Only Gujarat

FEATURED International

રશિયાનો ટ્રાયલ વગર જ સફળ વેક્સીન બન્યો હોવાનો દાવો, તો શું કોરોનાનો ખાત્મો થશે કે પછી..!

મોસ્કોઃ કોરોના મહામારીથી બચાવ માટે વિશ્વમાં વેક્સિનની રાહ જોવામાં આવી રહી હતી. વિશ્વના ઘણા દેશો વેક્સિન બનાવવામાં લાગેલા છે. ક્લિનિકલ ટ્રાયલથી લઈ હ્યુમન ટ્રાયલના તબક્કામાંઓમાં પણ ઘણી વેક્સિન સફળ રહી. દરેક તરફ ઓક્સફોર્ડ વેક્સિન પર ચર્ચા થઈ રહી હતી, પરંતુ મંગળવાર, 11 ઓગસ્ટના રોજ અચાનક રશિયન રાષ્ટ્રપતિએ વેક્સિન બનાવ્યોનો દાવો કરી સૌને ચોંકાવ્યા હતા. આ વિશ્વની પ્રથમ કોરોના વેકસિન છે, જેને રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. પુતિને આ વેક્સિન પોતાની દીકરીને પણ આપી હોવાનો દાવો કર્યો છે.

રશિયાના દાવા બાદ હવે આ વેક્સિન પર ચર્ચા થઈ રહી છે. હવે WHO આ વેક્સિનને મંજૂરી આપે છે કે નહીં તે અંગે તમામની નજર છે. જો મંજૂરી આપશે તો આ વેક્સિનને કઈ રીતે આગળ વધારવામાં આવશે અને શું આ વેક્સિન ભારતમાં આવશે? આવા તમામ સવાલોના જવાબ અગાઉ 10 સરળ પોઈન્ટમાં સમજો આ વેક્સિન સાથે જોડાયેલી 10 મહત્ત્વપૂર્ણ વાતો.

1. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 11 ઓગસ્ટના ટીવી પર દેશ તથા વિશ્વ સમક્ષ સામે આવી કોરોના વેક્સિન બનાવી લીધાની જાહેરાત કરી. પુતિને કહ્યું કે તેમના દેશે વિશ્વની પ્રથમ કોરોના વેક્સિન બનાવી લીધી છે. લગભગ 2 મહિનાના હ્યુમન ટ્રાયલ બાદ આ વેક્સિનને રશિયામાં મંજૂરી મળી ગઈ છે. 2. આ વેક્સિનનું નામ ‘Sputnik V’ (સ્પુતનિક પાંચ) છે. આ નામ પણ ખાસ છે. Sputnik વિશ્વનું પ્રથમ સેટેલાઈટનું નામ હતું. જેને સોવિયત સંઘે 1957માં લોન્ચ કર્યું હતું. તેને સેટેલાઈટ સાથે જોડી પ્રથમ કોરોના વેક્સિનનું નામ આપવામાં આવ્યું.

3. પુતિને જણાવ્યું કે કોરોના વેક્સિનના પ્રથમ ડોઝ માટે તેમણે પોતાની દીકરીને પસંદગી કરી. આ વાત સાંભળી તમામ લોકો ચોંક્યા હતા. તેમની 2 દીકરીઓ છે, જેમાંથી એકને હળવો તાવ હતો. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યા. આ ડોઝના કારણે તેમની દીકરીના સ્વાસ્થ્યમાં ઝડપી સુધાર જોવા મળ્યો અને એક દિવસમાં જ તાવ ઓછો થઈ ગયો. 4. રશિયાના ગામાલેયા નેશનલ સેન્ટરે આ વેક્સિન બનાવી છે. આ માટે એક અલગ વાઈરસ ‘એડેનો વાઈરસ’નો ઉપયોગ કરવામાં આવ્યો. તેના સાથે મળતી જ વેક્સિન ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ચીનમાં પણ બની ચૂકી છે.

5. રશિયન રક્ષા મંત્રાલય અને ગામાલેયા નેશનલ સેન્ટરે મળી Sputnik Vને બનાવી. તે ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી હોવાનો દાવો કરાયો. ક્લિનિકલ ટ્રાયલ 18 જૂને શરૂ કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલમાં 38 વોલન્ટિયર્સ સામેલ થયા હતા. ટ્રાયલ દરમિયાન વોલેન્ટિયર્સમાં વાઈરસ વિરુદ્ધ ઈમ્યુનિટી ડેવલપ થઈ. ટ્રાયલ બાદ પ્રથમ ગ્રૂપને 15 જુલાઈ અને બીજા ગ્રૂપને 20 જુલાઈએ ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું. 6. જોકે આ વેક્સિનની ફાઈનલ ટ્રાયલ હાલ બાકી. એવામાં તેના અપ્રૂવલ પર પણ સવાલો થઈ રહ્યાં છે. જ્યારે રશિયન કંપની સિસ્ટેમાએ આ વર્ષના અંતસુધીમાં વેક્સિનના પ્રોડક્શનની વાત કહી છે.

