Only Gujarat

Gujarat

હત્યા બાદ કિશન ભરવાડના ઘરમાં અને ગામમાં કેવો છે માહોલ? હાલ જ જાણો

કિશન ભરવાડની હત્યાનું ગ્રાઉન્ડ ઝીરો ભલે ધંધુકાનો મોઢવાડા વિસ્તાર હોય પણ આજે કિશનને મળવા આવનારાઓ માટે વતન ચચાણા ખાતેનું ઘર જ ગ્રાઉન્ડ ઝીરો છે. રોજ સંખ્યાબંધ લોકો કિશનને શ્રદ્ધાંજલિ પાઠવવા આવે છે. આદમકદની કિશનની તસવીર પાસે તેના પિતા હાથ જોડીને સૌની સંવેદના સ્વીકારે છે. લોકો એક- બેની સંખ્યામાં તો અમુક લોકો પોતાના ગ્રૂપ સાથે આવી રહ્યાં છે, તેને પુષ્પાંજલી આપી રહ્યાં છે, અને કિશનના ફોટો સાથે સેલ્ફી પણ લઇ રહ્યાં છે. પરિવારના લોકો આવનારા લોકો માટે પાણી અને ચા પીરસી રહ્યાં છે.

ધંધુકા – લિંબડી હાઇવે પર ચચાણા ગામમાં પ્રવેશતાની સાથે બાજુમાંથી એક નાનો ધુળીયો રસ્તો કિશનના મુળ ઘર એટલે કે ખેતીની વસ્તુ રાખવા માટેના વરંડા સુધી જાય છે, આજ વરંડો આજકાલ ધાર્મિક અને રાજકીય નેતાઓની અવરજવરનું કેન્દ્ર બન્યો છે. અહીં નાનકડી ઓરડી જ છે. વરંડામાં પ્રવેશતા એક તરફ મહિલાઓનાં ડૂસકા, રુદન સંભળાય છે. જુવાનજોધ દીકરાનું આ રીતે થયેલું મૃત્યુ કોઈની પણ આંખો ભીની કરે એ સ્વાભાવિક છે.

મહિલાઓ જે ઓસરીમાં બેઠી છે તેની પાછળ એક નાની ઓરડી જેવો એક રૂમ છે, જ્યાં કિશનની પત્ની બેહોશ અવસ્થામાં છે. હજુ પ્રસૂતિની પીડાની કળ વળી ન હતી ત્યાં તેમનાં માથે આભ તૂટી પડ્યું. સ્વજનોના સતત સધિયારા છતાં પણ તેમનું આક્રંદ અટકતું નથી. તેમની સ્થિતિ ખરાબ રહેવાને કારણે એકાદવાર હોસ્પિટલ પણ લઇ જવાની ફરજ પડી હોવાની પણ ચર્ચા જોવા મળી હતી. જ્યારે પણ હોશમાં આવે છે ત્યારે તે સતત પતિને યાદ કરીને કંઇક બોલ્યા કરે છે, રડે છે અને ફરી હોશ ગુમાવે છે.

તેમની બાજુમાં દુનિયાના સુખ – દુ:ખ, વેરભાવથી અજાણ એક 22 દિવસની ફૂલ જેવી દીકરી સૂઇ રહી છે. પોતાની માતાની તબિયત સારી ન હોવાથી અત્યારે ફોઈ તેને સાચવે છે. પરિવારની મહિલાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આવનારા લોકોથી બાળકીને દુર રાખવામાં આવે, કારણ કે તેઓને પણ બાળકીના ઇન્ફેક્શનનો ડર છે. છતાં આવનારા લોકો બાળકીને તેડે છે, તેને પોતાના ખોળામાં મૂકે છે, બાળકીને ભેટસોગાદો પણ આપે છે. હાલમાં તો બાળકીને કોઇ પ્રશ્ન નથી, પરંતુ જ્યારે તે મોટી થશે ત્યાં તેના પહાડ જેવા મોટા સવાલોના જવાબ આપવા કોણ આગેવાનો હશે એ સવાલનો જવાબ અત્યારે કોઈની પાસે નથી.

ત્યાંથી થોડા આગળ વધો એટલે એક સફેદ મંડપમાં કિશનનું મોટી સાઇઝમાં પોસ્ટર લગાવ્યું છે, તેની નીચે એક ખુરશી પર તેના ફોટોની સામે ગુલાબની પાંખડીઓ વિખેરાયેલી છે અને અગરબત્તી સળગી રહી છે. તેના ફોટાની આસપાસ તેના પિતા અને કુટુંબના સભ્યો બેઠા છે. જે આવનારા લોકોને સાંત્વના આવી રહ્યાં છે. વિવિધ સંપ્રદાયના સંતો- મહંતો કિશનના પિતાને સાંત્વના આપી રહ્યાં છે. માત્ર સ્વજનો, પરિચિતો જ નહીં પણ આ ઘટનાથી હચમચી ગયેલા અનેક લોકો માત્ર કિશનના પરિવાર પ્રત્યે સંવેદન વ્યક્ત કરવા દૂર-દૂરથી આવે છે.

