Only Gujarat

Gujarat

માતાએ કહ્યું- 18 નવેમ્બરે પુત્ર તન્મય અને પત્ની પૂજા સાથે બ્રિજ નીકળ્યો હતો

અમેરિકામાં પહોંચવાની લાયમાં અનેક વખત કેટલાય પરિવારો વિખેરાયા છે. ત્યારે ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતાં વધુ એક પરિવાર તહસનહસ થયો છે. ગાંધીનગરના કલોલમાં રહેતો પરપ્રાંતિય પરિવાર ત્રણ વર્ષના પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન આ ત્રણેય સભ્ય ‘ટ્રમ્પ વોલ’ તરીકે ઓળખાતી 30 ફૂટ ઊંચી દીવાલ ઉપરથી પટકાતાં મુળ યુપીના તેમજ હાલ કલોલમાં રહેતા બ્રિજકુમાર નામના યુવકનું મોત થયું છે તેમજ તેની પત્ની અને માસૂમ પુત્રને ગંભીર ઈજા પહોંચી છે. ત્યારે આ ઘટનાને ગંભીરતાથી લઈ ગાંધીનગરના અધિક નિવાસી કલેક્ટર ભરત જોશીએ મામલતદારને તાત્કાલિક તપાસના આદેશો આપ્યાં છે. મળતી માહિતી મુજબ ગેરકાયદેસર અમેરિકા જવા માટે 1.25 કરોડમાં ડીલ નક્કી થઇ હતી.

યુવકની ભાભીએ જણાવ્યું કે, બ્રિજ મારો દેવર છે. તેઓ 18 નવેમ્બરે પત્ની અને પુત્ર સાથે ગયા હતા, જ્યારથી તેઓ ગયા છે ત્યારબાદ ખાલી હાલચાલની જ વાતચીત થતી હતી. જોકે, બ્રિજની પત્ની પૂજાએ ફોન કરીને આ પ્રકારની ઘટના બની છે તેવી જાણ કરી હતી. પરંતુ કેવી રીતે ઘટના બની શું થયું તે પ્રકારની કઈ વાતચીત થઈ ન હતી.

આ ઘટનાને લઈ યુવકની માતાએ કહ્યું કે, અમે યુપિના રહેવાશી છીએ. બ્રિજની પત્નીનું નામ પૂજા છે અને પુત્રનું નામ તન્મય છે. તેઓ ફરવા માટે 18 નવેમ્બરે નિકળ્યાં હતા. તેઓ ગયા ત્યારબાદથી લઈ તેની સાથે કઈ વાત થઈ જ નથી. પેપરમાં આવ્યું ત્યારે અમને ખબર પડી. ફોનમાં કઈ વાત થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે, કલોલની ગેલેક્સી વિસ્તારની સ્કૂલમાં પૂજા ટીચર તરીકે નોકરી કરતી હતી. તેમજ કલોલ GIDCમાં એકાઉન્ટન્ટ તરીકે બ્રિજ યાદવ નોકરી કરતો હતો.

ગાંધીનગર અધિક નિવાસી કલેક્ટર ભરત જોશી સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે, કલોલ છત્રાલ જીઆઇડીસી ખાતે પર પરપ્રાંતનો બ્રિજકુમાર યાદવ પરિવાર સાથે કામ અર્થ આવેલો, જે છત્રાલ ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો. ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવવામાં કલોલનાં કેતુર પટેલ નામનો એજન્ટ શંકાસ્પદ ભૂમિકા છે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં જીવ ગુમાવનાર યુવાન બ્રિજ કુમાર યાદવના પિતા બી. બી. યાદવ ટેલિફોન એક્સચેન્જમાં નોકરી કરતા હતા. જેઓ સાત વર્ષ અગાઉ રિટાયર્ડ થઈ ગયા છે.

આ અંગે હિન્દી ભાષી કલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ મહાનંદ દુબેએ જણાવ્યું હતું કે, બનાવની જાણ થઈ છે. આ મામલે હું પણ તપાસ અર્થે છત્રાલ જવા રવાના થયો છું. આ અંગે વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, યુ.પીનો યાદવ પરિવાર છત્રાલ જીઆઇડીસી વિસ્તારમાં રહેતો હતો. જે એક મહિના પહેલા કલોલના એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં ડીલ નક્કી થયા પછી દસેક દિવસ અગાઉ બ્રિજકુમાર યાદવ, તેની પત્ની અને બાળકને લઈને અમેરિકા જવા રવાના થયો હતો. પતિ-પત્નીની ઉંમર 25 થી 30 વર્ષની આસપાસ છે.

કલોલની જીઆઈડીસીમાં નોકરી કરતા બ્રિજકુમાર નામના યુવકને અમેરિકા જવું હતું, જેથી એજન્ટ થકી થોડા દિવસ પહેલાં યુવક તેની પત્ની અને માસૂમ સાથે અમેરિકા જવા નીકળ્યો હતો. કેનેડામાં હાલ ભારે હિમવર્ષા થતી હોવાથી એજન્ટો મેક્સિકોથી ઘૂસણખોરી કરાવે છે. મેક્સિકો અને અમેરિકા વચ્ચે બનાવવામાં આવેલી ટ્રમ્પ વોલથી એજન્ટો લોકોને અમેરિકામાં ઘૂસાડી રહ્યા છે. બ્રિજકુમાર અને તેનો પરિવાર પણ ટ્રમ્પ વોલ પહોંચ્યો હતો.

આ દરમિયાન અંદાજે 30 ફૂટ ઊંચી દીવાલને કૂદતાં જ અમેરિકામાં પ્રવેશી શકાય એમ હતું. ત્યારે ઉત્સાહ સાથે બ્રિજ કુમાર તેની પત્ની અને ત્રણ વર્ષના પુત્ર સાથે 30 ફૂટ ઊંચી દીવાલ ઉપર ચડ્યા હતા. દીવાલ ઉપરથી કોઈ કારણસર બ્રિજ કુમાર, તેની પત્ની અને માસૂમ પુત્ર નીચે પટકાયાં હતાં, જેથી માથામાં ગંભીર ઈજા પહોંચતાં બ્રિજ કુમારનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે તેની પત્ની અને ત્રણ વર્ષનો પુત્ર મેક્સિકોની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યાં છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે એજન્ટે 40 લોકોના ગ્રુપને મેક્સિકોના રસ્તેથી અમેરિકા પહોંચાડવા માટે મોકલ્યું હતું. આ ગ્રુપમાંથી વિખૂટા પડી જવાથી કે અન્ય કોઈ કારણસર કલોલનો પરિવાર દીવાલ ઉપરથી પટકાયો અને અકસ્માતનો ભોગ બન્યો હતો. ત્યારે ગાંધીનગરના અધિક નિવાસી કલેક્ટર ભરત જોશીએ ગેરકાયદેસર ઘૂસણખોરીમાં જીવ ગુમાવ્યાની ઘટનાને ગંભીરતાથી લઈ મામલતદારને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page