Only Gujarat

National TOP STORIES

IPS અધિકારીએ ડાયટિંગ વગર જ અધધ 50 કિલો ઘટાડ્યું હતું વજન, જાણો એવુ તો શું કર્યું?

નવી દિલ્હીઃ આપણે બધા ફિટનેસ બાબતે માત્ર વાતો કરીએ છીએ. ઘણા લોકો શરૂ પણ કરે છે અને તેને નિયમિત ફોલો કરી શકતા નથી. 41 વર્ષિય IPS અધિકારી વિવેક રાજ સિંહ કુકરેલેની ફિટનેસ જર્નીની શરૂઆત પણ કંઇક આવી જ થઈ હતી. તેઓ બાળપણથી જ ખૂબ ગોળમટોળ હતા. 2006માં, જ્યારે વિવેક ‘રાષ્ટ્રીય પોલીસ એકેડેમી’ માં જોડાયા, ત્યારે તેમનું વજન 134 કિલો સુધી પહોંચી ગયું હતું. તેમણે જણાવ્યું કે,“પોલીસ એકેડેમીમાં જોડાયા પછી જ મેં મારા વજન અને ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. એકેડેમીમાં 46 અઠવાડિયાની કઠોર તાલીમ દરમિયાન, મેં વધારે મહેનત કરી, જેનાથી હું 30 કિલો વજન ઘટાડવામાં સફળ રહ્યો.”

શરૂઆતમાં વિવેક રાજ સિંહમાં વજન ઘટાડવાનો ખૂબ ઉત્સાહ હતો, પરંતુ પોલીસની નોકરીમાં જોડાયા પછી તે પોતાના જૂના રૂટીનમાં પાછા આવી ગયા. જેના કારણે તેમનું વજન ફરીથી વધવા લાગ્યું. તેમણે કહ્યું કે, “એક સમય એવો આવ્યો કે જ્યારે મારું વજન સંપૂર્ણ પણે સ્થિર થઈ ગયું. હું બિહારના નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં કામ કરતો હતો, જે ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. આ દરમિયાન મારી દિનચર્યા બિલકુલ અનિયમિત થઈ હતી અને મારું વજન ફરીથી પહેલા જેટલું જ થઈ ગયું હતું.” વિવેકનું વજન ત્યારે 130 કિલો હતું.

ડિસેમ્બર-2019માં, 130 કિલોગ્રામના વિવેકે ફરી એક વખત પોતાનું વજન ઘટાડવાનું નક્કી કર્યું અને જુલાઈ 2020 સુધીમાં, તેમણે 35 કિલોથી વધારે વજન ઘટાડી દીધું. જે પછી તેમને સપ્ટેમ્બર 2020 સુધી ધીમે-ધીમે 7 કિલો વજન ઘટાડ્યું અને જૂન 2021 માં તેમનું વજન 86.5 કિલો થઈ ગયું છે. તેમનું હાલનું વજન શરૂઆતના વજન કરતા 50 કિલો ઓછું છે.

વિવેકે પોતાના ખાવાના શોખ અંગે કહ્યું કે,“જ્યારે પણ હું ભોજનનો બગાડ કરતો, ત્યારે મને ખૂબ જ ખરાબ લાગતું. તેથી મારી થાળીમાં ગમે તેટલું ભોજન હોય અને મારું પેટ ભરેલું હોય તો પણ હું એને પૂરું કરતો. જ્યારે વજન 138 કિલો સુધી પહોંચી ગયું. હું સમજી ગયો કે હવે મારે વધતા વજન માટે કંઇક કરવું જ પડશે. મેં ‘સ્ટેપ સેટ ગો’ નામની એક એપનો ઉપયોગ કર્યો, જે એક સ્ટેપ કાઉન્ટર છે. તેના કારણે મને મારા રૂટિનમાં નિયમિત રહેવામાં મદદ મળી. સતત ચાલવાને કારણે ભલે ધીમે-ધીમે જ, પણ મારું વજન ઘટવા લાગ્યું અને મને વધુ મહેનત કરવાની પ્રેરણા મળી.”

