Only Gujarat

Gujarat

જીપ અને બુલેટ વચ્ચેના અકસ્માતમાં 2 પાક્કા મિત્રોને મળ્યું ધ્રુજાવી દેતુ મોત, પરિવારનો કરૂણ કલ્પાંત

ગુજરાતનો એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. વડોદરા નજીક વડોદરા-સાવલી રોડ પર આસોજ ગામ પાસે મોડી સાંજે બાઇક સવાર 3 યુવાનોને પસાર થઈ રહેલી બોલેરો જીપે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવાનનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે બીજાનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનામાં બે મિત્રોના મોત થતાં ગમગીની ફેલાઇ ગઇ હતી.

મિત્રની બાઈકને પંચર પડતા મદદે ગયા હતા
વડોદરાના પાણીગેટ બાવચાવાડમાં રહેતો દેવ રજનીશભાઇ કહાર (ઉં.વ.17), ગૌતમ નંદલાલ કહાર (ઉં.વ.17) અને દંતતેશ્વર સાંઇનાથનગરમાં રહેતો કિશન કાળુભાઇ વણઝારા (ઉં.વ.18) મંજુસર GIDCથી બુલેટ ઉપર વડોદરા આવી રહ્યા હતા. દરમિયાન સાવલી તાલુકાના આસોજ ગામના પાટીયા પાસે રોંગ સાઇટ ઉપર સામેથી આવી રહેલી બોલેરો જીપના ચાલકે ત્રણ મિત્રો સવાર બુલેટને અડફેટે લેતા ત્રણ રોડ પર ફંગોળાઇ ગયા હતા. જેમાં કિશન વણઝારાનું સ્થળ પર મોત નીપજ્યું હતું.

બુલેટ ઉપર જઈ રહેલા ત્રણ મિત્રોને અકસ્માત નડ્યો
જ્યારે ગૌતમ કહારનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દેવ કહારને બંને પગમાં અને કમરમાં ગંભીર ઇજા પહોંચતા વડોદરાની માંજલપુર ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

મારા દીકરાને ગંભીર ઇજા પહોંચી છે
આ કરુણ ઘટના અંગે ઇજાગ્રસ્ત દેવ કહારના પિતા રજનીશભાઇ કહારે જણાવ્યું હતું કે, હું પાણીગેટ બાવચાવાડ સ્લમ ક્વાટર્સ પાછળ પરિવાર સાથે રહું છું. મારો પુત્ર દેવ ધોરણ-10માં અભ્યાસ કરે છે. ગૌતમ કહાર પણ પાણીગેટ બાવચાવાડ, સ્લમ ક્વાટર્સમાં બ્લોક નંબર-3, રૂમ નંબર-56માં રહે છે. જ્યારે દંતેશ્વર સાંઇનાથ નગરમાં કિશન વણઝારા રહે છે. અને મંજુસર પાસેની કંપનીમાં નોકરી કરે છે. તેની મોટર સાઇકલને પંકચર પડતા તેણે તેના મિત્ર ગૌતમ કહારને મદદ માટે બોલાવ્યો હતો. આથી ગૌતમ કહાર તેના મિત્ર દેવ કહારને લઇ મંજુસર ગયા હતા.

ઘરે પરત ફરતા અકસ્માત
દરમિયાન ત્રણેય મિત્રો બુલેટ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા. બુલટે કિશન વણઝારા ચલાવી રહ્યો હતો. આસોજ પાટીયા પાસે સામેથી પુરપાટ રોંગ સાઇટ ઉપર આવી રહેલી બોલેરો જીપના ચાલકે ત્રણ મિત્રો સવાર બુલેટને અડફેટમાં લેતા ત્રણેય મિત્રો રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેમાં કિશન વણઝારા અને ગૌતમ કહારનું મોત નીપજ્યું છે. જ્યારે મારા પુત્ર દેવને બે પગમાં અને માથામાં ગંભીર ઇજા થઇ છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.

બોલેરો જીપ ચાલક સામે ફરિયાદ
આ ગમખ્વાર અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ અકસ્માતમાં બુલેટ ચાલક કિશન વણઝારાનું સ્થળ પર મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત ગૌતમ કહાર અને દેવ કહારને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં ગૌતમ કહારનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ ત્રણે મિત્રોના પરિવારજનોને થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અકસ્માતમાં મોતને બેટેલા બંને મિત્રોના પરિવારજનોના હૈયાફાટ રૂદને હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો. અરેરાટીભર્યા અકસ્મતાના આ બનાવ અંગે મંજુસર પોલીસે બોલેરો જીપ ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

You cannot copy content of this page