પાંચ કરોડ જીતનારા સુશીલ કુમારે જણાવી આપીવીતી, કહ્યું- લોકોએ બોલવાનું બંધ કરી દીધું હતું

અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ 13’ આજથી એટલે કે 23 ઓગસ્ટથી ટીવી પર શરૂ થઈ રહ્યો છે. આ વખતે શોમાં લાઇવ ઓડિયન્સ પણ જોવા મળશે. 12મી સિઝનમાં કોરોનાને કારણે ઓડિયન્સ જોવા મળી નહોતી. ‘કૌન બનેગા કરોડપતિ’ની પાંચમી સિઝનમાં સુશીલ કુમારે પાંચ કરોડ રૂપિયા જીત્યા હતા. ગયા વર્ષે સુશીલ કુમારે સો.મીડિયામાં એક લાંબી પોસ્ટ શૅર કરીને પોતાના સંઘર્ષની વાત કહી હતી. સુશીલ કુમારે કહ્યું હતું કે સેલિબ્રિટી બન્યા બાદ તેના જીવનનો સૌથી ખરાબ સમય શરૂ થયો હતો.

સુશીલ કુમારે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘કેબીસી’ જીત્યા બાદ મારા જીવનનો સૌથી ખરાબ સમય શરૂ થયો હતો. 2015-16નો સમય મારા જીવનનો સૌથી પડકારજનક સમય હતો. કંઈ જ ખબર પડતી નહોતી કે હું શું કરું. લોકલ સેલિબ્રિટી હોવાને કારણે મહિનામાં 10-15 દિવસ બિહારમાં ક્યાંકને ક્યાંક પ્રોગ્રામ રહેતો. આ સાથે જ ધીમે ધીમે ભણવાનું પાછળ રહી ગયું હતું.

તે સમયે હું મીડિયા અંગે ઘણો જ ગંભીર રહેતો હતો. આ જ કારણે હું કોઈ પણ અનુભવ વગર એ બિઝનેસ કરવા લાગતો, જેમાં મને સહેજ પણ ખબર ના પડતી હોય. મીડિયામાં હું કહી શકું કે હું બેકાર નથી, માટે જ આ પ્રકારના બિઝનેસ કરતો રહેતો હતો. જોકે, થોડાં દિવસ બાદ એ બિઝનેસ મારે બંધ કરી દેવો પડતો હતો. એક રાત્રે હું ફિલ્મ ‘પ્યાસા’ જતો હતો. આ ફિલ્મનો ક્લાઈમેક્સ ચાલતો હતો અને તે જ સમયે મારી પત્ની રૂમમાં આવી અને બૂમો પાડવા લાગી કે એક જ ફિલ્મ અનેક વાર જોઈને તમે પાગલ થઈ જશો. જો તમારે આ જ ફિલ્મ જોવી હોય તો મારા રૂમમાં ના રહો અને બહાર જાઓ. લેપટોપ બંધ કરીને હું શેરીમાં ચૂપચાપ ચાલવા લાગ્યો.

હજી તો થોડુંક જ ચાલ્યો હોઈશ અને અંગ્રેજી અખબારના એક પત્રકારનો ફોન આવ્યો હતો. મેં થોડીવાર સુધી તો વ્યવસ્થિત રીતે વાત કરી પરંતુ પછી તેણે મને કંઈક એવો સવાલ પૂછ્યો કે મને ગુસ્સો આવી ગયો અને મેં કહી દીધું કે મારા તમામ પૈસા વપરાઈ ગયા છે અને બે ગાય લીધી છે અને દૂધ વેચીને ગુજરાન ચલાવું છું. ત્યારબાદ આ ન્યૂઝની જે અસર થઈ તે વાતની તો તમને ખબર જ છે. તે સમાચારે પોતાની અસર બતાવી અને જેટલા પણ લોકો પૈસાને કારણે મારી સાથે રહેતા હતા તે તમામ દૂર જતા રહ્યા. મને કોઈ ઈવેન્ટમાં બોલાવતા નહોતા. આ સમયે મને ખ્યાલ આવ્યો કે મારું શું કરવું જોઈએ.

એક દિવસ પત્ની સાથે બહુ મોટો ઝઘડો થયો અને તે પિયર જતી રહી. વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ હતી. તે સમયે મને અહેસાસ થયો કો જો સંબંધો બચાવવા છે તો મારે બહાર નીકળવું પડશે. ફિલ્મ ડિરેક્ટર બનવાનું સપનું લઈને હું બિલકુલ નવી ઓળખ સાથે બહાર આવ્યો. મારા પ્રોડ્યૂસર મિત્રને વાત કરી અને તેણે મને ફિલ્મ ટેક્નિક સંબંધીત સવાલો કર્યા હતા પરંતુ હું જવાબ આપી શક્યો નહીં.

એક મોટા પ્રોડક્શન હાઉસમાં આવીને કામ કરવા લાગ્યો. અહીંયા વાર્તા, સ્ક્રીનપ્લે, ડાયલોગ કોપી, પ્રોપ અને અગણિત વાતોને સમજવાની તક મળી. ત્યારબાદ મારું મને બેચેન રહેવા લાગ્યું. અહીંયા તો માત્ર ત્રણ જ જગ્યા- આંગણું, કિચન તથા બેડરૂમમાં જ શૂટિંગ થતું હતું. હું તો ડિરેક્ટર બનવાનું સપનું લઈને આવ્યો હતો અને એક દિવસ તે સપનાને અધૂરું મૂકીને ગીતકાર મિત્રની સાથે તેના જ રૂમમાં રહેવા લાગ્યો.

આખો દિવસ એકલો રહેતો અને વાંચતો રહેતો હતો. આ દરમિયાન મને મારા વ્યક્તિત્વની અલગ ઓળખ થઈ અને મને ખ્યાલ આવ્યો કે મારું મન શેનાથી ખુશ થશે. હું મુંબઈથી સીધો મારા ઘરે આવ્યો. ટીચર બનવાની તૈયારી કરવા લાગ્યો અને એક્ઝામમાં પાસ થયો. હવે પર્યાવરણ સંબંધિત બહુ જ બધા કામ કરું છું. જીવનમાં એક નવો ઉત્સાહ છે. બસ આ જ વિચારો છે કે જીવનમાં જેટલી જરૂરિયાત ઓછી રાખો તેટલું સારું. જરૂરિયાત હોય તેટલી જ કમાણી કરવી.’

You cannot copy content of this page