Only Gujarat

Gujarat

કોરોનાકાળમાં જન્મદિવસ પ્રસંગે સતાધારના મહંતે લીધો અનોખો નિર્ણય, જાણીને તમે પણ કરશો સલામ

આજકાલ લોકો દેખાદેખીમાં એવી રીતે જન્મદિવસ ઉજવતા હોય છે કે પોતાનો વટ પડી જાય. ભપકા કરીને સમાજને દેખાડવા અને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેવા માટે લખલૂટ ખર્ચો પણ કરતા હોય છે. પણ સમાજની સાથે અને સમાજની વચ્ચે રહેતા સાધુ-સંતો અને એમાંય સનાતન ધર્મના ધર્મગરુઓ પોતાનો જન્મદિવસ કેવી રીતે ઉજવતા હોય છે તે જોવું પણ એક લહાવો છે. હાલમાં જ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુએ પોતાના જન્મદિનની ઉજવણી કરી. તેમણે આ દિવસને એવી રીતે મનાવ્યો કે, ચારેકોર તેની મહેંક જોવા મળી રહી છે.

સતાધાર મહંત વિજયબાપુએ પોતાના જન્મ દિન નિમિત્તે રૂપિયા એક લાખ રોકડા અને એક ટેમ્પો અન્ન-ખાધ સામગ્ર સાવરકુંડલાના માનવ મંદિર પાગલ આશ્રમમાં મોકલી અનોખી રીતે જન્મ દિવસ ઉજવ્યો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરથી સાત કિલોમીટર દૂર હાથસણી ડેમ નજીક આવેલા માનવ મંદિરના દરવાજે એક ટ્રક આવીને ઉભો રહી. સાથે બે સેવકો હતા. હાથમાં રૂપિયા એક લાખ રોકડની થેલી હતી. કશું જ કહ્યા વગર માનવ મંદિરના સંત ભક્તિરામબાપુને રકમ આપી સામાન ઉતારી ચાલતા થયા.

બાપુએ પૂછ્યું કે ભાઈ કોણ છો અને ક્યાંથી આ સામાન આવ્યો છે ? તો સવાલનો જવાબ આપ્યા વિના કંઈ કહ્યા વગર તેઓ ચાલતા થયા. બાદમાં તપાસ કરતા માલુમ પડ્યું કે સતાધારના સંત વિજયબાપુનો જન્મ દિવસ હતો. કોરોનાના કારણે ભક્તો કે શિષ્યો કે ભક્તો સૌ કોઈને વિજયબાપુએ અગાઉથી જ કહ્યુ હતું કે કોઈ પણ પ્રકારની ઉજવણી કે પૂજા આર્ચનાનો કાર્યક્રમ યોજવાનો નથી. મારો જન્મ દિવસ હું મારી રીતે ઉજવી લઈશ.

માનવ મંદિરમાં બાપુએ જે વસ્તુઓ મોકલી તેની યાદી પર નજર કરીએ તો પાંચ તેલના ડબ્બા, ત્રણ કટા જીણો લોટો, ત્રણ કિલો જાડો લોટ, પાંચ કિલો ધાણા, પાંચ કિલો જીરુ, ત્રણ કટા ખાંડ, બે ગુણી મગફળી, 10 કટા ઘંઉનો લોટ, ત્રણ કટા બાજરાનો લોટ, બે ડબ્બા ગોળ, 10 કિલો હળદર, 10 કિલો મરચું, 10 થેલી મીઠું, 5 કટા ચોખા, બટેટાની ગુણો, ચણાની ગુણો જેવી ચીજો દાનમાં આપી. આ ઉપરાતં રોકડા એક લાખ રુપિયા પણ માનવ મંદિર આશ્રમમાં મોકલી આપ્યા.

માનવ મંદિર આશ્રમ અને સતાધાર શું છે, જે નવી પેઢીના છે તેમને ખ્યાલ નહી હોય. સૌરાષ્ટ્રમાં ગીરની જંગલની વચ્ચે અતિ પૌરાણિક ધાર્મિક જગ્યા આવેલી છે જેનુ નામ છે સતાધાર. અહિયા અંદાજે ત્રણસો વર્ષથી સતત અન્નક્ષેત્ર ચાલે છે. અહિયા ભુખ્યાને રોટલો, રહેવાની સગવડ, ગરીબ દીકરીઓને લગ્ન સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલ્યા કરે છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે કે દેને કો ટુકડો ભલો, લેને કો હરિનામ. હાલ સતાધારના ગાદીપતિ તરીકે એક સમયે ખૂબ જ તેજસ્વી અભ્યાસની કારકિર્દી ધરાવનાર વિજયબાપુ છે.

વિજયબાપુએ લોકડાઉન દરમિયાન એક અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્રની નાની મોટી ધાર્મિક જગ્યાઓમાં અંદાજે બે હજાર ટન જેટલો અન્ન પુરવઠો પહોંચાડ્યો હતો. કારણ કે લોકડાઉન અને કોરોનાના કારણે ધાર્મિક જગ્યાએ પણ નિભાવ માટે મુશ્કેલી ભોગવી રહી છે.

વિજયબાપુએ પોતાનો જન્મ દિવસને અનોખી રીતે ઉજવતા સાવરકુંડલાના માનવ મંદિરમાં આટલી સહાય મોકલી માનવતાનો સંદેશ આપ્યો છે અને સૌ કોઈને પ્રેરણા આપી છે કે આ રીતે પોતાના ખાસ દિવસને અન્ય લોકોની સહાય થકી યાદગાર બનાવી શકાય.

You cannot copy content of this page