીએ તે અમ્માની આવડતને લીધે કરી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ અમ્માની આ આવડતને વધુ આગળ લઈ જવાનો છે. અમ્માએ હંમેશા પોતાના પરિવાર માટે ઘણું બધું કર્યું છે હવે અમે ઇચ્છીએ છીએ કે, તેમની પોતાની એક ઓળખ હોય. આવનારા સમયમાં અમારો પ્રયત્ન રહેશે કે, અમે અમ્માને લાઇવ કુકિંગ માટે મનાવી લઈએ. અત્યારે અમે રસોઈ ઘર અને એક સ્ટૂડિયો તૈયાર કરી રહ્યા છીએ. જેથી અમે ક્વોલિટી વધારી શકીએ.’’

Photo Source: Facebook

You cannot copy content of this page