7. RDIF (Russian Direct Investment Fund)ના ચીફ કિરિલ દિમિત્રીએ કહ્યું કે, રશિયા પાસે પહેલાથી 20થી વધુ દેશોથી 1 બિલિયન ડોઝની ડિમાન્ડ આવી ચૂકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વેક્સિનનું મોટાપાયે પ્રોડક્શન સપ્ટેમ્બર મહિનાથી શરૂ થઈ જશે જે ઓક્ટોબરમાં વધારવામાં આવશે. 8. ચોંકાવનારી વાત એ છે કે વેક્સિન પર ફેઝ-3નું ટ્રાયલ શરૂ થાય તે પહેલા જ રશિયન સ્વાસ્થ્ય વિભાગે મંજૂરી આપી દીધી. જ્યારે કે ફેઝ-3 ટ્રાયલ મોટી સંખ્યામાં લોકો પર કરવામાં આવે છે. સામાન્ય રીતે તેના સફળ ટ્રાયલ બાદ જ વેક્સિનને પબ્લિક યુઝ માટે મંજૂરી અપાય છે.

9. આ વેક્સિનની એડવાન્સ ક્લિનિકલ ટ્રાયલ એટલે કે ફેઝ-3નો 12 ઓગસ્ટથી પ્રારંભ થઈ રહ્યો છે. જે હેઠળ યુએઈ, સાઉદી અરબ, ફિલિપિન્સ અને બ્રાઝિલ પણ સામેલ થશે. પ્રથમ અને બીજા તબક્કાની ટ્રાયલ 1 ઓગસ્ટે પૂર્ણ થઈ હતી. આ દરમિયાન વેક્સિનનો ડોઝ મોટાપાયે વોલેન્ટિયર્સને અપાશે. રશિયન તંત્રએ મેડિકલ સ્ટાફ, શિક્ષકો જેવા લોકો જેઓ હાઈ રિસ્ક પર છે તેમને સૌપ્રથમ વેક્સિન આપવાની જાહેરાત કરી છે. 10. WHO આ વેક્સિનને ત્રીજા તબક્કાના ટ્રાયલ હેઠળ હોવાની વાત કરી રહી છે. રશિયા સાથે WHO અપ્રૂવલ અંગે ચર્ચા કરી રહ્યું છે. WHO એ અગાઉ કહ્યું હતું કે, કોઈ વેક્સિનનું ત્રીજા તબક્કાની ટ્રાયલ પહેલા જ પ્રોડક્શન શરૂ કરવા લાઈસન્સ આપી દેવામાં આવે તો તે ઘણું જોખમી સાબિત થઈ શકે છે.

રશિયાએ વેક્સિન બનાવી સૌને ચોંકાવી દીધા. અમેરિકા સહિત 100 દેશોને પાછળ રાખી રશિયાએ આ વેક્સિન તૈયાર કરી. સપ્ટેમ્બરથી તેનું ઉત્પાદન અને ઓક્ટોબરથી સામાન્ય લોકોને તેના ડોઝ આપવાની તૈયારી ચાલી રહી છે. રશિયામાં સૌપ્રથમ આ વેક્સિનના ડોઝ ડૉક્ટર્સ અને સ્વાસ્થ્ય કર્મીઓને આપવામાં આવશે. સમગ્ર વિશ્વ સુધી આ વર્ષના અંતે કે આગામી વર્ષના પ્રારંભ સુધી વેક્સિનનો ડોઝ પહોંચી જશે.

શું ભારતમાં આવશે આ વેક્સિન? વેક્સિન સાથે જોડાયેલી વેબસાઈટમાં કહેવામાં આવ્યું કે, ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કરવામાં આવશે. આ ઉપરાંત ભારતીય કંપનીઓ દ્વારા પણ આ વેક્સિનને દેશમાં જ તૈયાર કરવા મામલે રસ દાખવ્યો છે. જોકે ભારત કે ભારતીય કંપનીઓ સાથે જોડાયેલી વધુ માહિતી હાલ સામે આવી નથી. આ મામલે દિલ્હી એમ્સના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ એક ચેનલને જણાવ્યું કે, ‘સૌપ્રથમ અમારે એ સ્પષ્ટ કરવાનું રહેશે કે આ વેક્સિન સુરક્ષિત છે.’ ઉલ્લેખનીય છે કે, હાલ ભારતમાં સ્વદેશી કોરોના વેક્સિનની સાથે ઑક્સફોર્ડની વેક્સિનની ટ્રાયલ પણ ચાલી રહી છે.

You cannot copy content of this page