Only Gujarat

Gujarat

જાણો કેવી રીતે તૈયાર થાય છે દેશી ગોળ? વીડિયોમાં જુઓ એકદમ સરળ રીત

કેસર કેરીની માફક ગીર વિસ્તારની પ્રખ્યાત ખાદ્ય સામગ્રીમાં દેશી ગોળનું નામ પણ મોખરે આવે છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં દર વર્ષે દેશી ગોળ બનાવવાના રાબડા એટલે કે મિની ફેક્ટરી ધમધમી ઉઠે છે. દેવ દિવાળીથી ગીરમાં ગોળ બનાવવાના રાબડા શરૂ થઇ ગયા છે અને ટૂંક જ સમયમાં આ દેશી ગોળ બજાર મારફતે ઘર-ઘર સુધી પહોંચતો થશે.

આ વર્ષે શરૂ થયેલ સીઝનમાં જિલ્લાના ત્રણ તાલુકામાં 250 જેટલા ગોળાના રાબડાઓ શરૂ થઇ ગયા છે. જેમાંથી અંદાજે 18 લાખ ડબ્બા દેશી ગોળનું ઉત્પાદન થવાની શક્યતા છે. રાબડાઓમાં શેરડીઓને પીલીને તેનો રસ કાઢવાનું તથા ભઠ્ઠીમાં રસ ઉકાળીને તેમાં ભીંડી ભેળવીને ગોળ બનાવવાનું કામ પૂર જોશમાં ચાલુ છે. ગીર પંથકમાં શેરડીનું પુષ્કળ વાવેતર થતું હોય શેરડીમાંથી ખાંડ અને ગોળનું ગીરમાં પુષ્કળ ઉત્પાદન થાય છે.

હવે તેમને જણાવીએ કે, દેશી ગોળ કેવી રીતે બને છે. સૌ પ્રથમ તો ખેતરમાં ઉગતી શેરડીના પાકને ઉતારી રાબડા સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાં શેરડીને યોગ્ય રીતે સાફ કરીને તેમાંથી વિપુલ પ્રમાણમાં રસ કાઢવામાં આવે છે.

ત્યારબાદ રસને ઊંચા તાપમાને લાંબા સમય સુધી તપાવવામાં આવે છે. જેથી શેરડીના રસનું ગોળમાં રૂપાંતર થાય છે. ત્યારબાદ આ ગોળને જુદા-જુદા માપના ડબ્બાઓમાં ભરીને વેચાણ માટે બજારમાં મોકલવામાં આવે છે.

હાલ તાલાલા તાલુકાના બોરવાવ, સુરવા, માધુપુર, ભીમદેવળ, અનિડા, ઉમરેઠી, ઘુંસિયા સહિતના ગામોમાં ગોળના રાબડા શરૂ થતાં શેરડીનું પિલાણ કરી તેમાંથી ખુશ્બુદાર કેસર ગોળનું ઉત્પાદન થવા લાગ્યું છે.

રાબડા સંચાલકો શેરડી ઉત્પાદન ખેડૂતો પાસેથી 1800થી 2100 રૂપિયાની ટનના ભાવે શેરડી ખરીદી કરી ગોળનું ઉત્પાદન કરી રહ્યા છે. ગીરમાં સરેરાશ 100 જેટલા રાબડાઓમાં એવરેજ 18 હજાર ડબ્બા ગોળનું ઉત્પાદન થતું હોય ત્રણ માસમાં ગીરમાંથી 18 લાખ ડબ્બા ગોળનું ઉત્પાદન થવાનો અંદાજ છે.

ગીરમાં ઉત્પાદન થતા દવા વગરના દેશી ગોળની ખાવાવાળા વર્ગમાં વધુ ડિમાન્ડ હોય છે. ગોળમાં ફર્સ્ટ અને સેકન્ડ નંબરની કવોલિટીના ગોળનો ખાવા વધુ ઉપયોગ થાય છે, બારેમાસ સાચવી શકાય અને સ્વાદ, સુગંધ અકબંધ રહે તે માટે દેશી ગોળની ડિમાન્ડ વધી છે. ગીર પંથકમાં શીયાળા રૂતુમાં ઘમઘમતા દેશી ગોળના રાબડાઓ થકી અંદાજે 15 હજારથી વઘુ શ્રમીકો રોજગારી મેળવે છે.

You cannot copy content of this page