Only Gujarat

FEATURED National

લૉકડાઉનને કારણે પરિવાર થયો તબાહ, આર્થિક તંગીએ હસતા રમતા પરિવારને કર્યો વેર વિખેર

ભટિંડાઃ પંજાબના ભટિંડામાં આર્થિંક તંગી અને દેવાની સમસ્યાને કારણે એક ટ્રેડરે પત્ની તથા 2 બાળકોને ગોળી મારી હત્યા કરી હતી. જે પછી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી. મૃતકોની ઓળખ દવિન્દર ગર્ગ (41), પત્ની મીના ગર્ગ (38), દીકરો આરુષ ગર્ગ (14) અને દીકરી મુસ્કાન ગર્ગ (10) તરીકે થઈ હતી. મૃતકે આત્મહત્યા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી, જેમાં આર્થિક તંગી તથા દેવાને પોતાના મોતનું કારણ ગણાવ્યું હતું, આ સાથે તેણે દેવાની ભરપાઈ માટે સતત માનસિક ત્રાસ આપતા 9 લોકોના નામ પણ લખ્યા હતા.

ભટિંડાની ગ્રીન સિટી કોલોનીના 284 નંબરના ઘરમાં રહેતા દવિંદર ગર્ગ પ્રાઈવટ કંપની થકી ટ્રેડિંગ કરતા હતા. લૉકડાઉનમાં કામ બંધ થવાને કારણે આર્થિક સ્થિતિ નબળી થઈ હતી. આ ઉપરાંત કરોડોનું દેવું માથે હતું. આ કારણે દવિંદર ચિંતિત રહેવા લાગ્યો હતો. ગુરુવારે બપોરે 4 કલાકે તેણે પોતાની લાઈસેન્સવાળી રિવોલ્વર વડે પત્ની અને બાળકોની ગોળી મારી હત્યા કરી અને પછી પોતે આત્મહત્યા કરી હતી.

ઘટના અંગે જાણ થતા એસએસપી ભૂપિંદર જીત સિંહ વિર્ક પોલીસ પાર્ટી સહિત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ ટીમે કબ્જે કરાયેલી રિવોલ્વર વડે તપાસ શરૂ કરી હતી. સુસાઈડ નોટને પોલીસે કબજે લઈ એનજીઓની મદદ વડે મૃતદેહોને સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

એસએસપી ભૂપિંદર જીત સિંહ વિર્કે જણાવ્યું કે,‘દવિન્દર બિટકોઈન કંપનીની ટ્રેડિંગમાં કામ કરતો હતો. તેણે લોકો પાસેથી 15 કરોડ લઈ કંપનીમાં લગાવ્યા હતા. આ રકમ પરત કરવા અસમર્થ હોવાના કારણે મુશ્કેલીઓમાં વધારો થયો હતો. તેણે પહેલા પરિવારજનોની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી.’

દવિન્દરની લાઈસેન્સવાળી રિવોલ્વર કબ્જે કરી પોલીસે દવિન્દર વિરુદ્ધ હત્યા તથા ધારા 306 હેઠળ ફરિયાદ નોંધી હતી. ઉલ્લેખનીય છે કે, 8 ઓક્ટોબર 2020ના પણ આ પ્રકારનો કેસ દયાલપુરા પોલીસે નોંધ્યો હતો. ભટિંડાના ગામ હમીરગઢમાં રહેતા 32 વર્ષીય વ્યક્તિએ પોતાના 3 નાના બાળકોને ફાંસીએ લટકાવી હત્યા કરી અને પછી પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

You cannot copy content of this page