Only Gujarat

Gujarat

અમદાવાદમાં કેમિકલ કંપનીના માલિકે ધંધામાં ખોટ આવતા દારૂ વેચવાનું શરૂ કર્યું

લૉકડાઉનના કારણે કંપની ખોટમાં ગઈ તો અમદાવાદના એક ઉદ્યોગપતિએ દારુ વેચવાનો ધંધો શરૂ કરી દીધો. આ કંપની વર્ષે આઠ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરતી હતી. પરંતુ લૉકડાઉનના કારણે ધંધામાં ખોટ જતા તેના સંચાલકે દારૂ વેચવાના ધંધામાં ઝંપલાવ્યું. મહારાષ્ટ્રથી દારૂની લાખો રૂપિયાની કિંમતનો દારુ લઈને વેપારી આવી રહ્યો ત્યારે પોલીસે વેપારીની વલસાડ પાસેથી ધરપકડ કરી લીધી. આરોપી રાહુલ દીપક શાહ અમદાવાદના અદાણી શાંતિગ્રામમાં રહે છે અને પીરાણા પાસે કેમિકલ કંપની ધરાવે છે.

આ બનાવની વિગત એવી છે કે, વલસાડ ગ્રામ્ય પોલીસ વોચમાં હતી તે સમયે તેને બાતમી મળી હતી કે, મુંબઈથી અમદાવાદ તરફ જતી કારમાં દારૂનો જથ્થો ભરીને અમદાવાદ તરફ જઈ રહી છે. પોલીસે ગુંદલાવ બ્રિજ પાસેથી કારને અટકાવી તેમાં તપાસ કરતા કારમાંથી 278 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારમાંથી સવા ચાર લાખની કિંમતનો દારુ મળી આવતા પોલીસને પહેલા લાગ્યું કે દારૂ લઈને આવનાર કોઈ બુટલેગર હશે. તેથી તેમણે કારચાલક રાહુલ દીપક શાહ (રહેવાસી-મીડોસ, અદાણી શાંતિગ્રામ)ની પૂછપરછ કરી હતી.

પ્રાથમિક પૂછપરછ કરતા રાહુલ ઉદ્યોગપતિ હોવાનું બહાર આવ્યું. અમદાવાદના સના મસ્જિદ પીરાણા રોડ પર અનિશ ઓર્ગોનિક નામની કેમિકલ કંપનીનો સંચાલક હોવાનું જાણમાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, તેની કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર આઠ કરોડ રૂપિયા હતું. પરંતુ નોટબંધી, GST અને ત્યારબાદ લૉકડાઉનના કારણે કંપની ખોટમાં ચાલતી હતી. મહારાષ્ટ્રના દારૂની અમદાવાદમાં માગ વધારે હોવાથી દારૂ છૂટક વેચાણ કરવા લઇ જતો હતો. વલસાડ રૂરલ પોલીસે આરોપી રાહુલ શાહની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પહેલો કિસ્સો નથી કે કોઈ લોકડાઉના કારણે અવળા પાટે ચડી ગયું હોય. કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં હાલમાં મંદી ચાલી રહી છે. ઘણા લોકોના રોજગાર છીનવાઈ ગયા છે અને વેપાર-ધંધાને ઘણી માઠી અસર પહોંચી છે. તેવામાં આવક મેળવવા માટે લોકો ખોટા રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં જ ફોટોગ્રાફીનો ધંધો ઠપ થતાં કારમાં દારૂની ખેપ મારવા નીકળેલી બે યુવતી વલસાડમાંથી જ ઝડપાઈ ગઈ હતી.

લોકડાઉનના કારણે ફોટોગ્રાફીનો યુવતીનો વ્યવસાય ઠપ થઈ ગયો હતો અને તે આર્થિક ભીંસમાં આવી ગઈ હતી. ઘરની જરૂરીયાતની વસ્તુઓ અને કારના હપ્તા ચૂકવવામાં મુશ્કેલી નડતા તેમણે દારૂની ખેપ મારીને રૂપિયા કમાવવાનું નક્કી કર્યું હતું. જે મુજબ બંનેએ મહારાષ્ટ્રથી દારૂ લાવીને અમદાવાદ વેચવાની યોજના બનાવી હતી. પરંતુ તેમને વલસાડ પોલીસે ઝડપી લીધી હતી.

You cannot copy content of this page