Only Gujarat

Health

આ કારણોને લીધે ગમે તેને થઈ શકે ફેફસાંનું કેન્સર, જોખમી સ્ટેજમાં પહોંચ્યા બાદ જ પડે છે ખબર!

અમદાવાદઃ બોલિવૂડ અભિનેતા સંજય દત્તને ફેફસાંનું કેન્સર હોવાનો રિપોર્ટ આવ્યો છે. તેમને થર્ડ સ્ટેજનું એડવાન્સ કેન્સર છે. તેઓ ઇલાજ માટે અમેરિકા કે સિંગાપોર જાય તેવી શક્યતા છે. ફેફસાંનું કેન્સર એક ખૂબ ગંભીર અને ખતરનાક બીમારી છે. આ બીમારીથી દર વર્ષે લાખો લોકોના મોત થાય છે. આ ભયંકર બીમારીના લક્ષણો કયા છે અને ક્યા કારણથી ફેફસાંનું કેન્સર થઇ શકે છે અને તેનાથી બચવાના ઉપાય શું છે? તે જાણીએ.

મનુષ્યની છાતીમાં બે સ્પોન્જી ઓર્ગન્સ ફેફસાં હોય છે, જે શરીરમાં ઓક્સિજન લેવાનું અને કાર્બનડાયોકસાઇડ છોડવાનું કામ કરે છે. માયોક્લિનિકની એક રિપોર્ટ મુજબ ધૂમ્રપાન કરવાથી ફેફસાંના કેન્સરનું જોખમ વધી જાય છે. આપ કેટલા લાંબા સમયથી ધૂમ્રપાન કરી રહ્યાં છો તેના પર પણ ફેફસાંના કેન્સરનું જોખમ કેટલું છે તે નિર્ભર કરે છે. જો કે બીમારી એવા લોકોને પણ થઇ શકે છે, જેમને જિંદગીમાં ક્યારેય ધૂમ્રપાન નથી કર્યું.

ફેફસાંના કેન્સરના લક્ષણો શું હોય છે? ફેફસાંમાં કેન્સરના લક્ષણો શરૂઆતના સમયમાં નથી દેખાતા. દુર્ભાગ્યવશ આ બીમારીની જાણ એડવાન્સ સ્ટેજમાં પહોંચ્યાં બાદ જ થાય છે. ફેફસાંના કેન્સરના લક્ષણોની વાત કરીએ તો તાવ, છાતીમાં કફ, લાંબા સમયથી ઉધરસની સમસ્યા રહેવી, વજન ઉતરી જવું. માથાનો દુખાવો અને હાડકામાં દુખાવો ફેફસાંના કેન્સરના મુખ્ય લક્ષણો છે.

ડોક્ટરની સલાહ ક્યારે લેશો? ફેફસાં સંબંધિત કોઇ પણ તકલીફ શરીરમાં જણાય તો વિલંબ કર્યા વિના તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ. જો આપ ધૂમ્રપાન કરી રહ્યાં હો અને તેને છોડી શકતા ન હો તો આ સ્થિતિમાં પણ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આ આદત છોડવા માટે ડોક્ટર આપની મદદ કરી શકે છે. આવા દર્દીને ડોક્ટર કાઉન્સલિંગ, મેડીકેશનની મદદની સાથે નિકોટિનના રિપ્લેસમેન્ટ પ્રોડક્ટ વિશે પણ જાણકારી આપે છે.

ફેફસાંના કેન્સરનું મુખ્ય કારણઃ ફેફસાંના કેન્સરનું મુખ્ય કારણ ધૂમ્રપાન છે. ધૂમ્રપાન કરનાર અને તેના સંપર્કમાં આવનાર વ્યક્તિ પણ આ બીમારીના શિકાર થઇ શકે છે. જો કે એવા લોકોને પણ આ બીમારી થઇ શકે છે જેમને ક્યારેય ધૂમ્રપાન નથી કર્યું. આવા કેસમાં કેન્સરના કારણને જાણી શકાતું નથી.

ધૂમ્રપાનથી કેન્સર થવાનું કારણ શું છે?નિષ્ણાત ડોક્ટરના મત મુજબ ધૂમ્રપાન ફેફસાંની કોશિકાઓને નુકસાન પહોંચાડે છે અને તેનાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે. જ્યારે આપ સિગરેટ પીઓ છો ત્યારે ફેફસાં ટીશૂને ઝડપથી બદલવાનું શરૂ કરી દે છે. શરૂઆતમાં આપની બોડી આ ડેમેજને રીકવર કરી લે છે. જો કે વારંવાર સિગરેટના ધુમાડાથી ફેફસાંની કોશિકાને વધુને વધુ નુકસાન પહોંચવા લાગે છે. આ કારણે કોશિકાઓ અસામાન્ય રીતે કામ કરવા લાગે છે અને વ્યક્તિ કેન્સરગ્રસ્ત થઇ જાય છે.

ફેફસાંના કેન્સરના પ્રકારઃ ડોક્ટરે ફેફસાંના કેન્સરને બે મોટા ભાગમાં વિભાજિત કર્યું છે. ‘સ્મોલ સેલ લંગ કેન્સર’ અને ‘નોન સ્મોલ સેલ કેન્સર’, કેન્સરના પ્રકારના આધારે ડોક્ટર તેનો ઇલાજ નક્કી કરે છે.

ફેફસાંનું કેન્સર થવાના મોટા કારણોઃ સ્મોકિંગ અને નોન સ્મોકિગ સિવાય પણ ફેફસાંના કેન્સર માટે અન્ય કારણો પણ જવાબદાર છે. જો કોઇ અન્ય પ્રકારના કેન્સર માટે છાતીની રેડિએશન થેરેપી કરાવી હોય તો પણ કેન્સરની શક્યતા વધી જાય છે. આ સિવાય રેડૉન ગેસના સંપર્કમાં આવવાથી પણ કેન્સર થઇ શકે છે. – આ સિવાય આર્સનિક ક્રોમિયમ અને નિકેલ જેવા કેમિકલ એલિમેન્ટના સંપર્કમાં આવવાથી પણ આ કેન્સર થવાની શકયતા રહે છે. આ કારણે જ આપનું ઘર કેવા વિસ્તારમાં છે અથવા તો આપ કેવી જગ્યાએ વધુ સમય વિતાવો છો. તે બધી જ બાબતો પર પણ કેન્સરના જોખમનો આધાર રહેલો છે. આ સિવાય અનેક કેસોમાં કેન્સર પરિવારની હેલ્થ હિસ્ટ્રીના કારણે પણ થાય છે.

સારવાર અને બચાવઃ ફેફસાંના કેન્સરથી દૂર રહેવા માટે ડોક્ટર્સ કેટલીક સલાહ આપે છે. ધૂમ્રપાનનો ત્યાગ કરવો, ધૂમ્રપાનના ધૂમાડાથી દૂર રહેવું, હાઇ રેડૉન વિસ્તારથી દૂર રહેવું, કામકાજના સ્થળ પર કાર્સનોજન્સ જેવા ઝેરીલા કેમિકલથી દૂર રહેવું, આહારમાં લીલા શાકભાજી અને ફળોને વધુ સામેલ કરવા, નિયમિત યોગ અને એકસરસાઇઝ કરવી, આ પ્રકારની જીવન શૈલી અપનાવીને ફેફસાંને હેલ્ધી રાખી શકાય છે.

You cannot copy content of this page