Only Gujarat

National

અદાણી 18 વર્ષની વયે કોલેજ છોડી મુંબઈ પહોંચ્યા ને પ્રેમજીએ 34 વર્ષ બાદ અધૂરો અભ્યાસ પૂર્ણ કર્યો

મુંબઈઃ બાળકોને મોટાભાગે એમ કહીને ભણાવવામાં આવે છે કે ભણશો નહીં તો કંઈજ કરી શકશો નહીં. આ વાત અમુક અંશે સાચી છે. પરંતુ આપણા જ દેશમાં ઘણા અબજોપતિ એવા પણ છે જે ક્યારેય સ્કૂલ નથી ગયા અથવા અધવચ્ચે જ તેમણે અભ્યાસ છોડી દીધો હતો. આ લિસ્ટમાં મુકેશ અંબાણીથી લઈ અજીમ પ્રેમજીનું નામ સામેલ છે. આ અબજોપતિ દેશ ઉપરાંત વિદેશના જાણીતા લોકોમાં સામેલ છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ પણ કોલેજ ડ્રોપઆઉટ રહી ચૂક્યા છે. આજે અમે તમારી સમક્ષ ભારતના આવા જ અબજોપતિઓની માહિતી રજૂ કરી રહ્યાં છીએ.

ગૌતમ અદાણી
ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ એવા ગૌતમ અદાણીએ 18 વર્ષની વયે જ કોલેજ છોડી દીધી હતી. તેમને પોતાનો બિઝનેસ શરૂ કરવાની તીવ્ર ઈચ્છા હતી અને તેથી કોલેજ છોડી મુંબઈ પહોંચી ગયા. તેઓ મુંબઈ પહોંચ્યા ત્યારે તેમની પાસે માત્ર અમુક રૂપિયા હતા. બિઝનેસ ઈનસાઈડરના અહેવાલ અનુસાર, આજ તેમની સંપત્તિ 25.2 બિલિયન ડૉલર છે. તેઓ આજે ભારતના સૌથી મોટા પ્રાઈવેટ પોર્ટ (મુંદ્રા, ગુજરાત)ના માલિક છે અને તેમનો વેપાર ઘણા દેશમાં ફેલાયેલો છે.

મુકેશ અંબાણી
પિતા ધીરુભાઈ અંબાણીના બિઝનેસમાં જોડાવવા માટે મુકેશ અંબાણીએ અધવચ્ચે જ અભ્યાસ છોડી દીધો હતો. 1980માં મુકેશ અંબાણી Ivy league Schoolથી ડ્રોપઆઉટ થયા અને પિતા બિઝનેસમાં જોડાયા હતા. જોકે તેમણે પોતાના એમબીએના અભ્યાસનો સમય ઘટાડાવ્યો હોવાથી તેમને ડ્રોપઆઉટ કહેવું યોગ્ય નહીં હોય. મુકેશ અંબાણી 88 બિલિયન ડૉલર સંપત્તિન સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે.

સાવિત્રી જીંદલ
બિઝનેસ ઈનસાઈડરની વેબસાઈટ પર પબ્લિશ થયેલી રિપોર્ટ અનુસાર, સાવિત્રી જીંદલ ક્યારેય સ્કૂલ ગયા નથી. તેઓ આજે ભારતની સૌથી ધનિક મહિલા અને જીંદલ ગ્રૂપની માલિક છે. તેમની કંપની (જેના ભાગલા થઈ ચૂક્યા છે) ચાર દીકરા- પૃથ્વીરાજ, સજ્જન, રતન અને નવીન જીંદલ ચલાવે છે. તેમની કુલ સંપત્તિ 7 બિલિયન ડૉલર છે.

અજીમ પ્રેમજી
ભારતના અબજોપતિઓમાં સામેલ અજીમ પ્રેમજી (8.1 બિલિયન ડૉલર)એ 21 વર્ષની વયે સ્ટેનફોર્ડ યુનિ.માં પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. પિતાના નિધન બાદ તેઓ બિઝનેસ સંભાળવા ભારત આવી ગયા હતા. તેમણે પિતાની નાનકડી કંપનીને વિશ્વના એક મોટા આઈટી પાવરહાઉસ બનાવી દીધી. જોકે 34 વર્ષ બાદ અજીમ પ્રેમજીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ફરી એડમિશન લીધું અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હતો.

સુભાષ ચંદ્રા
સુભાષ ચંદ્રા 12 વર્ષના હતા ત્યારે તેમણે સ્કૂલ છોડવી પડી હતી. તેમના પરિવાર પાસે સ્કૂલની ફી ભરવાના પૈસા પણ નહોતા. 1965માં તેમણે પોતાનો નાનો બિઝનેસ શરૂ કર્યો જેથી પરિવારનું દેવું ભરી શકે. સુભાષ ચંદ્રા આજે મીડિયા ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા નામમાંથી એક છે. તેમણે ભારતમાં સૌપ્રથમ પ્રાઈવેટ ટીવી ચેનલની શરૂઆત કરી હતી. તેમની કુલ સંપત્તિ 2.5 બિલિયન ડૉલર છે.

You cannot copy content of this page