આવનારા મહાનુભાવો અને મહેમાનોને કિશનના પિતા એક જ વાત વારંવાર કહી રહ્યા છે કે ‘બધી વાતે સમાધાન થઈ ગયું હોવા છતાં એ લોકોએ મારા દીકરાને મારી નાખ્યો.’ આ એક વાતનો વસવસો પિતાને જીવનભર ડંખ્યા કરશે. ચચાણા સ્થિત કિશનના એ વરંડામાં પરિવારના દુ:ખમાં સહભાગી થવા આવનાર લોકોની વાત કિશનના પિતા શાંતિથી સાંભળે છે. હાથ જોડીને સૌનો આભાર માને છે. તેઓ કોઈ ફરિયાદ કરતા નથી કે કશું માગતા નથી. અંદર પહાડ જેવા દુ:ખની પીડાને ધરબીને પણ તેઓ લોકોનું અભિવાદન કરે છે.

કિશન ભરવાડ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતો. તેના વિવિધ સોશિયલ મિડીયા એકાઉન્ટમાં તેના એક લાખ પાંચ હજાર કરતા પણ વધુ ફોલોઅર્સ છે. કિશનના મિત્રોની સાથે જ તેના ઘરના લોકો પણ માને છે કે લોકો માટે કિશન સેલિબ્રિટી હતો. કિશનના મિત્રોના જણાવ્યા પ્રમાણે, કિશન જો રસ્તા પર ઉભો રહેતો અને રૂમાલ કાઢે તો સેલ્ફી લેવા ઇચ્છતા લોકોનું ટોળંુ જામી જતું. ત્યાં સુધી કે અમદાવાદના પણ અમુક વિસ્તારોમાં લોકો ચાર રસ્તા પર જોઇ જાય તો કિશન સાથે સેલ્ફી લેવા આવતા હતા.

કિશન ભરવાડની 22 દિવસની દીકરીના નામે સમાજ અને અન્ય આગેવાનો દ્વારા તેના અભ્યાસ માટે રકમ આપવામાં આવી રહી છે. આ રકમ માટે ખાસ કિશનની પત્ની અને દીકરીના નામે એક બેંક એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. પરંતુ આ તમામ બાબતોની વચ્ચે કિશનના પિતા બેંક એકાઉન્ટ અને ડોનેશન સ્વીકારવાનો ઈનકાર કરે છે. તેઓ કહે છે કે‘ઠાકરે ઘણું આપ્યું છે, કોઇનું ડોનેશનલ લેવાની જરૂર નથી.’ પરંતુ સમાજના આગેવાનો વારંવાર કિશનની પત્ની અને દીકરીને નામે બેંક એકાઉન્ટ ખોલવા જણાવી રહ્યાં છે. એવું પણ બને કે કિશન ભરવાડના નામે આવનારા સમયમાં કોઇ ટ્રસ્ટ શરૂ કરવામાં આવે.

કિશનના મિત્રોના જણાવ્યા મુજબ, કિશન પહેલાથી જ હંમેશા સેવાભાવી હતો. જરૂરિયાતમંદ, રસ્તા પર રખડતા નિરાધાર લોકોને જમાડવામાં તે પ્રભુની સેવા માનતો. કોરોના દરમિયાન તો તેણે ઘણા લોકોને ભોજન પૂરુ પાડ્યું હતું. એ ત્યાં સુધી તેની પત્નીએ દીકરીને જન્મ આપ્યો એ પછી ઘરે આવીને તેણે પોતાના વિસ્તારમાં રહેતા બીમાર ગલુડિયાને યાદ કર્યા અને તેમના માટે દવા અને ભોજન મગાવ્યું હતું. પાંચમાંથી ચાર ગલુડિયા બચી નહીં શક્યાનો અફસોસ કિશન વારંવાર વ્યક્ત કરતો.

કિશનના મિત્રો જણાવે છે કે વીડિયોને કારણે કિશનની હત્યા થઇ હતી, તે વીડિયો તેનાથી અજાણતા અપલોડ થયો હતો. કિશન ક્યારેય મારામારી-ઝઘડામાં માનતો ન હતો. તે મિત્રોને પણ સલાહ આપતો હતો કે ઝઘડો કરવામાં બંને પક્ષનું નુકશાન છે, તેથી ઝગડાથી દૂર રહેવું જોઇએ. વીડિયો અપલોડ થઇ ગયા બાદ તેને ખ્યાલ આવ્યો ત્યારબાદ તેણે તે વીડિયો પણ ડિલીટ કરી દીધો હતો. પોલીસ કેસ થયા બાદ માફી પણ માંગી હતી. છતાં પણ એ લોકોએ અમારા મિત્રની હત્યા કરી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page