આઈપીએસ વિવેકે પોતાના વજનને ઘટાડવા ખાવાના શોખને છોડવાનો ઈન્કાર કર્યો. તેમણે કહ્યું કે,“મે વજન ઘટાડવા ચાલવા પર ફોકસ કર્યું. એકસમયે હું રોજના 50 હજાર સ્ટેપ્સ ચાલતો હતો. ફક્ત તેનાથી જ મેં મારું વજન 30 કિલો જેટલું ઘટાડ્યું હતું. હું મોટાભાગે લગભગ ત્રીસ હજાર સ્ટેપ્સ ચાલવાનો પ્રયત્ન કરતો. જ્યારે પણ હું ફોનમાં વાત કરતો, ત્યારે હું વૉક કરતો. જો મારે નજીકમાં ક્યાંય જવું હોય તો ગાડી ના બદલે ચાલતો જતો. આ નાના-નાના ફેરફારો કરવાથી મને ખૂબ મદદ મળી. રોજ ચાલવા પાછળ 4-5 કલાક જેટલો સમય આપતો. જો વજન ઓછું કરવા માંગતા હોય ત્યારે તમારે ચાલવું જોઈએ અને તમારી ચાલવાની ક્ષમતામાં ધીમે-ધીમે વધારો કરવો જોઈએ.”

વિવેકે જણાવ્યું કે,“વજન ઘટાડતી વેળાએ એ વાત ધ્યાનમાં રાખો કે તમારા સ્નાયુઓ પર ખરાબ અસર ના થાય. આપણે વજન પર કામ કરતી વેળાએ શરીરને યોગ્ય પોષણ આપવાનું ભૂલી જતા હોઈએ છીએ જેની સ્વાસ્થ્ય પર ખારબ અસર પડે છે. મેં વજન ઘટાડતા સમયે બીએમઆર અને ટોટલ ડેલી એનર્જી એક્સપેન્ડીચરને બરાબર રીતે સમજ્યા હતા.વજન ઓછું કરતી વખતે, તમારે દરરોજ BMR થી વધારે અને TDEE કરતા લગભગ 200-300 જેટલી ઓછી કેલરી લેવી જોઈએ. આ સાથે શરીરના વજન પ્રમાણે પ્રોટીન લેવું પણ ખૂબ મહત્વનું છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.” BMR થી ખબર પડે છે કે આરામ કરતી વખતે આપણા શરીરમાં કેટલી ઉર્જા અથવા કેલરી ખર્ચ અથવા બર્ન થઈ રહી છે. જ્યારે TDEE તમને જણાવે છે કે તમે રોજની કુલ કેટલી કેલરી બાળી રહ્યા છો.

આઈપીએસ વિવકે જણાવ્યું કે,તે કહે છે, “મેં વજન ઘટાડવા માટે ક્યારેય મારું મનપસંદ ભોજન છોડ્યું નથી. બિરયાની, ભેળ પુરી, ચાટ, પીત્ઝા અને કેક પણ ખાતો હતો. પરંતુ હું ચોક્કસપણે કાળજી લેતો કે મારો ખોરાક દૈનિક કેલરીથી વધુ ના હોવો જોઈએ. જો તમે તમારી રોજિંદી કેલરીઝનું ધ્યાન રાખશો, તો વજન ઓછું કરતી વખતે તમે ભોજનનો આનંદ લઈ શકશો.

“વજન ઘટાડવાને કારણે વિવેકનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવ્યું અને દવાઓ પણ બંધ થઈ ગઈ. તેઓ 17 વર્ષથી હાઈબ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા હતા. જોકે તેઓ હવે દવાઓ સંપૂર્ણપણે છોડવામાં સફળ રહ્યાં. વિવેક કહે છે, “વજન ઘટાડ્યા પછી જ મને ઓછું વજન હોવાના ઘણા ફાયદાઓ સમજાયા. મે કદી કલ્પના પણ નહોતી કરી કે હું 11 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેડમિલ પર દોડી શકશે.”

વજન ઘટાડવાની આઈપીએસ વિવેકે આપેલી ટિપ્સઃ

1. ખાવા-પીવા પર શરીર અનુસાર ધ્યાન આપવું. આહારમાં કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન જેવા પોષક તત્ત્વોને સામેલ કરો.
2. ફૂડ ટ્રેકિંગ એપ્લિકેશન વજન ઘટાડવા માટે ખૂબ ઉપયોગી છે. તમે જે ખાઈ રહ્યા છો તેના માટે તમારે જવાબદાર થવું પડશે.
3. એવા ઘણા ગ્રુપ છે ઓનલાઇન, જે લોકોને વજન ઘટાડવામાં અને ફીટ રહેવામાં મદદ કરે છે. આવા ગ્રૂપથી સારી સલાહ મળે છે અને પૈસા પણ ખર્ચવા પડતા નથી.
4. સારું સ્ટેપ કાઉન્ટર વાપરો. સતત ચાલવાનું રાખો અને ધીમે-ધીમે સ્ટેપ્સની સંખ્યા વધારો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page