Only Gujarat

National

ભણવાનું છોડ્યું, ખેત-મજૂરીથી ચાલતું હતું ગુજરાન, પતિએ આપ્યો સાથ અને બની ગઈ ડૉક્ટર

પ્રયત્ન કરનારની ક્યારેય હાર થતી નથી. આ લાઈનને સાચી પાડતો એક દાખલો જોવા મળ્યો રાજસ્થાનના ચૌમૂમાં. આઠ વર્ષની ઉંમરમાં લગ્ન બાદ રૂપા યાદવે સપનાં જોવાનાં છોડ્યાં નહીં. આ રૂપાનો જુસ્સો જ હતો કે તેણે ડૉક્ટર બનવા માટે બધા જ પડકારોને પાર કરી NEETની પરીક્ષા પાસ કરી દીધી. રૂપાએ ઑલ ઈન્ડિયા રેન્ક 2283 અને ઓબીસીમાં 658મો રેન્ક મેળવ્યો છે.

રૂપા ભણવામાં પહેલાંથી જ બહુ હોશિયાર હતી, પરંતુ લગ્નના કારણે થોડા સમય માટે અભ્યાસ અટકી ગયો હતો. તેનાં બાળ લગ્ન થયાં એ સમયે તેની ઉંમર માત્ર 8 જ વર્ષ હતી અને ત્રીજા ધોરણમાં ભણતી હતી. પરંતુ ભણવા માટેની લગન અને ક્યારેય હાર ના માનવાના જુસ્સાના કારણે રૂપાએ એક ગૃહિણીથી ડૉક્ટર સુધીની સફર પૂરી કરી.

રૂપા તેના સંઘર્ષના દિવસો યાદ કરતાં જણાવે છે કે, એક સમય એવો આવ્યો હતો જ્યારે તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબજ નબળી થઈ ગઈ હતી અને ભણવા માટે પૈસા નહોતા. જોકે, તેણે ભણવાનું છોડ્યું નહીં. તેના ઘરથી સ્કૂલ બહુ દૂર હતી, જેના માટે ગામથી ત્રણ કિમી દૂર સ્ટેશન સુધી જવું પડતું હતું, જ્યાંથી તે બસમાં બેસીને તે સ્કૂલ જતી. આ દરમિયાન સાથે-સાથે ઘરનાં કામ-કાજ કરવાં એ પણ મોટો પડકાર હતો.

ડૉક્ટર જ કેમ? રૂપા જણાવે છે, સમયસર ઈલાજ ના મળી શકવાના કારણે તેના કાકા ભીમરાવ યાદવનું હાર્ટ અટેકના કારણે મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેણે બાયોલૉજી લઈને ડૉક્ટર બનવાનો સંકલ્પ લીધો અને રૂપાએ દિવસ-રાત મહેનત કરી NEETની પરીક્ષા પણ પાસ કરી લીધી.

પહેલાં પણ પાસ કરી હતી NEET પરીક્ષાઃ રૂપા આ પહેલાં પણ NEET ની પરીક્ષા પાસ કરી ચૂકી છે, આ પહેલાં તેણે 2016 માં આ પરીક્ષા પાસ કરી હતી, પરંતુ રેન્ક અનુસાર તેને મહારાષ્ટ્ર સ્ટેટ મળ્યું હતું. ત્યાં મોકલવા માટે તેનાં સાસરિયાં તૈયાર ના થયાં. એટલે રૂપાએ 2017માં ફરી પરીક્ષા આપી અને આ વખતે 2283 મો રેન્ક મળ્યો.

પરિવારે આપ્યો સાથઃ રૂપા જણાવે છે કે, લગ્ન બાદ તેના જીજાજી બાબુલાલ અને બહેન રૂક્મા દેવીએ ભણવા માટેનો તેનો ઉત્સાહ જોઇ તેને સાથ આપ્યો. સામાજીક બંધનોને નજરઅંદાજ કરી તેનો અભ્યાસ શરૂ કરાવ્યો. તેના ભણવાનો ખર્ચ ઉઠાવવા માટે એ બહેન-જીજાજી તથા પતિએ ખેતી કરવાની સાથે-સાથે ટેમ્પો પણ ચલાવ્યો. રૂપાએ જ્યારે ડૉક્ટર બનવાની ઇચ્છા અંગે તેના પતિ અને જીજાજીને કહ્યું ત્યારે તેમણે રૂપાને કોટામાં કોચિંગ પણ અપાવ્યું.

પત્નીને જોઇ પતિએ પણ શરૂ કર્યું ભણવાનું: રૂપાને ભણતી જોઇ પતિ શંકર લાલ યાદવને પણ ભણવાની ઇચ્છા થઈ અને ભણવાનું શરૂ કર્યું. અત્યારે શંકર એમ.એ. પ્રથમ વર્ષમાં ભણી રહ્યા છે.

You cannot copy content of this page