Only Gujarat

National TOP STORIES

દુલ્હને હજી નવા ઘરમાં કંકુ પગલાં પણ નહોતા કર્યાં ને નણંદ-કાકીજી-મામીજી સહિત 8ની ઊઠી અર્થી

કૌશાંબીઃ ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લાના કડા ધઆમ કોતવાલી વિસ્તારના દેવીગંજમાં જાનૈયાઓને બુધવાર (2 ડિસેમ્બર)ના રોજ વહેલી સવારે સ્કોર્પિયો ઘરે મૂકવા જતી હતી. આ સમયે રેતીથી ભરેલી એક ટ્રક બેકાબૂ થતાં સ્કોર્પિયો પર પડી હતી. આ ઘટનામાં સ્કોર્પિયોમાં બેઠેલાં વરરાજાની બહેન, કાકી, મામી સહિત આઠ લોકોને તત્કાળ મોત થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કોર્પિયો કારને ગેસ કટરથી કાપીને આઠ લાશોને બહાર કાઢવામાં આવી હતી.


ગામ આખું નવી દુલ્હનની રાહ જોતું હતું પરંતુ દુલ્હન આવે તે પહેલાં પરિવારના સભ્યોના કરૂણ મોતના સમાચાર મળતા જ આખું ગામ રડી પડ્યું હતું. લગ્નની બાકીની તમામ વિધિ અટકાવી દેવામાં આવી હતી. અકસ્માત થયાની જાણ થતાં જ એડીજી પ્રેમ પ્રકાશ, ડીઆઈજી કવિન્દ્ર પ્રતાપ સિંહ, ડીએમ અમિત સિંહ તથા એસપી અભિનંદન આવી ગયા હતા. પીડિત પરિવારને શક્ય તેટલી મદદ કરવાની હૈયા ધારણા આપી હતી. ડીએમની સૂચના પ્રમાણે લાશોનું પોસ્ટમોર્ટમ તાત્કાલિક કરીને પરિવારને પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે સોંપી દેવામાં આવી હતી.


કૌશાંબીની કોખરાજ કોતવાલી વિસ્તારના શહઝાદપુર ગામમાં રહેતા મોહનલાલ ગુપ્તા (સહકારી સમિતિ સચિવ પદેથી નિવૃત્ત)ના પુત્ર પંકજના મંગળવાર, પહેલી ડિસેમ્બરના રોજ લગ્ન હતા. જાન કડા કોતવાલીના દેવીગંજ સ્થિત એક ગેસ્ટ હાઉસમાં યોજાયા હતા. લગ્ન સંપન્ન થયા બાદ બીજા દિવસે એટલે કે બુધવારે સવારે ચાર વાગે મહારાષ્ટ્ર રહેતી વરરાજાની બહેન શશિ દેવી (35), ભાણીયો ઓમ ગુપ્તા (8), ભાણી શ્વેતા (13, અલ્લાપુર, પ્રયાગરાજમાં રહે છે), કાકી રોશની દેવી (50), પિતરાઈ બહેન નેહા (18), મામી પૂનમ દેવી (42), મામાની બહેન મુસ્કાન (15), સાક્ષી (13), પાડોશની દીકરી સીમા તિવારી (16) સહિત 10 લોકો કારમાં હતા. આ તમામ શહઝાદપુર જતા હતા.


શિયાળાને કારણે વહેલી સવારે એકદમ અંધારું હતું. અંધકારને કારણે ચાલક રસ્તો ભૂલી ગયો અને તે કાર સૈની રોડને બદલે લેહદરી રોડ તરફ લઈ ગયો. રસ્તો ભટકી જવાને કારણે ડ્રાઈવરે રોડ પર જ સ્કોર્પિયો કાર ઊભી કરી દીધી. ત્યારબાદ તે રસ્તો પૂછવા માટે કારની બહાર આવીને કોઈ માણસની રાહ જોતો હતો. આ દરમિયાન એક રેતી ભરેલી એક ઓવરલોડેડ ટ્રક ટાયર ફાટવાને કારણે બેકાબૂ થઈને સ્કોર્પિયો પર પડી હતી. આ દરમિયાન શ્વેતા તથા સાક્ષી કારમાંથી કૂદીને જેમ તેમ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યાં હતાં. જ્યારે બાકીને લોકો ટ્રકની નીચે કચડાઈ ગયા હતા. ઘટનામાં વરરાજાની બહેન, ભાણીયો, કાકી, પિતરાઈ બહેન, મામી, મામાની દીકરી, ડ્રાઈવર તથા પડોશીની દીકરીનું મોત થયું હતું.


બંને બાળકીઓએ વટેમાર્ગુની મદદથી ગેસ્ટ હાઉસમાં રહેલા પરિવારને આ અકસ્માતની માહિતી આપી હતી. ઘટનાની જાણ થતાં જ જાનૈયા તથા કન્યાપક્ષના લોકો તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા હતા અને પોલીસને માહિતી આપી હતી. કાટમાળ વધારે હોવાથી લાશો નીકળી શકે તેમ નહોતી. આથી જ જેસેબી તથા ગેસ કટર મગાવવામાં આવ્યા હતા.


વહેલી સવારે બનેલા આ અકસ્માતમાં લાશો બપોર પછી કાઢી શકાઈ હતી. ત્રણ વાગે પોસ્ટમોર્ટમ થયું અને પાંચ વાગે અંતિમ સંસ્કાર કરવાામં આવ્યા હતા. જ્યારે ગામમાં દુલ્હનને બદલે એક સાથે પાંચ-પાંચ લાશો આવી ત્યારે આખું ગામ હિબકે ચઢ્યું હતું. અકસ્માતમાં કુલ 8 લોકોના મોત થયા હતા. વરરાજાની બહેન, ભાણીયાના અંતિમ સંસ્કાર પ્રયાગરાજમાં કરવામાં આવ્યા હતા, જ્યારે ડ્રાઈવર શિવરામના અંતિમ સંસ્કાર તેના ગામ બાલકમઉમાં કરવામાં આવ્યા હતા. જ્યારે પાંચ લોકોના અંતિમ સંસ્કાર શહઝાદપુર ગામમાં થયા હતા. ગામમાં એક સાથે પાંચ-પાંચ અંતિમસંસ્કાર થતાં આખા ગામે શોક મનાવ્યો હતો. ગામના એક પણ ઘરમાં રસોઈ કરવામાં આવી નહોતી.

You cannot copy content of this page