Only Gujarat

Gujarat

જેઠાણી અને પતિ વચ્ચેના સંબંધોની જાણ થતાં પરિણીતાના પગ તળેથી જમીન સરકી ગઈ

દિયર અને ભાભી વચ્ચેના સંબંધોને આપણા સમાજમાં ભાઈ-બહેન જેવા પવિત્ર માનવામાં આવે છે. પરંતુ પંચમહાલમાં દિયર અને ભાભી વચ્ચે પ્રેમ સંબંધ બંઘાયા હતા. એક જ ઘરમાં બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. તેની જાણ દિયરની પત્નીને થતાં તેણે આ મામલે અભયમ હેલ્પલાઈનની મદદ માગી છે. પતિ-પત્ની વચ્ચે ઉભી થયેલી આ ખટાશને અભયમની ટીમે દૂર કરી બંને વચ્ચે સમાધાન કરાવ્યું છે.

આ ઘટનાની વિગત એવી છે કે, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એક ગામમાં રહેતા યુવાનને તેના મોટાભાઇની પત્ની સાથે લગ્નેત્તર સંબંધો બંધાયા હતા. દિયર અને ભાભી એકબીજાના ગાળડૂબ પ્રેમમાં હતા. જેઠાણી અને પતિ વચ્ચેના સંબંધોની જાણ થતાં પરિણીતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને આઘાતમાં સરી પડી હતી.

આ મામલે તેણે તેના પતિ સાથે ખુલ્લા મને ચર્ચા કરી હતી. પરંતુ કોઈ ઉકેલ આવવાના સ્થાને પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં તણાવ ઉભો થયો હતો. પરિણામે મહિલા મુશ્કેલીમાં મૂકાઇ ગઇ હતી. આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું અને શું કરવું તે સમજાતું નહોતું. જેથી તેણે 181 અભયમ હેલ્પલાઇનની મદદ લેવાનું નક્કી કર્યું હતું અને તુરંત જ હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ માંગી હતી. જેથી અભયમની ટીમ પરિણીતાના ઘરે પહોંચી ગઇ હતી અને દંપતી પાસે બેસીને સમગ્ર હકીકત જાણી હતી.

અભયમની ટીમે મહિલાના પતિને સમજાવવાનું શરૂ કર્યું હતું અને તેમના આ અનૈતિક સંબંધોને કારણે બે પરિવારોને નુકસાન થઇ રહ્યું હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત મહિલાના પતિને ભાભી સાથેના સંબંધોને કાયમ માટે પુરા કરવાની સલાહ આપી હતી. મોડે મોડે પણ પતિને તેની ભૂલ સમજાઇ હતી અને ભવિષ્યમાં પત્નીને પરેશાન નહીં કરવાની ખાતરી અભયમની ટીમને આપી હતી. પતિ-પત્ની વચ્ચે સમાધાન થતાં આ મામલોનો સુખદ અંત આવ્યો હતો.

મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં અભયમ ટીમ કાર્યરત છે. સામાન્ય દિવસોની જેમ જ કોરોના મહામારી વચ્ચે પણ અભયમની ટીમ મહિલાઓની મદદ માટે દોડી રહી છે. મહિલાઓના પ્રશ્નોના નિરાકરણ માટે સ્થળ પર પહોંચીને તેમની મુશ્કેલીઓ દૂર કરતી આ સંસ્થા મહિલા માટે વરદાનથી ઓછી નથી.

You cannot copy content of this page